Abtak Media Google News

અનામતનો મુદ્દો બાજુએ અને આંતરીક ખટરાગ ચરમસીમાએ: પાસના નેતાઓની ઓડીયો કલીપ વાયરલ

આનંદીબેનના સમયમાં ગુજરાતને ધ્રુજાવનાર પાટીદાર અનામત આંદોલન આડે પાટે ચડી ગયાના નિર્દેશ અનેક રીતે મળી રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલન ઉત્તરોત્તર નબળુ પડી રહ્યું છે. પાસ ક્ધવીનર હાર્દિક પટેલ જેલમાં છે ત્યારે પાસના નેતાઓ અંદરો-અંદર કેટલા મતભેદો ધરાવે છે અને આંદોલનને મજબૂત કરવાના બદલે ‚પિયાનો વહીવટ થઈ રહ્યો હોવાની ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. પાટીદાર સમાજને અનામત આપવા મુદ્દે શ‚ થયેલુ આંદોલન આંતરીક ખટરાગ અને અંગત મહત્વકાંક્ષામાં સપડાઈ ગયું હોય અને ટૂંક સમયમાં સમેટાઈ જાય તેવી છાપ પડી રહી છે.

અનામત આંદોલનના મુદ્દે સરકારની સામે પડેલો હાર્દિક અડકતરી રીતે કોંગ્રેસની નજીક પહોંચી ગયો છે. હાર્દિક પર ગંભીર ગુનાઓ નોંધાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના રાજકારણમાં હાર્દિક નવો નિશાળીયો સાબીત થઈ રહ્યો છે. હાર્દિકના જ નજીકનાઓએ તેને દગો દીધો છે. પાસના નેતાઓમાં ફાટફૂટ સમાજને નજરે ચડી છે. પરિણામે આંદોલન ધીમે ધીમે ઠંડુ પડી ગયું છે.

પાટણમાં પાટીદાર શહીદ દિન સંમેલન વખતે પાસના એક નેતાએ પાસના કાર્યકરો સામે જ મારામારી અને લૂંટની ફરિયાદ નોંધાવ્યા બાદ તેમાં હાર્દિક પટેલની પણ ધરપકડ કરાઇ હતી. તે પછી હાર્દિક આ મામલે ચિત્રમાં નહીં હોવાની પણ ફરિયાદી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ બધા મુદ્દાઓને લઇને જ પાસના ઉત્તર ગુજરાતના નેતાઓની લાંબી વાતચીતની ઓડિયો ક્લીપ વાઇરલ થઈ છે. જેમાં અનામત આંદોલનનો મુદ્દો બાજુએ રહી ગયો છે. ક્લીપમાં સૌથી ગંભીર વાત એ છે કે હાર્દિકની નજીકની વ્યક્તિ પર જ ગંભીર આક્ષેપ થઇ રહ્યા છે. એક અગ્રણી એવું પણ બોલતા સંભળાય છે કે સમાજનું આંદોલન કરવા નીકળ્યા છો કે ઉઘાડી લૂંટ ચલાવવા નીકળ્યા છો તે જ ખબર પડતી નથી. ૧૫ ડિસેમ્બર સુધી જેટલું થાય તેટલું કરી લો.

હાર્દિક જેલમાં છે ત્યારે તેની પર જે ફરિયાદ નોંધાવવામાં આવી, તેની સામે હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન અને ફરિયાદ પાછી ખેંચવા મુદ્દે કેવા ખટરાગો છે તે પણ ઉજાગર થયું છે. ઉત્તર ગુજરાતમાંથી પૈસા લઇ જવાય છે તેની સામે એક અગ્રણી રોષ વ્યક્ત કરતા પણ નજરે ચડે છે.

આ ઉપરથી સ્પષ્ટ થયા છે કે હાર્દિકને પાસમાં પડદા પાછળ શું થઇ રહ્યું છે તેની જાણ નથી અને તેની કોઇ પક્કડ રહી નથી અથવા અન્ય મજબૂરી છે. એકતરફ પાસના જ કેટલાક હોદ્દેદારો કોંગ્રેસમાંથી ટિકિટ લઇને ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે. બીજી તરફ પાટીદારોની ધાર્મિક-સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને પાસ-એસપીજીના હોદ્દેદારો સરકાર સાથે આગામી સમયમાં મીટીંગ કરવા જઇ રહ્યા છે. આ મીટીંગ સફળ થશે તો પાસના ટોચના હોદ્દેદારોનો આપોઆપ એકડો નીકળી જાય અને આંદોલન સમાપ્ત થઇ જાય તેવી સ્થિતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.