કોરોના કટોકટીમાં જ ઓક્સિજનની ઘટ: ભાવ બે ગણા વધી ગયા

મનુષ્યના હાથના કર્યા હૈયે વાગ્યા …!

પર્યાવરણનું નખોદ વાળવામાં પાછુ ન જોનાર મનુષ્યના કુદરત સાથેના ચેડાની ભારે કિંમત ચૂકવવી પડે તેવા એંધાણ, વૈજ્ઞાનિક બનીને ઓક્સિજન બનાવવા બેઠેલા માણસના કારસ્તાનથી કુદરત નારાજ હોય તેમ પ્રાણવાયુની જ ખેંચ ઉભી થઈ

પ્લાસ્ટીકથી પૃથ્વીને ઢાંકવાના ઉધામામાં પડી ગયેલા માણસના શબો જ પ્લાસ્ટીકની કોથળીમાં વિટાળવાની પરિસ્થિતિ ઉભી કરીને કુદરતે મનુષ્યની ઔકાત દેખાડી દીધી

દેવાયત પંડિતની અવલી વાણીમાં પૃથ્વીના પ્રલય અંગેની આગાહીમાં મનુષ્ય દ્વારા પ્રકૃતિ સાથે કરવામાં આવતા સ્વાર્થ ભર્યા ચેડા કેવા અનર્થ સર્જશે તેના દાયકાઓ પહેલા ભવિષ્ય ભાખ્યા હતા. પાવલે પાણી વેંચાશે… વગર તેલના દીવા બળશે અને બળદ વગરના હળ જોડાશે, ત્યારે અમંગળ સર્જાવાની ભવિષ્ય વાણી હવે જાણે કે સાચી પડતી જતી હોય તેમ પ્રકૃતિના પ્રકોપ દેખાવાનું શરૂ થઈ ગયું છે. મનુષ્યના હાથના કર્યા હૈયે વાગ્યા હોય તેમ કોરોના કટોકટીના સમયગાળામાં જ જ્યારે આ મહામારીમાં જીવવા માટે આવશ્યક ગણાતા પ્રાણ વાયુની જ ઘટ સર્જાવાનું શરૂ થયું છે અને ભાવ બે ગણા વધી ગયા છે ત્યારે જાણે કે કુદરતે માણસને પોતાની ઔકાત બતાવી દીધી હોય તેમ વૈજ્ઞાનિક બની ગયેલા માણસ કુદરતની અણમોલ દેન એવા ઓક્સિજન બનાવવા લાગ્યો છે. માણસ સમજતો હશે કે પોતાની આ કરામતથી તે પૃથ્વી પર ક્યારેય પ્રાણ વાયુની ઘટ નહીં પડવા દે. માણસ ઓક્સિજન બનાવવા લાગ્યો પછી ઓક્સિજનની ઘટવા પડવા લાગી.

કુદરતની અમુલ્ય દેન ઓક્સિજન સજીવ સૃષ્ટિ માટે કુદરતે મફતમાં ભેટ ધરી છે પરંતુ પર્યાવરણને ડિસ્ટર્બ કરી બેઠેલા માણસ ઝાડ, પ્રકૃતિ, નદીઓ, પહાડોનું નખોદ વાળવા બેઠો છે ત્યારે પ્રકૃતિ આખી સાયકલ ડિસ્ટર્બ થઈ ગઈ છે અને હવે પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ છે કે, ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું છે.

અત્યારે સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. કોરોનાના દર્દીને ફેફસાની નબળાઈના કારણે ઓક્સિજન લેવામાં જ મુશ્કેલી સર્જાય છે. વાતાવરણમાંથી ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે એવા સંજોગોમાં જ ઓક્સિજનની ઘટથી ભારે મોટી મુશ્કેલી સર્જાય છે અને ઓક્સિજનનો ભાવ બે ગણો વધી ગયો છે.

કોરોનાના દર્દીઓમાં મોટાભાગના મૃત્યુ ઓક્સિજનની ઉણપથી થાય છે ત્યારે ઓક્સિજનના બાટલાની ઘટ પરિસ્થિતિ વધુ વકરાવે છે.

