Abtak Media Google News

‘કેએસપીસી દ્વારા વડીલ હોવાનો વૈભવ’ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો’

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલનાં સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.નાં સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે ધી એડવાઈસ એન્ડ આસીસ્ટ, અમદાવાદનાં ડાયરેકટર પરેશ ભટ્ટનો વડીલ હોવાનો વૈભવ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલનાં પ્રમુખ હસુભાઈ દવેનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમનાં પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીનાં ચેરમેન દિપકભાઈ સચદેએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો.

કાર્યક્રમનાં મુખ્ય વકતા પરેશ ભટ્ટે જણાવેલ હતું કે, વડીલ શબ્દ વડ ઉપરથી આવેલ છે જે પોતાનું અસ્તિત્વ ઓસરીને પોતે વિશાળ બને છે. વડીલ પાસેથી સાંનિઘ્ય અને સધિયારો પ્રાપ્ત થાય છે. વડીલનાં જીવનમાં નિવૃતિ જેવું કંઈ હોવું જ ન જોઈએ. પ્રવૃતિ એ જ નિવૃતિ હોવી જોઈએ. જીવન એ જીતવાની વસ્તુ નથી જીવવાની વસ્તુ છે. જીવનમાં બીનજરૂરી વ્યકિત સાથે હરીફાઈમાં ઉતરીએ ત્યારે હંમેશા નિરાશા જ પ્રાપ્ત થાય છે. સ્પર્ધાનાં ભાવથી નહીં પણ આનંદ મેળવવા માટે કાર્ય કરો. જો આપણે આપણો આત્મવૈભવ ભોગવવો હોય તો પોતાની જાતને મોટી નહીં પરંતુ મજબુત બનાવવી પડશે. વડીલોએ જીવનમાં કયારેય વધારાનો બોજો ન રાખવો જોઈએ. બીનજરૂરી ચિંતા, ભૂતકાળમાં કામ કર્યાનો અહમ બધુ છોડી દેવુ જોઈએ. બધુ કરી શકતો વ્યકિત જતુ નથી કરી શકતો. મન શાંત ન થાય ત્યાં સુધી અભિપ્રાય ન આપવો. જયાં સુધી પુછવામાં ન આવે ત્યાં સુધી પ્રતિભાવ આપવાની ઉતાવળ ન કરવી. તેનાથી વડીલોનું માન જળવાય રહેશે.

વકતા પરેશ ભટ્ટે વધુમાં જણાવેલ હતું કે પ્રતિભાવ આપતી વખતે નિષ્પક્ષ રહેવું. આપણે જયારે સંભળાવી દેવાના મુડમાં હોઈએ ત્યારે સાંભળી શકતા નથી. જો એ સમય સચવાઈ જાય તો ઘણા બધા ઝઘડાઓ અટકી શકે છે. ધાર્મીક બનવા કરતા આધ્યાત્મિક બનવું જોઈએ. વડીલોએ ઢળતી ઉંમરે પુસ્તકો સાથે પ્રેમ કરવો જોઈએ. વાંચનએ એ આપણો સાચો પ્રેમ છે. વડીલોએ અતિસ્પષ્ટ વકતા બનવાનો આગ્રહ ન રાખવો. પરિવર્તનની શરૂઆત પડકાર છે. જીવનમાં જે ભુલવા જેવું છે તે વહેલી તકે ભુલી જાવ. બદલાઈ ગયેલી પેઢી સાથે બદલાવવું જોઈએ. કાર્ય માણસને હંમેશા યુવાન રાખે છે. મારા વિના કંઈ ન થઈ શકે એવો ભ્રમ છોડી દો. જો અપેક્ષીત માન ન મળે તો સમજવું કે આપણી સાધના હજુ અધુરી છે. નાની નાની વસ્તુઓની ટીકા કરવાનું છોડી દેવું. હિંચકાની ઠેશ દેતા દેતા યુવાનીમાં જોવાયેલા વૃઘ્ધત્વનાં સપનાઓ જયારે પુરા થાય ત્યારે વડીલ હોવાનો વૈભવ શરૂ થાય.

કાર્યક્રમનાં અંતે આભાર દર્શન કાઉન્સીલનાં ઉપપ્રમુખ ડી.જી.પંચમીયાએ કરેલ હતું. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીનાં સભ્ય હિરાભાઈ માણેક તથા અન્ય સભ્યોમાં સીએ પ્રવિણભાઈ ધોળકિયા, એસ.કે.શાહ, હરિભાઈ પરમાર તથા બાન લેબ્સ, એચજે ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી., એકસપ્રેસ ઈલેકટ્રો એલીવેટર્સ કંપનીના અધિકારીઓ તેમજ શહેરનાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.