Abtak Media Google News

સ્વાતંત્રસેનાની ગુર્જર નારીનું ગૌરવ એવા વિદ્યાબેને ભક્તિનગર, ઉદ્યોગનગર અને પી.ટી.સી.,પ્રોટોટાઇપ ડેવલોપમેન્ટ ટ્રેનીંગ સેન્ટરની રાજકોટને ભેટ આપી

લાયન્સ કબલના આંતરરાષ્ટ્રીય પૂર્વ પ્રમુખ લાયન અશોકભાઇ મહેતાના મોટાબેન પદ્મશ્રી વિદ્યાબેન શાહનું ૯૮ વર્ષની જૈફ વયે ટુંકી માંદગી બાદ દિલ્હી ખાતે તા.૧૯ના રોજ અવસાન થયુ છે.

સ્વતંત્ર સેનાની ગુર્જર નારીનું ગૌરવ એવા વિદ્યાબેન જીવનના અંતકાળ સુધી રાજકોટ બાલ ભવનના ચેરમેન રહ્યા.

પદ્મશ્રી વિદ્યાબેન શાહના જીવનપર એક નજર કરીએ તો ચુસ્ત ગાંધીવાદી વિચારને વરેલા અને પૂજય મહાત્મા ગાંધીને આદર્શ માનતા પોતાનેં સ્કુલનું શિક્ષણ લીધું હતું.

રાજકોટની વનિતા વિશ્રામ કે જે ત્યારબાદ બાર્ટન ટ્રેનિંગ સ્કૂલમાં પરિવર્તિત થઇ તેમાં શિક્ષણ લીધું હતું. રાજકોટમાં તે વખતે વધુ અભ્યાસ માટે સવલતોના અભાવે કોલેજનું શિક્ષણ લેવા માટે તેઓ ભાવનગરની શામળદાસ કોલેજ માંથી ગ્રેજયુએશન કરેલ જે વખતે મહીલાઓને શિક્ષણ આપવામાં લોકો વિચાર કરતા હતા. ત્યારે વિદ્યાબેનએ ડબલ ગ્રેજયુએશનની ડીગ્રી હાંસસ કરી. ૧૯૪૦મા વિદ્યાર્થીકાળ દરમ્યાન અલગ-અલગ ચળવળ માં ભાગ લીધો અને ત્યારબાદ પૂજય મહાત્મા ગાંધી સાથે હિંદ-છોડો આંદોલનમાં ખૂબ સક્રિય ભાગ લીધો હતો. હિંદ-છોડો આંદોલન વખતે તેઓને અનેક વાર અંગ્રેજ સરકારે જેલમાં મોકલેલ.

‘કરેંગે યા મરેંગે’ અને ‘ચલે જાઓ’ના શબ્દો જન માનસ ઉપર થઇ ગયા હતા. આવા નવયુવાનોમાં આપણા અનેક ગુજરાતીઓ મોખરે હતા એ સમયે મંગળાબેન પરીખ, ઉષાબેન મહેતા, મણીબેન પટેલ, જેવી અનેક ગુર્જર નારીઓ બુલંદ અવાજથી રસ્તાઓ ગાજી ઉઠયા હતા આ મહિલાઓમાં અન્ય એક પ્રમુખ નામ એટલે વિદ્યાબેન મનુભાઇ શાહ, ગાંધીજીએ જયારે ૧૯૪૨માં સ્વતંત્રતાની લડતને આખરી ઓપ આપવા ઓગસ્ટ ક્રાંતિ મેદાન પરથી અંગ્રેજી ભારત છોડો નો નારો ઉચ્ચાર્યો ત્યારે રાજકોટની શાળામાં ભણતી પિતા વ્રજલાલ મેહતા અને માતા ચંપાબેનની પંદર-સોળ વર્ષની આ કિશોરીએ રાજકોટમાં ચળવળ શરૂ ‚કરી રસ્તાઓ ઉપર રેલી કાઢી બાળકોને દેશપ્રેમની વાર્તાઓ અને ગાંધીજીની ગાથા સંભળાવી ભારતની આઝાદી માટે પ્રથમ પગરણ માંડ્યા. તેમના લગ્ન ભારતના પૂર્વ વ્યાપાર પ્રધાન અને જામનગરના પૂર્વ સાંસદ મનુભાઇ શાહ સાથે થયા હતા.

વિદ્યાબેન અને મનુભાઇ બંને લગ્ન પછી સક્રિય રીતે જેલમાં ગયેલા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઇના વિશ્ર્વાસુ સાથી અને સરદાર વલ્લભભાઇ પટેલ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. મનુભાઇ શાહ વ્યાપાર પ્રધાન હતા. એશિયાની સૌ પ્રથમ ઔદ્યોગિક વસાહત એટલે ભક્તિનગર ઉદ્યોગનગર અને સૌ પ્રથમ પી.ટી.સી. પ્રોટોટાઇપ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર રાજકોટની ભેટ આપેલ. રાજકોટની એ.વી.પી.ટી.ની સ્થાપનામાં વિદ્યાબેન અને મનુભાઇએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ સાથે રાજકોટના ઉદ્યોગીકરણનો પાયો નાખી રાજકોટની અલગ ઓળખ ઊભી થઇ શકી છે.

પદ્મશ્રી વિદ્યાબેન શાહ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેરના બાર વર્ષ પ્રમુખ રહી ચુકયા છે. તેઓએ ભારતમાં સૌપ્રથમ બાલભવનની રાજકોટ ખાતે સ્થાપના કરી પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલની સાથે મળી સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરોમાં બાલભવનની સ્થાપના કરી અને જીવનના અંત સુધી રાજકોટ બાલભવનના તેઓ ચેરમેન રહ્યા.

તેઓએ આ જીવન મહિલા અને બાળ વિકાસના ઉત્પાનમાં મુખ્ય ભૂમિકા ભજવેલ છે. તેઓએ દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલય અને ત્રિવેણી કલા સંગમની સ્થાપના કરેલ અને તેઓ દિલ્હી ગુજરાતી સમાજના ચાર દાયકા સુધી પ્રમુખ રહ્યા છે. તેઓને ૧૯૯૨માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને ૧૯૮૬માં બાળ કલ્યાણ માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.