Abtak Media Google News

સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા: પરિણીતાને ત્રાસ અપાતો હોવાથી ઝેર ગટગટાવ્યું

લાલપુરના આરીખાણામાં રહેતા એક મેર પરિણીતાએ ગઈરાત્રે ઝેરી દવા પી લેતા તેણીને જામનગર ખસેડવામાં આવ્યા છે. વિદેશ રહેતા પતિ ત્રણ દિવસ પહેલા જ પરત આવ્યા છે ત્યારે પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે.

લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં રહેતા પુતીબેન રાજુભાઈ ઓડેદરા નામના એકત્રીસ વર્ષના મેર મહિલાએ ગઈરાત્રે અઢીએક વાગ્યે પોતાના ઘરે કોઈ કારણથી જંતુનાશક દવાની શીશી મોઢે માંડી લેતા બેશુદ્ધ બની ઢળી પડેલા પુતીબેનને પતિ રાજુભાઈ હરભમભાઈ ઓડેદરાએ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયા છે.

આ મહિલાને આજે સવારે હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબોએ તેઓની સારવાર શરૃ કરી પોલીસને જાણ કરતા જી.જી. હોસ્પિટલ પોલીસચોકીના ઈન્ચાર્જ મગનભાઈ ચનિયારા દોડી ગયા હતા. તેઓએ સાથે આવેલા પુતીબેનના પિતા તથા ભાઈના નિવેદન નોંધ્યા છે. જ્યારે પુતીબેનને ડો. મહેતાના વોર્ડમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.પોલીસ સમક્ષના નિવેદનમાં ખૂલ્યા મુજબ છેલ્લા અગિયાર વર્ષથી દુબઈમાં વસવાટ કરતા રાજુભાઈ હરભમભાઈ સાથે વર્ષ ૨૦૧૨ના ફેબ્રુઆરી મહિનામાં પુતીબેનના લગ્ન કરવામાં આવ્યા હતા.

એક મહિના માટે દુબઈથી આરીખાણા આવેલા રાજુભાઈ પરત દુબઈ ચાલ્યા ગયા છે, જ્યારે હાલમાં આ પરિણીતા જેઠ હરભમભાઈ રાણાભાઈ ઓડેદરા, સાસુ લીલુબેન, જેઠ કરશનભાઈ સહિતના વ્યક્તિઓ સાથે આરીખાણામાં રહે છે.તે દરમ્યાન ત્રણેક દિવસ પહેલા જ રાજુભાઈ દુબઈથી આંટો મારવા માટે આરીખાણા આવ્યા છે તેમાં ગઈકાલે રાત્રે પુતીબેને અકળ કારણસર ઝેરના પારખા કર્યા છે. આ મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ તેણીને ત્રાસ અપાતો હોવાથી તેણીએ આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે જેમાં દુબઈ રહેતા પતિ સંપૂર્ણ રીતે નિદોર્ષ હોવાની પણ કેફિયત આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.