સમાનતાને રોમેરોમમાં સિદ્ધ કરનાર સંત – પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ

160

ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘જે પુરુષ મન ઇન્દ્રિયોને વશ કરે છે અને મન-બુદ્ધિથી પર એવા પરમાત્માની આત્યંતિક ઉપાસના કરે છે, એવા સંતજન જ સૌમાં સમાનભાવ રાખે છે અને સર્વે જીવ-પ્રાણીમાત્રનું હિત કરવામાં રત રહે છે.’ તુલસીદાસજી રામચરિતમાનસમાં શ્રીમુખના શબ્દો ટાંકે છે.

નિંદા સ્તુતિ ઉભય સમ, મમતા મમ પદકુંજ,
તે સજ્જન મમ પ્રાણપ્રિય, ગુણમંદિર સુખપુંજ. (ઉત્તરકાંડ).

અર્થાત્ ‘જેમને નિંદા અને સ્તુતિમાં સમતા છે, મારાં ચરણકમળમાં મમતા છે, તે સંતજન તો મને પ્રાણથીય પ્રિય છે, એવા સંત સર્વે સદ્ગણોના મંદિર સમાન અને સુખપુંજ સમાન છે.’

સમાનતા એ ભગવાનની એક વિશેષ ગુણસંપત્તિ છે. ગરીબ અને તવંગર, જય અને પરાજય, સુખ અને દુ:ખ, કચરો અને કંચન, એવાં અનેક સ્વંદ્વોમાં જેને સમતા રહે છે. તેને શ્રીમદ્ ભગવદ્ ગીતા યોગી અને ગુણાતીત કહે છે. પ્રમુખસ્વામી મહારાજે ભગવાનના આ સમત્વ યોગને પૂર્ણપણે રોમેરોમમાં સિદ્ધ કર્યો છે. ઊંચ કે નીચ એવી ભેદરેખા સિવાય સૌ તેમનો પ્રેમ પામે છે. રાજા કે રંક, સૌને સ્વામીશ્રીએ પોતાના વાત્સલ્યમાં ઝબકોળેલા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન સને ૨૦૦૦માં પ્રમુખ સ્વામી મહારાજને માયામીમાં મળ્યા ત્યારે પ્રથમ મુલાકાતે જ તેઓ અતિ પ્રભાવિત થયા હતા. અને તેઓ ભારત આવ્યા ત્યારે પોતાના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરીને, તા. પ-૪-૨૦૦૧ના રોજ ગાંધીનગર ખાતે અક્ષરધામમાં સ્વામીશ્રીનાં દર્શને ખાસ આવ્યા. તેઓની સાથે અમેરિકાના વિખ્યાત ભારતીયો અને અન્ય ૫૦ જેટલા મહાનુભાવો પણ હતા. શ્રી ક્લિન્ટન સ્વામીશ્રીને મળતાં ભાવસભર થઈ ગયા. સૌ સમક્ષ સ્વામીશ્રીના ગુણાનુવાદ ગાતાં તેઓ સમય અને સ્થળ પણ ભૂલી ગયા હતા.

સ્વામીશ્રીના દિવ્ય વ્યક્તિત્વને બિરદાવીને શ્રી ક્લિન્ટને ભાવસભર હૈયે વિદાય લીધી અને માત્ર ૧૫-૨૦ ફૂટ દૂર ઊભેલી કાર સુધી પહોંચ્યા, હજુ તો શ્રી ક્લિન્ટનની સાથે આવેલા અમેરિકાના ધુરંધર ભારતીયો પણ સ્વામીશ્રીને મળવા પ્રતીક્ષા કરી રહ્યા હતા, ત્યારે સ્વામીશ્રીની નજર કોઈકને શોધી રહી હતી. એ હતા કચ્છના ગામડાંમાંથી આવેલા કેટલાક સામાન્ય લોકો. અન્ય સૌ તો શ્રી ક્લિન્ટને ગાયેલા સ્વામીશ્રીના ગુણાનુવાદની હવામાં ઝૂમી રહ્યા હતા, પરંતુ સ્વામીશ્રી પર એની કોઈ અસર નહોતી. શ્રી ક્લિન્ટન હજુ વિદાય પણ નહોતા થયા ત્યારે સ્વામીશ્રી તો કચ્છમાંથી આવેલા ભૂકંપગ્રસ્ત સામાન્ય નાગરિકોને ઉમળકાભેર મળવામાં વ્યસ્ત થઈ ગયા હતા. બિલ ક્લિન્ટનને મળવામાં તેમના ચહેરા પર જે ભાવ હતો એ જ ભાવ અને ઉમળકો સોયલાના ગરીબ ભાવિક સીદીકભાઈ, સતીશભાઈ અને ખાવડાના જાદવજીભાઈ વગેરેને મળવામાં હતો. તેમના હાથ પોતાના હાથમાં લઈ સ્વામીશ્રી કહી રહ્યા હતા ‘તબિયત પાણી તો સારા છે ને તમે અહીં આવી ગયા તે બહુ સારું કર્યું. તમે ભગવાન પર શ્રદ્ધા રાખી છે તો ભગવાન તમારું કામ કરે છે.” એમ કહેતાં સ્વામીશ્રીએ તેમની સંભાવના કરી. તેમનો કચ્છ પાછા જવાનો કાર્યક્રમ પૂછ્યો, કચ્છમાં સેવાકાર્ય સંભાળતા જનકભાઈ દવેને બોલાવીને પૂછ્યું કે ‘સીદીકભાઈ અને આપ સૌ પાછા કેવી રીતે જશે તેમનું બસમાં જવાનું બુકિંગ કરાવ્યું છે કે નહિ ?’ પછી સ્વામીશ્રીએ કહ્યું ‘એમને બેઠાં બેઠાં નહિ મોકલતા. એમ જશે તો થાક બહુ લાગશે. સૂતાં સૂતા જાય એમ કરજો.’