મનુષ્યના હાથના હૈયે વાગ્યા હોય તેમ પ્રકૃતિને છેડખાનીની કિંમત હવે તેને જ ચૂકવવાની નોબત આવી છે. પ્લાસ્ટીકથી દુનિયાને ઢાંકવા નીકળી ગયેલા સ્વાર્થી મનુષ્યના શબ પ્લાસ્ટીકમાં વિટાળવાની પરિસ્થિતિ ઉભી કરીને જાણે કે કુદરતે મનુષ્યની ઔકાત દેખાડી દીધી હોય તેવું વાતાવરણ ઉભુ થયું છે.

દેશમાં કોરોનાના કટોકટીના તિવ્ર સંક્રમણના આ દૌરમાં ઓક્સિજનની ભારે ઘટ ઉભી થઈ છે. સમગ્ર દેશમાં કેટલાક રાજ્યોમાં તો ઓક્સિજન અછતની સમસ્યા મોટાપાયે સર્જાઈ ગઈ છે. કેટલાક રાજ્યો તેમાંથી નિકળવાના પ્રયાસો કરી રહ્યાં છે અને બહારથી ઓક્સિજન મંગાવી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં ઓક્સિજનના ભાવ વધારાના પગલે ઓક્સિજનના બાટલાઓનો રાજ્ય બહાર પગપેશારો ન થઈ જાય તે માટે  કડક નિયંત્રણ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો સરકારોને ઓક્સિજનની ગેરકાયદે હેરફેરને અટકાવવા હિમાયત કરી છે.

મંત્રાલયે પત્ર પાઠવીને મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, કર્ણાટકમાં ઉભી થયેલી ઓક્સિજનની અછતને કાબુમાં લેવા નિર્દેશ આપ્યો છે. મહારાષ્ટ્રે ૭મી સપ્ટેમ્બરે ઓક્સિજન ક્યાંય બીજે પગ કરી ન જાય તે માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે અને સ્ટોક કરી કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના દેવાશ જિલ્લામાં ૪ દર્દીના ઓક્સિજનના અભાવે મૃત્યુ નિપજયા હતા. સરકારે જો કે, આ વાતનો ઈન્કાર કર્યો છે પરંતુ ૪ જિલ્લા દેવાસ, જબલપુર, ચિંદવાડા અને દામોમાં ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. નાગપુરના એકમે પુરવઠો અચાનક અટકાવી દીધો હતો.

