Abtak Media Google News

 દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે શનિવારે કચ્છની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છની આ ટુંકી મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ધોરડોના સફેદરણનો નઝારો માણશે. કચ્છના વહિવટીતંત્રે કોવિંદના પ્રવાસ કાર્યક્મને લઇ ચાલી રહેલી તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. કલેકટર રેમ્યા મોહને આપેલી વિગત અનુસાર રાષ્ટ્રપતિ આજે શનિવારે સાંજે 4 વાગ્યે ભુજ વિમાનીમથકે ઉતરાણ કરી અહીથી જ સીધા હેલીકોપ્ટરમાં બેસી સફેદરણ પહોંચશે.

ભુજ એરપોર્ટ પર રાજય સરકારના પ્રતિનિધી તરીકે પ્રવાસન મંત્રી ગણપત વસાવા કોવિંદને આવકારશે. ધોરડો પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ ટેન્ટસિટીમાં રોકાણ કરી સફેદરણમાં સૂર્યાસ્તનો નઝારો માણશે. આ પછી કચ્છ અને કચ્છ બહારના 200 જેટલા કલાકારો દ્વારા આયોજિત કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. રાષ્ટ્રપતિ પોતાના પત્નિ સાથે સફેદરણની મુલાકાતે આવી રહ્યા હોવાથી આયોજન લો પ્રોફાઇલ રહ્યું હોવાનું કલેકટરે ઉમેરી પ્રોટોકલ અનુસાર સુરક્ષા બંદોબસ્ત જાળવવા સહિતની તમામ તૈયારીઓ કરાઇ છે.

આ પ્રવાસ દરમિયાન કોવિંદ બીએસએફના જવાનોને પણ મળવાના છે. આ મુલાકાત અનુસંધાને ધોરડો ઉપરાંત ભુજમાં પણ 1000થી વધુ પોલીસ જવાનોને બંદોબસ્ત માટે તૈનાત કરાયા છે. રવિવારે ધોરડોથી સીધાજ રાષ્ટ્રપતિ સાસણ ગીર જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.