Abtak Media Google News

મોટા માટે એન્ટ્રી ફી રૂ.૨૦ થી વધારી રૂ.૨૫ કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: વોર્ડ નં.૨માં બજરંગવાડીમાં આયુર્વેદિક થીમ પાર્ક બનાવવા, નવા ૫૮ કોમ્પ્યુટર ખરીદવા સહિતની ૩૭ દરખાસ્તો અંગે શનિવારે લેવાશે સ્ટેન્ડિંગમાં નિર્ણય

મહાપાલિકાને પણ મોંઘવારી નડી રહી હોય તેમ પ્રદ્યુમનપાર્કની મુલાકાતે આવતા સહેલાણીઓની પ્રવેશ ટીકીટના દરમાં ૨૫ ટકા સુધીનો વધારો કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આગામી શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવાના કામ માટે ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા, વોર્ડ નં.૨માં બજરંગવાડીમાં આયુર્વેદીક થીમ પાર્ક બનાવવા અને નવા ૫૮ કોમ્પ્યુટર ખરીદવા સહિતની ૩૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ પ્રદ્યુમનપાર્ક ઝુની મુલાકાતે આવતા સહેલાણીઓ પાસે પ્રવેશ ફી પેટે રૂ.૨૦ અને નાના બાળકોની પ્રવેશ ફી પેટે રૂ.૧૦ વસુલવામાં આવે છે.

છેલ્લા એક વર્ષમાં ૬ લાખથી વધુ લોકોએ પ્રદ્યુમનપાર્ક ઝુની મુલાકાત લીધી છે. ઝુમાં પ્રાણીઓની સંખ્યા અને લોકોની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હોય. ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે પ્રવેશ ટીકીટના દરમાં વધારો કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હાલ મોટેરાઓ પાસેથી પ્રવેશ શુલ્ક પેટે રૂ.૨૦ વસુલવામાં આવે છે જે વધારી રૂ.૨૫ કરવા અને નાના બાળકોની ટીકીટ માટે વસુલવામાં આવતા રૂ.૧૦નો દર યથાવત રાખવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૨માં બજરંગવાડી વિસ્તારને લાગુ ટીપી સ્કીમ નં.૯ના ફાઈનલ પ્લોટ નં.જી-૩માં ૧૩૦૪૧ ચો.મી.જમીન પર આયુર્વેદીક થીમ પાર્ક બનાવવા રૂ.૭૦.૩૪ લાખનો ખર્ચ મંજુર કરવા, મહાપાલિકાની શાખાઓ માટે ૫૮ કોમ્પ્યુટર લેવા, ટીપી સ્કીમનં.૩ (નાનામવા)ના શોપીંગ સેન્ટરના અંતિમ ખંડ નં.૪ની ૮૦૧.૫૦ ચો.મી. જમીન હિન્દુસ્તાન પેટ્રોલીયમ લીમીટેડને ૯૯ વર્ષના લીઝ ઉપર પ્રિત ચો.મી.રૂ.૧.૨૫ લાખ લેખે આપવા સહિતની ૩૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

પીપીપી બિલ્ડરે સમયસર જમીન ન સોંપતા સ્માર્ટ ઘર પ્રોજેકટ અટવાયો

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩માં મવડી ટીપી સ્કીમ નં.૨૮ના ફાઈનલ પ્લોટ નં.૪૯-સી પર નદીકાંઠાના વિસ્થાપિતો માટે સ્માર્ટ ઘર બનાવવાનો પ્રોજેકટ આજથી બે વર્ષ પૂર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન પીપીપી યોજનાના કોન્ટ્રાકટર શ્રીરેડ ઓર્ગેનાઈઝેશન પ્રા.લી. ઝુંપડપટ્ટી પુન:વસન દ્વારા ખાલી કરાવી કમ્પાઉન્ડ વોલ કરી મહાપાલિકાને જમીનની સોંપણી સમયસર ન કરતા સ્માર્ટ ઘરનો પ્રોજેકટ વિલંબમાં પડયો છે. આ પ્રોજેકટના કોન્ટ્રાકટર મારૂતિ ઈન્ફ્રાસ્ટ્રકચરે ઈએમડી પરત માંગી લેતા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હવે આ કામ વિનાયક ઈન્ફોટેક પ્રા.લી.ને સોંપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

હોસ્પિટલ ચોકમાં બ્રીજ બનાવવાનો પ્રોજેકટ આગળ વધ્યો: ક્ધસલ્ટન્ટ નિમવા દરખાસ્ત

સતત ટ્રાફિકથી ધમધમતા એવા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવાનો પ્રોજેકટ અંતે ફાઈલમાંથી નિકળી આગળ ધપયો છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રીજ બનાવવા માટે રૂ.૨૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. દરમિયાન હોસ્પિટલ ચોક ખાતે ટ્રાફિક મેનેજમેન્ટ ઈન્પ્રુમેન્ટ માટે ફલાય ઓવરબ્રીજ બનાવવો કે અંડરપાસ તે નકકી કરવા સર્વે સહિતની કામગીરી માટે ક્ધસલ્ટન્ટ નિમવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. કાલાવડ રોડ અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર બ્રીજ બનાવવા માટે રોકાયેલી ડેલ્ફ ક્ધસલ્ટીંગ એન્જીનીયર (ઈન્ડિયા) પ્રા.લી. અમદાવાદ નામની એજન્સીની હોસ્પિટલ ચોક ખાતે અંડરબ્રીજ કે ઓવરબ્રીજ બનાવવાના કામ માટે ક્ધસલ્ટન્ટ તરીકે નિમણુક કરવામાં આવશે. જેને પ્રોજેકટ ખર્ચના ૧.૩૫ ટકા લેખે ક્ધસલ્ટીંગ ફી ચુકવવામાં આવશે.

