પામ, ઈથેનોલ અને ચોખાએ રંગ રાખ્યો!!!

કોરોના પછી ભારતની આત્મનિર્ભરતા તરફની દોટ

ઈંધણમાં ઈથેનોલ ભેળવીને આયાત બીલ ઘટાડવા સહિતની કેન્દ્ર સરકારની દુરંદેશી

ખેતીની જમાવટના કારણે નોન બાસમતી ચોખાની નિકાસમાં ૬૮ ટકાનો ઉછાળો

આયાતી પામતેલની જગ્યાએ અરૂણાચલ પ્રદેશનું પામતેલ જરૂરિયાત પૂરી કરશે ?

કોરોના મહામારી બાદ દેશને આત્મનિર્ભર બનાવવા ઉપર જ સરકારનું ધ્યાન કેન્દ્રીત રહેશે. આર્થિક દ્રષ્ટિએ ભારત ફરી વિશ્ર્વગુરૂ બને તે માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે આત્મનિર્ભર બનવામાં ચાલુ વર્ષે પામતેલ, ઈથેનોલ અને ચોખાએ રંગ રાખ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે પામતેલમાં સરકારે મસમોટુ ભંડોળ બચાવ્યું છે. અધુરામાં પૂરું ઘર આંગણે એટલે કે, અરૂણાચલ પ્રદેશમાં પામનું ઉત્પાદન કરી અન્ય ઉપરની નિર્ભરતા ઘટાડી છે. આ ઉપરાંત પેટ્રોલ જેવા ઈંધણમાં વધુને વધુ ઈથેનોલ ભેળવવાનો પ્રયાસ પણ ચાલુ છે. ૨૦૨૨ સુધીમાં પેટ્રોલમાં ૧૦ ટકા ઈથેનોલ મિશ્રીત કરવાનો લક્ષ્યાંક સરકાર દ્વારા હાંસલ કરશે. બીજી તરફ કૃષિમાં પણ આ વર્ષે બખ્ખા થયા છે ત્યારે નોન બાસમતી ચોખાની નિકાસમાં ૬૮ ટકાનો ઉછાળો જોવા મળે તેવી શકયતાઓ છે.

મહામારીના કારણે ભારત સહિત સમગ્ર વિશ્ર્વના અર્થતંત્ર પર ગંભીર અસરો પડેલી જોવા મળે છે. ઉત્પાદન ઉપર બ્રેક લાગી ગઈ છે. આવા સંજોગોમાં ચીનની અવેજી તરીકે ભારત વિકસી રહ્યું છે. વર્તમાન સમયની ચીન સાથેની હરિફાઈ અત્યાર સુધીની સૌથી કટ્ટર હરીફાઈ બની જવા પામી છે. ચીનમાંથી ભારતમાં વિદેશી કંપનીઓ પ્રવેશે તે માટેના પ્રયાસો થાય છે ત્યારે સ્થાનિક કક્ષાએ પામતેલ, ઈથેનોલ અને ચોખામાં આવેલો વિકાસ આગામી સમયમાં આત્મનિર્ભરતા તરફની દોટ વધુ તેજ બનાવશે તેવુ માનવામાં આવે છે.

દેશની તિજોરી ઉપર પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણની આયાતનું ભારણ સતત વધી રહ્યું હતું. આ ભારણ ઘટાડવા માટે સરકારે ઈથેનોલને પેટ્રોલમાં ભેળવવાનો નિર્ણય લીધો હતો. પ્રારંભીક તબક્કે ધીમીગતિએ ઈથેનોલ પેટ્રોલમાં ભેળવ્યા બાદ અત્યારે ૫.૧ ટકા ઈથેનોલને પેટ્રોલમાં ભેળવાઈ છે જે આવતા વર્ષે વધારી ૮ ટકા જેટલું કરાશે. સરકારનું મુળ લક્ષ્યાંક ૨૦૨૨માં પેટ્રોલમાં ૧૦ ટકા ઈથેનોલનો ઉપયોગ થાય તેવો છે જેનાથી દેશની તિજોરી ઉપરનું ભારણ દૂર થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

બીજી તરફ અરૂણાચલ પ્રદેશમાં પામનું ઉત્પાદન વધતું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષથી ઈન્ડોનેશીયા-મલેશીયા સાથે આર્થિક સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. મલેશીયાથી પામતેલની આયાતને રોકવામાં આવી હતી. બીજી તરફ આયાતના સ્થાને ઘર આંગણે જ પામતેલનું ઉત્પાદન થાય તેવા પ્રયાસો થયા હતા. જે દરમિયાન અરૂણાચલ પ્રદેશમાં પામતેલનું ઉત્પાદન વધ્યું છે. ઉપરાંત સરકારે રૂચીસોયા સહિતની ૩ કંપનીઓ સાથે બાયબેક ધોરણે કરાર પણ કર્યા હોવાનું જાણવા મળે છે. જેનાથી આયાતી પામતેલની જગ્યાએ અરૂણાચલ પ્રદેશનું પામતેલ દેશની જરૂરીયાત પૂરી કરશે તેવી શકયતા છે. ખેડૂતોને પણ આ કરારના કારણે ફાયદો થશે.