પંજાબમાં પણ રાજ્યમાં ઓક્સિજન ઉત્પાદકોને માલ બહાર ન મોકલવા મનાઈ ફરમાવી છે. આગ્રા, દિલ્હી સહિતના મોટા વિસ્તારો ઝાંસી, ઉત્તરપ્રદેશના બુંદાલખંડ, ઈન્દોર, ભોપાલમાં ભારે અછત ઉભી થઈ છે. કેરળમાં ઓક્સિજન ઉત્પાદકોને ૬૦ ટકા, તામિલનાડુમાં પણ ઓક્સિજનને અનામત રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. ૧૩મી ઓગષ્ટે કર્ણાટકમાં ૧૯ જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા ખુટી પડ્યા હતા અને ૫૦ દર્દીઓને આ પરિસ્થિતિમાં બેંગ્લોર ખસેડવા પડ્યા હતા. રાજ્યમાં હજુ ૫૦૦ મેટ્રીક ટન પ્રતિદીનની ઓક્સિજનની જરૂરીયાત વચ્ચે ૧૦૦ થી ૧૫૦ ટનથી કામ ચલાવવું પડે છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે. ગયા વર્ષે સરકારે ઓક્સિજનના ભાવ બાંધણામાં ૧૭ રૂપિયા નિર્ધારીત કર્યા હતા. તેમાં ૧૦ રૂપિયા પ્રતિ ક્યુબીક મીટરે વધારો થઈ રૂા.૫૦ કયુબીક મીટરે વધારો થયો હતો. આંધ્રપ્રદેશમાં જો કે ભાવ વધારો થયો ન હતો. કર્ણાટકમાં ૧૩ થી ૧૮ રૂપિયાનો ભાવ વધારો થતાં રૂા.૪૦ના ક્યુબીક મીટરે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન વેંચાવા લાગ્યું છે. બેંગ્લોરના ડો.પ્રસન્નએ જણાવ્યું હતું કે, કોવિડના દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂર પડે છે ત્યારે મોંઘા ભાવે મળતા ઓક્સિજનથી આ સારવાર પરવડતી નથી. ઉત્તરપ્રદેશમાં ઓક્સિજનના કાળા બજાર થઈ રહ્યાં છે અને ૫ થી ૧૦ હજાર રૂપિયાના ભાવે બાટલાઓ વેંચાઈ રહ્યાં છે. બિહારમાં ઓક્સિજન બેંકએ ૧૦ લીટરનું સીલીન્ડર રૂા.૮૫૦૦માં વેંચ્યુ હોવાનું બહાર આવ્યું છે. અગાઉ તે ૭૦૦૦માં વેંચાતું હતું. ગુજરાતમાં પણ ૧૦ લીટર સીલીન્ડરનું રીફલીંગનો ભાવ ૩૫૦થી વધી અત્યારે ૯૦૦ રૂપિયા જેવો ભાવ બોલાઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આ ભાવ વધુ ભડકે બળી રહ્યાં છે. મુંબઈની ઘણી હોસ્પિટલોએ પુરવઠાના ખેંચની ફરિયાદ ઉઠાવી છે. માલ અને પુરવઠાની વિસંગત પરિસ્થિતિને લઈને આ પરિસ્થિતિ ઉભી થઈ હોવાનું મુંબઈના કમિશનર સંજય સીંદેએ જણાવ્યું હતું. ઓક્સિજનની નિયમીત સપ્લાય થતી નથી. ૭૦૦૦ રૂપિયાના ભાવ આપવા છતાં ૨૫ થી ૩૦ સીલીન્ડરોની જરૂરીયાતો પુરી થતી નથી અને અર્ધા જ બાટલા મળે છે. અત્યારે સમગ્ર દેશમાં કોરોના કટોકટી દરમિયાન જ ઓક્સિજનની અછતથી રામભોરેસે જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારતમાં ઓક્સિજનની કિંમતમાં વધારો થતાં હોસ્પિટલનો ખર્ચ વધી ગયો છે.

ઓક્સિજનના બાટલાઓની છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે અછત સર્જાઈ છે. કોવિડમાં ઓક્સિજનની જરૂર વધુ પ્રમાણમાં થતાં ૫૦ ટકાથી લઈને અઢી ગણી કિંમતો વધી ગઈ છે. સેટેલાઈટની મીડલીક હોસ્પિટલમાં શિલ્પા અગ્રવાલે જણાવ્યું હતું કે, ૩જી જુને અમારા ઓક્સિજનના વેપારીએ ભાવ વધારાની માહિતી આપી હતી અને અઢી ગણો ભાવ વધારો કર્યો હતો. અમારો ખર્ચ ૧૨ લાખથી વધીને ૭૦ લાખનો મહિનાનો થઈ ગયો હતો. જો સરકાર અમને આર્થિક સહાય કરે તો અમે ઓક્સિજન અને મેડિકલ વેસ્ટના કલેકશનમાં સારૂ કામ કરી શકીએ. ડો.ભાવેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ઓક્સિજનની કિંમત ૯૦ હજારથી ૨.૪ લાખ સુધીનો માસીક ખર્ચ વધારનારી બની રહી છે. એપોલો હોસ્પિટલના સંદીપ જોષીએ જણાવ્યું હતું કે, કોવિડ પછી આ પરિસ્થિતિ વધુ બગડી છે. સરકારે તાત્કાલીક તેના પગલા લેવા જોઈએ. ઓક્સિજનની સપ્લાય ઘટી જતા તેને કઈ રીતે ટેકલ કરવી તે તંત્ર માટે પડકાર ઉભો થયો છે. અત્યારે કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં જ્યારે દર્દીઓને જીવવા માટે ઓક્સિજનની આવશ્યકતા છે ત્યારે જ ઓક્સિજનની અછતથી ભારે સંગીન પરિસ્થિતિ ઉભી થઈ છે.

Loading...