Abtak Media Google News

શિયાળુ સત્રમાં ઈંધણના ભાવ વધારા મામલે વિરોધ પક્ષ હોબાળો મચાવે તે પહેલા સરકારે પાણી પહેલાની પાળ બાંધી: મિથેનોલ એન્જિન ધરાવતી ૨૫ વોલ્વો બસો દોડાવશે

સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા માટે પ્રયત્નશીલ છે. આગામી શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા સરકાર પેટ્રોલમાં ૧૫ ટકા મિથેનોલ ભેળવવાની છૂટ આપે તેવી શકયતા છે. પેટ્રોલમાં ૧૫ ટકા મિથેનોલ ભેળવવાથી કિંમતમાં રૂ.૨૨ સુધીનો ઘટાડો થઈ શકે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. શિયાળુ સત્રમાં વિરોધ પક્ષ પેટ્રોલના ભાવ વધારા મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે તે સમજીને સરકારે આગોતરી કવાયત હાથ ધરી છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલમાં મિથેનોલ ૧૫ ટકા મેળવી શકાય તે માટે ટૂંક સમયમાં પોલીસી ઘડશે. મિથેનોલના મિશ્રણથી પેટ્રોલનો ભાવ ઘટશે. ઉપરાંત પ્રદુષણમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે. આ પોલીસી આગામી શિયાળુ સત્રમાં મુકાશે. મિથેનોલ પેટ્રોલ કરતા ખૂબ જ સસ્તુ પડે છે. માટે તેને પેટ્રોલમાં ભેળવવાની તૈયારી સરકારની છે. અગાઉ પણ આ ક્ષેત્રે સરકાર કેટલીક પોલીસી ઘડી શકી છે.

મિથેનોલનું ઉત્પાદન ફર્ટીલાઈઝર કંપનીઓમાં થઈ શકતું હોય આ પગલુ વેપાર-ઉદ્યોગ જગત માટે પણ ફાયદાકારક રહેશે. મંત્રી નિતીન ગડકરીની આ જાહેરાત શિયાળુ સત્રને ધ્યાને રાખી કરવામાં આવી છે. શિયાળુ સત્રમાં વિરોધ પક્ષો ઈંધણમાં વધારા મામલે સરકારને ઘેરવા તૈયાર છે. બીજી તરફ સરકારનું આ પગલુ શેરબજારને પણ અનેક પ્રકારે અસરકર્તા છે.

આગામી અઠવાડિયુ શેરબજાર કયાં તરફ રૂખ લેશે તે સંસદના શિયાળુ સત્ર, ક્રૂડના ભાવ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણી ઉપર આધારિત છે. આ ઉપરાંત અમેરિકન ડોલરની અસર પણ ભારતીય માર્કેટ ઉપર જોવા મળશે. આગામી અઠવાડિયે નિફટી ૧૦,૧૦૦ થી ૧૦,૪૦૦ પોઈન્ટ વચ્ચે રહે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝના સેલ્સ ડેટા અને બેલેન્સ જાહેર થવાના છે જેની અસર પણ માર્કેટ ઉપર રહેશે.

માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ ઉપરાંત કહ્યું હતું કે, સ્વીડનની ઓટો મોબાઈલ કંપની વોલ્વો ખાસ વાહનો બનાવશે. જેમાં સ્થાનિક કક્ષાએ ઉત્પાદિત થતું મિથેનોલ વાપરી શકાશે. પ્રારંભીક ધોરણે વોલ્વો ૨૫ બસો મિથેનોલ મિશ્રીત ઈંધણથી દોડી શકે તેવી બનાવશે.

તેમણે ઉમેર્યું હતું કે, પેટ્રોલીયમ મીનીસ્ટ્રી પેટ્રોલ રિફાઈનરીમાં ૭૦ હજાર કરોડ રોકવાની જગ્યાએ ઈથેનોલમાં રૂ.૧.૫૦ લાખ કરોડનું તમામ રોકાણ કરવાનું વિચારી રહી છે. દર વર્ષે કારના વેંચાણમાં ૨૨ ટકા સુધીનો ધરખમ વધારો થતો હોય. ઈંધણના ભાવ કાબુમાં રાખવા જરૂરી બની જાય છે. માર્ગ નિર્માણના કામ અંગે તેમણે ઉમેર્યું હતું કે, હાલ સરકાર રોજના ૨૮ કિ.મી. માર્ગોનું નિર્માણ કરી રહી છે જે ભવિષ્યમાં ૪૦ કિ.મી. સુધી લઈ જવાની તૈયારી સરકારની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.