‘દાદા’ના ’દાસ’ બનતા વડાપ્રધાન મોદી

સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુલ બેઠકમાં લેવાયો નિર્ણય:વડાપ્રધાન મોદી બન્યા નવા ચેરમેન

દેવાધિદેવ મહાદેવના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મંદિર. સોમનાથ મંદિર ફકત રાજ્ય કે દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો માટે આસ્થાનું પ્રતીક છે. દરિયાકાંઠે આવેલું આ મંદિર લાખો-કરોડો લોકોનું આસ્થાનું પ્રતીક છે. સોમનાથ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અનેક આક્રમણો થયા છતાં પણ હજુ સોમનાથ મંદિર અડીખમ ઉભું છે. સોમનાથ મંદિરના પુન:નિર્માણ પાછળ સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રાચીનકાળથી આ મંદિરનું મહત્વ ખૂબ વધુ છે. મંદિરનું પુન: નિર્માણ માટેની ડિઝાઇન સુપ્રસિદ્ધ શિલ્પકાર પ્રભાશંકર સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર નિર્માણની જવાબદારી પ્રભાશંકર સોમપુરાના પુત્ર ચંદ્રકાંત સોમપુરાને સોંપવામાં આવી છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરાઇ છે. સોમવારે સાંજે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અગાઉ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા પરંતુ તેમના અવસાનને કારણે આ જગ્યા ખાલી પડી હતી. મોદીને ચેરમેન બનાવવા અંગે ટ્રસ્ટની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા ચેરમેન છે અને ભારતના વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા હોય તેવું મોરારજી દેસાઇ બાદ નરેન્દ્ર મોદીના બીજી વાર કિસ્સામાં બન્યું છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી પદ બાદ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પદે પણ મોદી કેશુભાઇ પટેલના અનુગામી બન્યા છે. આ અગાઉ આ બેઠક ગયા સોમવારે મળવાની હતી તે મોકૂફ થતાં બુધવારે યોજાવાનું નક્કી થયું હતું.

વડાપ્રધાનની વરણી અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ બે વખત જે અનિવાર્ય સંજોગોના કારણે ફરી બેઠક મુલત્વી રહી હતી.

ત્રણેક માસ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે ગત સાંજે ૬:૩૦ વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા છે. બેઠકમાં નવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલતા વિકાસ કામોની ચર્ચાઓના એજન્ડાની દર ત્રણ મહિને મળતી રૂટીન બેઠક હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પ્રથમ વાર વર્ષ ૨૦૧૭માં સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી કેમ્પઈન બાદ વડાપ્રધાને મંદિરની મુલાકાત લઈને દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. સોમનાથ મંદિર ફક્ત ધાર્મિક રીતે જ નહીં પરંતુ રાજકીય રીતે પણ ભાજપ માટે અતિમહત્વપૂર્ણ સ્થળ છે. વર્ષ ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીવાળી રામ રથયાત્રાની શરૂઆત પણ સોમનાથ મંદિર ખાતેથી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, ભાજપની સ્થાપના પણ સોમનાથ મંદિર ખાતેથી થઈ હતી તેવું પણ કહી શકાય.

Loading...