Abtak Media Google News

રાજકોટના ઉપલેટામાં રહેતા અજીબેન સીદાભાઇ ચંદ્રવાડિયાની ઉંમર 126 વર્ષ છે. તેઓ દેશ અને દુનિયાની સૌથી વયોવૃધ્ધ મતદાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ અન્ય લોકો માટે પ્રેરણા મળે તેવું કામ કરી મતદાન કર્યું છે. અજીબેનને બૂથ સુધી લઇ જવા માટે ક્લેક્ટર તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અજીબેનના ચૂંટણી કાર્ડમાં 1-1-2007ના રોજ તેમની ઉંમર 116 વર્ષ દર્શાવાઇ છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ ઉપલેટા બૂથ લેવલ અધિકારીને અજીબેનના ઘરે મોકલી તેમની ઉંમરની ખરાઇ કરાવી હતી.

126 વર્ષની ઉંમર ધરાવતા અજીમા હજુ પણ ખડેધડે છે. તેમણે ક્યારેય દવાખાનું જોયું નથી. પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ મળી ચોથી પેઢીએ 65 અલગ અલગ સભ્યોનો એક વિશાળ પરિવાર ધરાવતા અજીમાને તેમના જન્મ વિશે પૂછતા ફટ કરતા કહ્યું હતું કે, છપ્પનીયા દુષ્કાળ વખતે હું 8-12 વર્ષની હતી. વિક્રમ સંવંત 1956થી અત્યારના 2074 સુધીની ગણતરી કરતા અજીમા સહેજે સવાસો વર્ષનું આયખું વટાવી ચૂક્યા છે. પોતાના બાળપણના જ 56નો દુષ્કાળની પીડા વેઠી ચૂકેલા અજીમાને એ કારમાં દિવસો હજુ પણ યાદ છે. આજે તેમની મોટાભાગની સ્મૃતિઓ વિલોપ થઇ ચૂકી છે. પરંતુ દુષ્કાળના દિવસો અંગે પેટભરીને વાતો કરે છે એ દિવસોમાં પાણીની વ્યવસ્થા, ભોજન અને કામની બાબતો અંગે પણ બખૂબી જણાવે છે.

ઉપલેટામાં રહેતા અજીમાને મતદાન વિશે કહેવામાં આવ્યું ત્યારે જવાબ આપતા કહ્યું હતું કે, બાપલિયા મતદાન તો કરવું જ પડેને. રાજાશાહી અને લોકશાહી બન્ને શાસન વ્યવસ્થા જેમના જીવનનું ભાથું છે એવા અજીમા આજે પણ પરિવારમાં ઘરનું કામ કરે છે. સવાસો વર્ષની આયું હોવા છતાં તચમારી સાથે ફટાફટ વાતો કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.