Abtak Media Google News

જૂનાગઢ ભાજપના સંગઠન પ્રભારી ગોરધનભાઈ ઝડફિયાના હસ્તે કોરોના મહામારીના લોક ડાઉન સમય દરમિયાન ભાજપ પક્ષ તથા તેમના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલા સેવા પ્રવૃત્તિના  ફોટા સાથેની “સેવા એ જ સંગઠન” નામની પુસ્તિકાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પ્રસિદ્ધ થયેલ ફોટાથી એક વિવાદ જાગ્યો છે. પુસ્તકમાં પ્રસિધ્ધ કરવામાં આવેલા ફોટામાં ભેસાણ મંડળ દ્વારા લોક ડાઉન દરમિયાન કરવામાં આવેલ સેવાના ફોટો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જે ફોટા એ મોટો વિવાદ જગાવતા ભેસાણ ભાજપના અગ્રણી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસ દ્વારા આ ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. ભેસાણમાં લોક ડાઉન દરમિયાન જાતિ, જ્ઞાતિ કે પક્ષ ભૂલી સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો, અને આ સેવાયજ્ઞમાં કોંગ્રેસના આગેવાને મુલાકાત લીધી હોય તેવા ફોટા પડાવી માત્ર વાયરલ કરી વિવાદ ખડો કર્યો છે. જ્યારે સામાપક્ષે જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અને ભેસાણના કોંગી અગ્રણી નિતીન રાણપરીયા એ જણાવ્યું હતું કે, લોક ડાઉનના સમયમાં પોતાના સ્વખર્ચે ૧૭૦૦ જેટલી કીટ બનાવી, તાલુકા ભરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિતરણ કરવામાં આવી હતી, આ ઉપરાંત ૧૫ હજાર જેટલા માસ્કનું વિતરણ કરાયું હતું તેમજ દરરોજ ૫૦૦થી ૧૦૦૦ માણસો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને ભેસાણમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય વિભાગના કર્મીઓ, પોલીસ તંત્ર અને તંત્રના કર્મીઓ સહિત જરૂરીયાતમંદ લોકો સુધી આ ભોજન પહોંચાડવામાં આવતું હતું, જે માટે લગભગ ૧૯ લાખ રૂપિયા જેટલો ખર્ચો તેમણે પોતે ઉપાડ્યો હતો, આ સેવાયજ્ઞમાં એક પણ રૂપિયો તેઓ કોંગ્રેસના અગ્રણી હોવા છતાં કોંગ્રેસ પક્ષ, આગેવાન કે કોઈ વ્યક્તિ અથવા દાતા પાસેથી લીધો નથી, ત્યારે જે ફોટો પ્રસિદ્ધ થયો છે તે સેવાયજ્ઞ પોતાના ખર્ચે શરૂ કરવામાં આવ્યો હતો, ખરેખર ભાજપ દ્વારા શરૂ કરાયેલ આ સેવાયજ્ઞ ન હતો એટલે હું ત્યાં ફોટો પડાવા ગયેલ હોવાની જે વાતો કરે છે, તે પાયા વિહોણી છે, આખો ભેસાણ પંથક જાણે છે, અને મારી આ કામગીરીને ભેસાણના મામલતદારે પણ બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.