Abtak Media Google News

સરકારે ગત વર્ષની ટેકાના ભાવની મગફળી વેચવાની જરૂર નહોતી

જામનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાઠોડનો આક્ષેપ: ઉતારો ૧૪ના બદલે ૧૨નો કરવા માંગ

સરકારે ગત વર્ષે ખરીદેલી ટેકાના ભાવની મગફળીના વેચાણથી ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઘટયા હોવાનું જણાવી ખેડુતોની ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ઉતારો ૧૪ના બદલે ૧૨નો કરવા જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે માંગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે સરકારની અણઘડ નીતિના કારણે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઘટતા ખેડુતો ટેકાના ભાવે મગફળી વેંચવા મજબૂર બન્યા છે. મગફળીનો ઉતારો ૧૪ના બદલે ૧ર નો કરવો જોઈએ તેવી

રજૂઆત જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડએ કરી છે. તેમણે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં રજૂઆત કરી છે કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે પ૦ ટકા જ મગફળીનું ઉત્પાદન થયું છે તથા વજનમાં મગફળી ફોરી થયેલ છે. આ બાબતે ખેડૂતોના હિતમાં સરકારે નિર્ણય લીધો હતો કે ભરતી ૩૦ ના બદલે રપ કિલોની કરવી. જે આવકારદાયક નિર્ણય છે, પરંતુ રપ કિલોની ભરતી સમયે ઉતારો ૧૪ નો આવી શકે નહીં તેથી તેનું સેમ્પલ ફેલ થાય. આથી સરકારનો નિર્ણય પણ છેતરામણો સાબિત થશે.

હાલ ખેડૂતોને ખુલ્લા બજારમાં ૬પ૦ થી ૯૩૦ સુધીનો ભાવ મળે છે. જે ખૂબ જ નિચા ભાવ છે. હકીકતે ટેકાના ભાવથી ખરીદેલ મગફળી હાલ વેંચાણ કરવાની જરૃર ન હતી. જ્યારે ઓપન બજારમાં ૧૦૦૦ થી ૧૧પ૦ નો ભાવ મળતો હતો, પરંતુ સરકારના ટેકાના ભાવથી મગફળી વેંચાણથી ખેડૂતોને સારા ભાવ મળતા નથી. રપ કિલો ભરતીવાળી મગફળી ખરીદવા સરકારે ૧૪ ના બદલે ૧ર નો ઉતારો માન્ય રાખવો જોઈએ અથવા ૧ર ના ઉતારાવાળી મગફળીના ૧૦પપના બદલે ૧૦૦૦માં કરવી જોઈએ.

જિલ્લામાં ૬૨૨ ખેડુતોની ૩૬,૯૬૦ ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી

જામનગરમાં ચાલી રહેલી ટેકાના ભાવથી મગફળી પ્રક્રિયામાં ગઈકાલે ૬રર ખેડૂતો પાસેથી ૩૬,૯૬૦ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ગઈકાલે હાપા માર્કેટ યાર્ડમાં ૧૦૯ ખેડૂતો પાસેથી ૭૧૧૦ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી હતી. તેવી જ રીતે ધ્રોળ યાર્ડમાં ૧૪૬ ખેડૂતો પાસેથી ૯૦૪૦ ગુણી, કાલાવડ યાર્ડમાં ૧૩૦ ખેડૂતો પાસેથી ૬૭પ૦ ગુણી, લાલપુર યાર્ડમાં ૧૭૭ ખેડૂતો પાસેથી ૬૮ર૦ ગુણી અને જામજોધપુર યાર્ડમાં ૧ર૦ ખેડૂતો પાસેથી ૭ર૪૦ ગુણી મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી, જ્યારે જોડિયા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂતોને બોલાવાયા ન હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.