૮ મિલકતો સીલ: ૬ બાકીદારોના નળજોડાણ કપાયા

ગુરૂવાર અને શુક્રવારની રજામાં પણ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસોમાં વેરાની વસુલાત ચાલુ રખાશે

મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરી અંતર્ગત સેન્ટ્રલ ઝોનમાં ૪ અને વેસ્ટ ઝોનમાં ૪ સહિત કુલ ૮ મિલકતો સીલ કરવામાં આવી હતી. જયારે ૬ બાકીદારોના નળજોડાણ કાપી નાખવામાં આવ્યા હતા અને બે મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. આવતીકાલે અને શુક્રવારના રોજ જાહેર રજા હોવા છતાં સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસોમાં વેરાની વસુલાત કરવામાં આવશે.

સેન્ટ્રલ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા આજે શહેરના વોર્ડ નં.૭માં ગોંડલ રોડ પર જીમ્મી ટાવરમાં ૪ દુકાનો સીલ કરવામાં આવી હતી. જયારે ટાગોર રોડ પર સુરેશ ચેમ્બરમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના યુનિટની ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. વોર્ડ નં.૧૩માં આંબેડકરનગરમાં વેરો વસુલવા માટે પાંચ બાકીદારોના નળજોડાણ કપાત કરવામાં આવ્યા હતા. ભકિતનગર સ્ટેશન પ્લોટમાં મણીમેનશનને પણ ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે.

વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા નક્ષત્ર-૨માં ત્રીજા માળે હમેશકુમાર અગ્રવાલની મિલકત, સાધુ વાસવાણી રોડ પર જલારામ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં બિલ્ડરની મિલકત અને રંજનબેન સોલંકીની મિલકત, સાધુ વાસવાણી રોડ પર શિવમ કોમ્પ્લેક્ષમાં વાલજીભાઈ કંટારીયા અને સ્ટુડિયો ઈમેજની મિલકત સીલ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં કિરીટકુમાર કોઠારીયા નામના બાકીદારનું નળજોડાણ કપાત કરાયું હતું.

આજે કુલ રૂ.૧૩.૩૪ લાખની વસુલાત થવા પામી છે. નાણાકીય વર્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય ગુરુવાર અને શુક્રવારે અનુક્રમે મહાવીર જયંતી તથા ગુડ ફ્રાઈ ડેની રજા હોવા છતાં સિવિક સેન્ટર અને વોર્ડ કચેરીએ વેરાની વસુલાત ચાલુ રાખવામાં આવશે.

કોર્પોરેશન નાનામવા સર્કલની જમીન હિન્દુસ્તાન પેટ્રોલીયમને વહેંચશે

પ્રતિ ચો.મી. રૂ.૧.૨૫ લાખ લેખે ૮૦૧.૫૦ ચો.મી. જમીન વેચાશે

મહાપાલિકા દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસે આવેલી જમીન હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડને રૂ.૧૦ કરોડમાં વહેંચશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ટીપી સ્કીમ ૩ (નાનામવા)ના શોપીંગ સેન્ટર બનાવવાના હેતુના અંતિમ ખંડ નં.૪ની જમીન હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડને અગાઉ ૧૨૦૪.૫૦ ચો.મી. જમીન વહેંચવામાં આવી હતી. દરમિયાન હયાત પેટ્રોલપંપને લાગુ વધારાની ૮૦૧.૫૦ ચો.મી. જમીન લીઝ પર આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. પ્રતિ ચો.મી.રૂ.૧.૨૫ લાખ લેખે ૮૦૧.૫૦ ચો.મી. જમીન વહેંચવાથી મહાપાલિકાને રૂ.૧૦ કરોડની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત ટીપી સ્કીમ નં.૪માં શોપીંગ સેન્ટરના હેતુની જમીનનો અંતિમ ખંડ નંબર ૫૧૫ની ૨૫૫૬ ચો.મી. જમીન અગાઉ ૮૦ હજારના ભાવે રૂ.૧૦.૮૦ કરોડમાં હિન્દુસ્તાન પેટ્રોલીયમ લીમીટેડને રેસીડેન્સ કોલોની બનાવવા માટે આપવામાં આવી હતી. જેમાં કંપની રેસીડેન્સ કોલોની સાથે પેટ્રોલપંપ પણ બનાવવા માંગતી હોય હેતુફેર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરાઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.