Abtak Media Google News

જિલ્લા પંચાયતની ૬૫ બેઠકો માટે ૧૬૦ અને તાલુકા પંચાયતની ૩૪૨ બેઠકો માટે ૭૯૬ ઉમેદવારોના રાજકીય ભાવી નકકી કરશે ૩૧,૫૯,૮૭૭ મતદારો: શુક્રવારે મતગણતરી

ગુજરાત ૭૫ નગરપાલિકાઓની ચૂંટણીનું પરીણામ સોમવારે આવ્યા બાદ આજે રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયત અને અલગ-અલગ ૧૭ તાલુકા પંચાયત માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જિલ્લા પંચાયતની ૬૫ બેઠકો માટે ૧૬૦ ઉમેદવારો અને તાલુકા પંચાયતની ૩૪૨ બેઠકો માટે ૭૯૬ ઉમેદવારો મેદાનમાં છે. આજે સાંજે ૫:૦૦ કલાકે મતદાન પૂર્ણ થયા બાદ આગામી શુક્રવારે સવારે ૯:૦૦ કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવશે. બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયત કબજે કરવા માટે રાજયના બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં સવારથી શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

રાજયની બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત ઉપરાંત અલગ-અલગ જિલ્લા પંચાયતોની કોઈ કારણોસર ખાલી પડેલી પાંચ સહિત કુલ ૬૫ બેઠકો માટે આજે સવારે ૮:૦૦ કલાકથી મતદાન યોજાઈ રહ્યું છે. જયારે ૧૭ તાલુકા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયતની ખાલી પડેલી ૨૮ સહિત કુલ ૩૪૨ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. કુલ ૪૦૭૩ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની કુલ ૬૬ બેઠકો હતી જેમાં એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે તાલુકા પંચાયતની ૩૫૦ બેઠકોમાંથી ૮ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની ૬૫ બેઠકો માટે ૧૬૦ ઉમેદવારો અને તાલુકા પંચાયતની ૩૪૨ બેઠકો માટે ૭૯૬ ઉમેદવારો મેદાનમાં છે. જેના રાજકીય ભાવી રાજયના ૩૧,૫૯,૮૭૭ મતદારો નકકી કરશે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની ચાર તાલુકા પંચાયતની પેટાચૂંટણી પણ આજે યોજાય રહી છે.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાનનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા માટે ૨૪૪૧ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. અંબાજીના હટડા ગામમાં ભાજપ અને કોંગ્રેસના સતાવાર ઉમેદવારોના ચૂંટણી ચિહનોમાં ઈવીએમ મશીનમાં ફેરફાર થઈ જતા મતદાન શરૂ થતા જ ભારે હોબાળો સર્જાતા મતદાન તાત્કાલિક અસરથી અટકાવી દેવાની ફરજ પડી હતી.

આજે સાંજે ૫:૦૦ કલાકે મતદાન પૂર્ણ થયા બાદ ૨૩મી અર્થાત શુક્રવાર સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે. શુક્રવાર બપોર સુધીમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લાપંચાયત તથા ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીના પરીણામો આવી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે રાજયની ૭૪ નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું અને સોમવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમવાર મોટી કહી શકાય તેવી આ ચૂંટણીમાં સતાધારી પક્ષ ભાજપનો હાથ ઉપર રહ્યો છે. ૭૪ નગરપાલિકાઓમાંથી ૪૩ નગરપાલિકાઓ પર ભાજપની જીત થઈ હતી. જયારે ૨૭ નગરપાલિકાઓમાં કોંગ્રેસ વિજેતા બન્યું હતું. બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયત કબજે કરવા માટે ભાજપ તથા કોંગ્રેસે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. મતદારો કોના પર રીઝે છે તે વાત પરથી આગામી શુક્રવારે પડદો ઉંચકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.