Abtak Media Google News

રાજકોટ જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ: ચોપાનીયા કે ભીતચીત્રમાં મુદ્રણ અને પ્રકાશકનાં નામ-સરનામા છપાવવાનો હુકમ

રાજકોટ મહાનગર પાલિકાની ચુંટણી માટે મતદાન તા.૨૧-૨-૨૧ના રોજ તથા તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તા.૨૮-૨-૨૧ના રોજ યોજાશે. આચારસંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્કતને થતી હાનિ, બગાડ અટકાવવા માટે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને કોઇ પણ વ્યક્તિ, સંસ્થા, ચુંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને અથવા તેમના દ્વારા નિયુકત કરેલ વ્યક્તિ, સંસ્થા કે પેઢી વગેરેને સબંધિત જાહેર મિલ્કત અને ખાનગી માલિકીનો લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચુંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સુત્રો લખીને નિશાનો ચીતરીને દિવાલો ન બગાડવા, તેમજ રાજકીય પક્ષ અથવા ઉમેદવારો પોતાના કાર્યકરનો ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોટાડવા, સુત્રો લખવા અથવા અન્ય કોઇપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પુર્વ પરવાનગી લીધા વિના કોઇપણ વ્યક્તિની જમીન/ મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ રસ્તા વગેરેનો ઉપયોગ ન કરવા કે બગાડવા નહીં તેવો હુકમ ફરમાવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી માટે તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાવાનુ હોય ચૂંટણીના પ્રચાર માટે ચોપાનિયા,ભીતપત્રો, હેન્ડ બિલ ઉમેદવારો, રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ કામ કરાવી પ્રસિદ્ધ કરવામાં આવે છે, લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચરિત્ર ખંડન જેવી કોઈ ગેરકાનૂની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સંબંધિત વ્યક્તિ સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલાં લેવા જરૂરી જણાતા હોય રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહન દ્વારા પોસ્ટર પેમ્ફ્લેટ છાપકામ,  ભીતપત્રો બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે  જે મુજબ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકાશે નહીં. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીતપત્રો છાપી શકાશે નહીં એ છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં.

આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં તમામ હથિયાર ધારકોએ પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેરશનમાં જાહેરનામું પ્રસિધ્ધ થયાના દિન -ચારમાં જમા કરાવી દેવા માટે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહનએ હુકમો જારી કર્યા છે. હથિયાર જમા લીધાની જાણ પોલીસ સ્ટેજશનોએ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને જાણ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા પુરી થયે પરવાનેદારોએ તેમના હથિયારો તા.૦૫/૦૩/૨૦૨૧ પછી પરત મેળવી લેવાના રહેશે. આ હુકમ સમય દરમિયાન રાજકોટ ગ્રામ્ય જિલ્લાની મુલાકાતે આવનારા લોકોને પણ આ હુકમ લાગુ પડશે. શહેરના તમામ હથિયાર ખરીદ વેચાણ કરતાં પરવાનેદારોએ ચુંટણી સમય દરમિયાન હથિયાર ખરીદ વેચાણ કરનારને હથિયારોની સોંપણી નહિ કરવા પણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયુ છે. તા.૦૫/૦૩/૨૦૨૧ સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મિક કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.