Abtak Media Google News

એરપોર્ટ ઉપર જ મુસાફરોની મેડિકલ ચકાસણી કરાશે તમામ મુસાફરોને ખાનગી ઘરોમાં નહીં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજીયાત કવોરન્ટાઇન કરાશે

વૈશ્વિક મહામારીનું રૂપ લઇ ચુકેલા કોરોનાના સંક્રમણથી ભારતની ૧૩૦ કરોડની જનતાને આબાદ બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની કામગીરીને વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ એ પણ દખાણી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના સામેની આ લડાઇમાં કયાંય પણ ચુક ન રહે તેની ખાસ તકેદારી રૂપાણી સરકાર દ્વારા રાખવામાં આવે છે. ગુજરાત સરકારે ગુરૂવારે સાંજે ગુજરાતમાં વિશ્વના દેશોમાંથી પરત આવતા પ્રત્યેક વ્યકિતઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીવ પ્રોસેડયુસ (એસ.ઓ.પી.) એટલે કે આદર્શ આચાર સંહિતા જાહેર કરવામાં આવી છે જેમાં વિદેશમાંથી ગુજરાત આવતા તમામને ૧૪ દિવસ સુધી ફરજીયાત કવોરન્ટાઇન માં વિતાવવાના રહેશે. તમામ શરતો પર જાહેર વહીવટી વિભાગના એનઆરજી દ્વારા દેખરેખ રાખવામાં આવશે. તમામ આવનારાઓની તપાસ અને કવોરન્ટાઇનની જવાબદારીના અમલનો હવાલો અમદાવાદના જીલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે.

Advertisement

જે રાજયના વિવિધ જીલ્લાઓના નોડલ અધિકારી કે જેમને રાજય સરકારે નિયુકત કર્યા છે તેમની સાથે સંકલનમાં રહેવાનું રહેશે.વિદેશથી આવતા મુસાફરોને પ્રથમ મેડિકલ ટીમ તપાસશે જો તેમને કોઇ લક્ષણ દેખાશે તો તાત્કાલીક સરકાર દ્વારા ચલાવવામાં આવતા કોવિડ કેર સેન્ટર અથવા તો અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવશે. જો લક્ષણો ન દેખાય તો પણ સામુહિક કવોરન્ટાઇન કેન્દ્રમાં મોકલી દેવાશે. કવોરન્ટાઇનના મુખ્ય  બે પ્રકારોમાં રૂપિયા ચુકવીને રહેવાનું હોય છે અને બીજામાં વિના મૂલ્યે રાખવામાં આવે છે. આ વિકલ્પની પસંદગી વિમાન મથકે પહોચનારા મુસાફરોએ પોતાની મરજી મુજબ લેવાની હોય છે.

રાજય સરકાર તમામ માર્ગદર્શન અને નિતિનિયમોના પાલન માટે ઘણી ગંભીર અને ચુસ્તપણે અમલ કરવા કટિબઘ્ધ છે કોઇપણ મુસાફરોને કવોરન્ટાઇન સમયગાળામાં ખાનગી કવોરન્ટાઇનની સુવિધા આપવામાં નહ આવે સામુહિક કવોરન્ટાઇન  રહેવાવાળાઓની જરૂરી ભોજન સુવિધા અને વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

વંદે ભારત મિશન: પ્રથમ તબકકામાં ૬૪ ફલાઈટો દ્વારા વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનો પ્રારંભ

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમ્યાન દેશ વિદેશમાં થતા પરિવહનોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વિશ્ર્વભરમાં અનેક દેશોમાં પ્રવાસે અભ્યાસ નોકરી ધંધા વ્યવસાય સહિતના કારણોથી ત્યાં ગયેલા હજારો ભારતીયો ફસાઈ જવા પામ્યા હતા. લોકડાઉન ૩માં પરિવહનમાં છૂટછાટ આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણંય કર્યો હતો. જેના ભાગરૂપે વિશ્ર્વભરનાં દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત આવવા લાવવા વંદે ભારત મિશન બનાવવામાં આવ્યું હતુ આ મિશનના ભાગરૂપે એરઈન્ડીયા એકસપ્રેસની વિશેષ ૬૪ ફલાઈટો ઉડાડીને ૧૪,૮૦૦ ભારતીયોને પરત લાવવાની યોજના બનાવાય હતી.

આ મિશનના ભાગરૂપે ગઈકાલ રાત્રે અબુધાબી અને દુબઈથી બે ફલાઈટો ભારત આવી હતી. અબુધાબીથી કોચીની ફલાઈટમાં ૧૭૭ મુસાફરો અને ચાર નવજાત શિશુઓ, જયારે દુબઈથી કોઝીકોડની ફલાઈટમાં ૧૭૭ મુસાફરો અને પાંચ નવજાત શિશુઓ ભારત પરત લાવવામાં આવ્યા હતા. આ મુસાફરોને ફલાઈટમાં પ્રવેશ આપતા પહેલા મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતુ જે બાદ તેમને માસ્ક, ગ્લોવઝ અને સેનેટાઈઝર આપવામાં આવ્યા હતા. જયારે ફલાઈટમાં અપાયેલા મિલ બોકસમાં બે ચીઝ સેન્ડવીચ, ફૂટકેક સ્લાઈસ અને પાણીની બોટલ આપવામાં આવી હતી. આ મિશન હેઠળ પ્રથમ સપ્તાહમાં એર ઈન્ડીયા, એકસપ્રેસની ૨૩ ફલાઈટો અબુધાબી, દુબઈ, બહેરીન, કુવૈત, શારજાહ, દોહા, મસ્કત, લુમપુર, સિંગાપોરથી કેરલ ઉપરાંત ચેન્નઈ લખનૌ, બેંગ્લુરૂ અને અમૃતસર આવશે.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને તબકકાવાર ખાસ ફલાઈટો ઉડાડીને દેશના વિવિધ સ્થાનો પર લાવવામાં આવશે જેમા તેમનું ફરીથી મેડીકલ ચેકઅપ કરીને ફરજીયાત કવોરન્ટાઈન કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.