Abtak Media Google News

જસદણ નજીક ઘેલા સોમનાથ ખાતે બનાવવામાં આવેલા ખાસ હેલીપેડ પર ૧૦:૫૦ કલાકે રાષ્ટ્રપતિએ કર્યું ઉતરાણ: મંદિરમાં પુજા-અર્ચના બાદ સૌની યોજનાની ઈ-તકતીનું અનાવરણ: જાહેરસભાને સંબોધી: મહામહિમ રાષ્ટ્રપતિ બપોરે ૧૨:૫૦ કલાકે રાજકોટ આવશે

દેશના ૧૪માં રાષ્ટ્રપતિ બન્યા બાદ રામનાથ કોવિંદ ગઈકાલે રવિવારે પ્રથમવાર બે દિવસની ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. ગઈકાલે તેઓએ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આજે તેઓ સૌરાષ્ટ્રના સુપ્રિધ્ધ તીર્થધામ એવા ઘેલા સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ મહાદેવની પૂજા-અર્ચના કર્યા બાદ રાજય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને જસદણ સહિત ઘેલા સોમનાથમાં જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બપોરે ૧૨:૫૦ કલાકે મહામહિમ રાષ્ટ્રપતિનું રાજકોટમાં આગમન થશે. અહીં તેઓ એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થઈ જશે.

ગઈકાલે રવિવારના રોજ મોદી સરકારના વિસ્તરણમાં નવ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા બાદ રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા. ગઈકાલે તેઓએ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આજે સવારે ૯:૪૦ કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરથી બાય એર ઘેલા સોમનાથ જવા માટે રવાના થયા હતા. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઘેલા સોમનાથ તિર્થધામ ખાતે બનાવવામાં આવેલા ખાસ હેલીપેડ ખાતે સવારે ૧૦:૫૦ કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું આગમન થયું હતું. ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલી,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સવારે ૧૧:૧૦ કલાકે રાષ્ટ્રપતિએ ઘેલા સોમનાથ મંદિર ખાતે મહાદેવની પુજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સૌની યોજનાના ખાતમુહૂર્તના કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સૌપ્રથમ રાજય સરકારના સિંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણીએ સૌની યોજના અંગે પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ ૧૧:૪૬ કલાકે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રવચન આપ્યું હતું. તેઓના ૯ મીનીટના પ્રવચન બાદ ૧૧:૫૩ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવચન આપ્યું હતું અને ૧૨ કલાકે રાજયપાલ ઓ.પી.કોહલીએ સંબોધન કર્યું હતું. બપોરે ૧૨:૦૭ કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌની યોજનાની ઈ-તકતીનું અનાવરણ રીમોટ કંટ્રોલની મદદથી કર્યું હતું. ત્યારબાદ ૧૨:૧૦ કલાકે તેઓએ એક જાહેરસભાને સંબોધી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ સૌરાષ્ટ્ર સાથે ખુબજ જૂનો ધરોબો ધરાવે છે. દેશના ૧૪માં રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ આજે પ્રથમ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હોય. તેઓને આવકારવામાં માટે સૌરાષ્ટ્રના ગામે-ગામથી લોકો ઘેલા સોમનાથ ખાતે ઉમટી પડયા હતા અને ઉષ્માભેર આવકાર્યા હતા.

દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદની મુલાકાતને લઈ આજે રાજકોટ અને ઘેલા સોમનાથ સહિતના વિસ્તારોમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઘેલા સોમનાથ ખાતે મહાદેવની પૂજા-અર્ચના અને સૌની યોજનાનું ખાતમુહૂર્ત કર્યા બાદ બપોરે ૧૨:૫૦ કલાકે તેઓ ઘેલા સોમનાથથી રાજકોટ આવવા માટે રવાના થશે. અહીં રાજકોટ એરપોર્ટ ખાતે તેઓ ટૂંકુ રોકાણ કર્યા બાદ બપોરે ૧:૩૦ કલાકે રાજધાની દિલ્હી જવા માટે રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.