Abtak Media Google News

આપણા દેશમાં જેટલા રાજયો છે એ બધામાં તેમની પોતાની વિશિષ્ટતાઓ છે, દંતકથાઓ છે, કહેવતો છે અને તરેહ તરેહની પ્રણાલિકાએ છે, એમનો પોતાનો ઈતિહાસ છે. અમેની આગવી મંદિર સંસ્કૃતિ છે.

આપણી એનડીએ સરકારે ‘વિકાસ’ને તેનો મહામંત્ર બનાવીને તેને લગતાં ગાણાં ગાયાં કર્યા છે. એમણે કલ્પેલા વિકાસની વ્યાખ્યામાં અર્જુનના લક્ષ્યવેધની, શિવધનૂષ તોડવાની, શ્રીકૃષ્ણને ગાંધારીને આપેલા શ્રાપની, શ્રવણ સંસ્કૃતિને મંદિર સંસ્કૃતિની, મહારાણા પ્રતાપ અને ભામાશાની, પૃથ્વીરાજ અને ઝાંસીની રાણીની, ગંગોત્રી-જમુનોત્રીની, હિમાલય-નગાધિરાજની, ગંગા, ગોદાવરીની, કાવેરી નર્મદા ગોમતી જેવી લોકમાતાઓની, ભગતસિંગની કે ખુદીરામની વાતો નથી.

ભારતના આવતીકાલના નાગરિકોને, કરોડો બાળકોને દેશ પરદેશનાં કરોડો પૂસ્તકો-ગ્રંથો વાંચવાની ટેવ પાડવાનું અનિવાર્ય છે.

આપણા દેશમાં વિકાસ પુરૂષની સાથે જ સંસ્કૃતિ પૂરૂષ પણ અનિવાર્ય પણે જોઈશે. એકલા વિકાસ પુરૂષ આ દેશને સુવર્ણયુગ નહિ જ બક્ષી શકે !

છેલ્લા કેટલાક વર્ષોથી અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણનો મુદ્દો રાજકીય સરકારના ચગડોળે ચઢયો છે. આને લગતો એક અહેવાલતો એટલે સુધી દર્શાવે છે કે, રામમંદિર બંધાઈ જશે ત્યારે તમામ સદીઓ ભારતની થઈ જશે!

વિશ્ર્વમાં જનની અને જન્મભૂમિનો મહિમા વધારી ભારતની અલૌકિક સંસ્કૃતિનું મહાન દર્શન કરાવનાર અવધનિવાસી ભગવાન શ્રી રામના જન્મસ્થાને ભવ્ય મંદિર રાહ જોતુ બેઠું છે. ૯૦ કરોડનો હિન્દુ સમાજ જયાં રહેતો હોય તે દેશમાં તેમના આરાધ્યદેવનું જન્મભૂમિ મંદિર ન બને, આના જેવી બીજી કરૂણતા કઈ?

દેશના તમામે તમામ સંપ્રદાયના તમામે તમામ ધમાચાર્યોએ વારંવાર કહ્યું છે કે જન્મભૂમિ ઉપર રામમંદિર બનવું જોઈએ, કારણ કે દેશના સ્વાભિમાનનો આ પશ્ન  છે.

Our-Politicians-Define-Arjuna-S-Target-Breaking-Shiva-The-Kauravas-Seven-Kotha-Shree-Krishna-S-Wrath-Jhansi-S-Queen-Pratap-And-Prithviraj-S-Talk-It-Is-Not-Necessary-To-Listen-To-Our-C
our-politicians-define-arjuna-s-target-breaking-shiva-the-kauravas-seven-kotha-shree-krishna-s-wrath-jhansi-s-queen-pratap-and-prithviraj-s-talk-it-is-not-necessary-to-listen-to-our-c

સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનું પુન: નિર્માણ કરી ગઝનીઓએ મચાવેલી લૂંટનો ઈતિહાસ ભૂંસી નાખી વિશ્વકલ્યાણની સંસ્કૃતિનો ઝંડો ફરકાવ્યો હતો. રામજન્મભૂમિ ઉપર પૂન: ભવ્ય મંદિર બાંધી દુનિયાને બતાવવું પડશે તે આદર્શ પત્ની, આદર્શભાઈ, આદર્શ પરિવાર, આદર્શ રાજા, આદર્શ સત્તા અને આદર્શ સમાજ કેવા હોય.’