આ ઉપરાંત બાસમતી સીવાયના ચોખાની નિકાસ પણ ટનાટન રહી છે જેથી દેશને રૂપિયા ૮૯૦૩ કરોડની આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. થાઈલેન્ડમાં ચોખાના ઉત્પાદનમાં ગાબડુ પડતા ભારતીય ચોખાની માંગ વિશ્ર્વમાં વધવા પામી હોવાનું જાણવા મળે છે. ૨૦૨૦માં આયાત-નિકાસમાં થયેલું અસંતુલન કૃષિ ઉત્પાદનોની નિકાસના કારણે હળવું થશે.

મલેશિયા સહિતના દેશો પર આધાર રાખવાની જગ્યાએ અરૂણાચલ પ્રદેશ પામતેલમાં નિર્ભરતા આપશે

અત્યાર સુધી મલેશીયા-ઈન્ડોનેશીયા સહિતના દેશોમાંથી પામતેલની આવક થતી હતી. દર વર્ષે કરોડો રૂપિયાનું બીલ બનતું હતું. દરમિયાન મલેશીયાએ ભારતના આંતરિક મુદ્દે ચંચુપાત કરતા ભારત રોષે ભરાયું હતું અને મલેશીયાના પામતેલ ઉપર લગામ કસવામાં આવી હતી. બીજી તરફ ઘરઆંગણે જ પામતેલનું ઉત્પાદન વધે તે માટેની જરૂરીયાત ઉભી થઈ હતી. જેથી અત્યારે અરૂણાચલ પ્રદેશમાં પામનું ઉત્પાદન વધ્યું છે ત્યારે રૂચીસોયા, ૩-એફ અને સીવાસાય સહિતની ૩ કંપનીઓના એમઓયુ થયા છે. ખેડૂતોને ફાયદો થાય તે માટે ખાસ યોજના રાજ્ય સરકારે ઘડી કાઢી છે જેના અનુસંધાને બાયબેક પદ્ધતિથી પામનો પાક ખરીદવામાં આવશે.

નોન બાસમતી ચોખાની નિકાસથી રૂ.૮૯૦૩ કરોડની આવક

ભારત ૧૭૦ દેશમાં નોન બાસમતી ચોખાની નિકાસ કરે છે. સપ્ટેમ્બરથી ઓકટોબર મહિનાના સમયગાળામાં નોન બાસમતી ચોખાની માંગ વધતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે થાઈલેન્ડમાં ચોખાનું ઉત્પાદન ઓછુ થતાં ભારતે ૬૮ ટકા વધુ નોન બાસમતી ચોખાની નિકાસ કરી હતી. સામાન્ય રીતે તો ભારત બાસમતી ચોખાની નિકાસ કરવામાં અગ્રતાનું સ્થાન ધરાવે છે પરંતુ ઘણા સમય નોન બાસમતી ચોખાની નિકાસ પણ વધી હતી. ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ ૩૦ લાખ ટન નોન બાસમતી ચોખા વિદેશ મોકલાયા હતા. ગત વર્ષે આ પ્રમાણ માત્ર ૧૭ લાખ ટનનું જ હતું.

ગત વર્ષે આ સમયગાળામાં રૂા.૪૮૧૬ કરોડની આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે રૂા.૮૯૦૩ કરોડની થવા પામી છે. ચીન અને થાઈલેન્ડમાં ઉત્પાદન ઘટ્યું છે. જેથી ભારતના ખેડૂતોને ફાયદો થયો છે. થાઈલેન્ડના ચોખા એક ટન દીઠ ૧૦૦ ડોલરમાં વેંચાય છે જ્યારે ભારતીય ચોખાની કિંમત થાઈલેન્ડના ચોખા કરતા ઘણી ઓછી છે.

ઈંધણમાં આત્મનિર્ભર બનવા સરકારની ઈથેનોલ તરફની મીટ

ડિસેમ્બર મહિના સુધીમાં ૩૬૦ કરોડ લીટર ઈથેનોલનું ઉત્પાદન થશે જે ચાલુ વર્ષની સરેરાશ કરતા બે ગણું છે. સરકાર પેટ્રોલમાં વર્ષાંતે ૮ ટકા ઈથેનોલ ભેળવવા માંગે છે. ઈથેનોલને પેટ્રોલમાં ભેળવવાથી આયાતી બીલનું ભારણ તો ઘટશે જ તેની સાથો સાથ ખેડૂતોને શેરડીના ભાવ પોષણક્ષમ મળશે. સરકાર એક કાંકરે બે પક્ષી મારશે. ઈથેનોલનું પ્રોડકશન વધારવા માટે પ્રયાસો થાય છે. ૨૦૨૨ સુધીમાં પેટ્રોલમાં ૧૦ ટકા ઈથેનોલ ભેળવવાની યોજના છે. વર્તમાન સમયે ઓઈલ કંપની ૧ લીટર ઈથેનોલ પાછળ રૂા.૫૯ સુધી ચૂકવે છે. ચાલુ વર્ષે સુગરનું ઉત્પાદન પણ ૩૦૦ લાખ ટન જેટલું થયું છે જે ગત વર્ષની જે ગત વર્ષની ૨૬૦ લાખ ટનની સરખામણીએ ઘણું વધુ છે.

Loading...