Abtak Media Google News

સર્પે ડંશ દીધા બાદ વાઘણ બેહોશ, સારવાર દરમિયાન મોત નિપજયું: ઝુ પરિવારમાં શોકની લાગણી

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુમાં સર્પ ડંશના કારણે ગઈકાલે સાંજે ‘ભુમી’ નામની સાડા બાર વર્ષની વાઘણનું ક‚ણ મોત નિપજતા ઝુ પરીવારના કર્મચારીઓમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. સર્પ ડંશ બાદ તુરંત સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી હોવા છતાં વાઘણ ભુમીને બચાવી શકાઈ ન હતી. વાઘણના પીએમ બાદ વિષના સેમ્પલ એકત્ર કરી વધુ પરીક્ષણ અર્થે જુનાગઢ વેટરનરી કોલેજમાં મોકલવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે રાત્રે સર્પ ડંશના કારણે ભુમી નામની વાઘણનું મૃત્યુ નિપજયું છે. વાઘણને સર્પે ડંશ દીધો હોવાની જાણ ફરજ પરના કર્મચારીને થતા તેઓએ તાત્કાલિક વેટરનરી ડોકટર અને એનીમલ કિપરને જાણ કરી હતી. સર્પ ડંશના કારણે શરીરમાં ઝેર પ્રસરી જતા બેભાન થઈ ગઈ હતી અને ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું હતું.

વાઘણનું બાહ્ય નિરીક્ષણ કરતા તેમના પાછળના ડાબા પડખે ઝેરી નિશાન જોવા મળ્યા હતા. આજે સવારે ઝુના વેટરનરી ઓફિસર, એ.એન.સી.ડી.ના વેટરનરી ઓફિસર તથા રાજકોટ જિલ્લા પંચાયતના વેટરનરી હોસ્પિટલની પેનલ દ્વારા મૃત વાઘણનું પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રીપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે વાઘણનું મોત સર્પ ડંશના કારણે થયું છે. વિષના સેમ્પલ એકત્ર કરી વધુ પરીક્ષણ અર્થે જુનાગઢ વેટરનરી કોલેજ ખાતે મોકલવામાં આવશે. પોસ્ટ મોર્ટમ બાદ નિયમ મુજબ તેનો અગ્નિદાહ કરવામાં આવ્યો હતો.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વાઘણ ભુમીનું જન્મ તા.૨૧/૩/૨૦૦૬ના રોજ વડોદરાના શ્રી સયાજીબાગ ઝુ ખાતે થયો હતો. તા.૧૮/૭/૨૦૧૦ના રોજ આ વાઘણને રાજકોટ ઝુમાં લાવવામાં આવી હતી. ગઈકાલે સાંજે તેનું સર્પ ડંશથી મોત નિપજતા હવે ઝુમાં એકમાત્ર માદા વાઘણ ‘ધારા’ છે. આ ઉપરાંત ૫૧ પ્રકારની પ્રજાતિના ૪૦૨ પ્રાણીઓ અને પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. ટુંક સમયમાં મેસુર ઝુ ખાતેથી રાજકોટ ઝુમાં નર વાઘ લાવવામાં આવશે. વાઘણ ભુમીના મોતથી ઝુ પરીવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.