એક ક્ષણે વિશ્વના માંધાતા, તો બીજી ક્ષણે સામાન્ય ગરીબો અને પીડિતો ! એ જ અમી નજર ! “આત્મવત્ સર્વભૂતેષુ મંત્રને ચરિતાર્થ કરનાર સ્વામીશ્રીને સૌ વંદી રહ્યા.

તા. ૬-૧૧-૨૦૦૫ના રોજ ભારતના ધુરંધરોની ઉપસ્થિતિમાં દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન થયા બાદ, તેના સર્જક, પ્રમુખસ્વામી મહારાજને અભિનંદન આપવા દેશ-વિદેશના અનેક મહાનુભાવો તેમની પાસે આવી રહ્યા હતા. તા. ૧૯-૧૧-૨૦૦૫ના રોજ પણ રાષ્ટ્રીય મહાનુભાવોની હારમાળા હતી. તેમાં રાષ્ટ્રપતિના અંગત સલાહકાર અને ભારતના પ્રખર વિજ્ઞાની ડૉ. વાય. એસ. રાજન પણ હતા. તેઓના ગયા પછી તરત એક ભાઈ સ્વામીશ્રી પાસે આવ્યા અને કહ્યું ‘મારું નામ હેમરાજ છે. અમે સગરામ વાઘરીના ગામના વાઘરી છીએ.’ તેમને મળતાં જ સ્વામીશ્રી પ્રસન્નતાથી બોલી ઊઠ્યા ‘ઓહો તો તો તમારા બધા વાઘરી ભાઈઓને અહીં લઈ આવજો.’ ‘અહીં તો ઘણા વાઘરીભાઈઓ છે. હું બધાને વાત કરવાનો જ છું.’ હેમરાજભાઈએ વાત કરી. પછી સ્વામીશ્રીએ ધીરે રહીને તેનો હાથ પકડીને પ્રેમથી પૂછ્યું ‘દારૂ-બારૂનું વ્યસન તો નથી ને?’ એમ કહેતાં સ્વામીશ્રીએ તેમની સાથે આત્મીયતા સાધીને ખૂબ આશીર્વાદ આપ્યા.

રાષ્ટ્રપતિના વૈજ્ઞાનિક સલાહકાર કે સામાન્ય વ્યક્તિ, સૌ કોઈ સ્વામીશ્રીના આ પ્રેમનો સ્પર્શ અનુભવે છે. ભાવિ સમત્વ એ બુદ્ધિનો ખેલ નથી. એ તો એક સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિ છે.

સાંકરીમાં એક સાંજે સ્વામીશ્રી ઉતારેથી મંદિરે જતા હતા ત્યાં દરવાજાને સમાંતર જતી બન્ને પાળી પર લઘરવઘર વેશે હળપતિઓ – દૂબળાઓ બેઠા હતા. તેમને જોઈ સ્વામીશ્રી ઊભા રહી ગયા પણ એ આદિવાસીઓને જાણે કંઈ જ પડી નહોતી. સ્વામીશ્રીએ તેમને ‘ મોટેથી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા. એટલે સૌએ તે તરફ જોયું. દષ્ટિ મળી કે સ્વામીશ્રીએ વાત શરૂ કરી : ‘તમારે બધાએ દરરોજ મંદિરમાં દર્શને આવી જવું. આ મંદિર ખાલી પટેલોનું નહીં પણ આપણું પણ છે. ઘડી – બે ઘડી મંદિરે આવો, ભજનમાં બેસો તો થાક ઊતરી જાય. ગામમાં બીજા લાભ લે ને તમે લોકો રહી જાઓ તો અમને ઓછું , લાગે, માટે તમને કહીએ છીએ. અને જે કોઈ વ્યસન હોય તે કાઢી નાંખવાં. આ ચોમાસું આવે છે. મકાન સારાં નહીં હોય તો પડી જશે. ચોમાસે ઘર ચૂએ, શિયાળે ઠંડી વાય અને ઉનાળે તાપ લાગે. વ્યસન કરો તો જાણીને દુઃખી થવાય અને અમે ગમે તેટલી મદદ કરીએ કે સરકાર કરે તોય આવી રીતે પૈસા ચાલ્યા જાય. એટલે ત્યાંના ત્યાં રહેવાય. ન છાપરું સારું થાય, ન છોકરો ભણી શકે, એના કરતાં તે વ્યસનમાંથી પૈસા બચ્યા હશે તો ઘર સારાં થશે, છોકરા સારાં કપડાં પહેરશે અને સારું ભણીને આગળ વધશે. એમ તમારા જ ઉપયોગમાં આવશે. અમે તમારી પાસેથી પૈસા માંગતા નથી. તમે તો મંદિરે આવો તે ને હાથ જોડો એ અમારે મન લાખો રૂપિયા છે…’

ભગવાનના આ સમત્વ યોગને પૂર્ણપણે રોમેરોમમાં સિદ્ધ કર્યો હતો એવા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તેમના ૯૮મા જન્મજયંતી મહોત્સવે કરોડો કરોડો નમન…

Loading...