શ્રી રામ આ દેશના નાગરિકો માટે જીવન આદર્શ છે. તમામે તમામ બિન સાંપ્રદાયીક પક્ષો (દંભી કે અસલી) ધ્યાન રાખે કે શ્રી રામ સંપૂર્ણ સમાજના આદર્શ હશે ત્યાં સુધી જ દેશની બિન સાંપ્રદાયિકતા જીવતી રહેશે. લંકા જીત્યા પછી કયાં તોડફોડ નહિ. એવી ને એવી લંકા સાત્વિક પુરૂષને પરત કરવી એ રામનો આદર્શ છે.

ગાંધીજીએ પણ પોતાના સમાધિ ઉપર ‘હે રામ’ લખાવી કહ્યું કે ‘રામ’ અને ‘રામરાજ’ સાથેનો નાતો અતૂટ રાખજો. આ નાતો મજબૂત બનાવવા રામજન્મભૂમિ ઉપર મંદિર બનાવવું આવશ્યક છે. મંદિર થશે એટલે દેશનું સ્વાભિમાન આપોઆપ તેજપુંજથી ઝળકી ઉઠશે. ઈન્ડિયા શાઈનીંગ આપોઆપ થશે. દેશનું સ્વાભિમાન જીવતુ હશે તો એકવીસમી સદી જ નહિ તમામે તમામ સદી ભારતની હશે.

નૂતન સત્તાધીશો હવે પક્ષગત રાજનીતિથી ઉપર ઉઠી મંદિર નિર્માણ માટે આગળ આવે. મંદિરનો પ્રશ્ન મુસ્લિમતો સાથે જોડવાના બદલે મંદિરનો પ્રત્યક્ષ સંબંધ રામાયણ અને રામચરિત માનસ સાથે જોડવાથી સ્પષ્ટ દર્શન મળી જશે.

શ્રી રામ રથયાત્રા, શ્રી રામ જયોતિ, શ્રી રામ શિલાપૂજન, શ્રી રામ પાદુકાપૂજન અને શ્રી રામ નામ જપ સુધીના મહાકાર્યક્રમોએ શ્રી રામ જન્મભૂમિ આંદોલનને વિજય તરફ દોડતુ રાખ્યું છે. તાળા ખૂલવા, શિલાન્યાસ થવો, ઢાંચો હટવો અને સરકાર દ્વારા શિલાદાનનો સ્વીકાર થવો ત્યાં સુધીની સફળતા મળી ચૂકી છે.

નૂતન સરકાર મંદિર નિર્માણ માટે આગળ આવે અને માર્ગ મોકળો કરે. હિન્દુ સમાજની આ અપેક્ષા છે.

ભાજપ, આરએસએસ અને વિહિપના કટ્ટરપંથી હિન્દુ આગેવાનો અજબગજબનાં વિધાનો કરી રહ્યા છે. જેમાં શિવાજી, મહારાણા પ્રતાપ, ભામાશા, પૃથ્વીરાજ ચૌહાણ, ઝાંસીની રાણી, ભગતસિંહનો નિર્દેશ થતો રહ્યો છે.

પથ્થરનું ઓશીંકુ અને ઘાસની પથારી કરીને આડા પડેલા રાણા પ્રતાપ જૂએ છે કે, મહારાણી મંગાળા માંડીને રોટલા ઘડીરહ્યા છે. અનાજનો દાણોય રહ્યો નથી એટલે ઘાસના બીજમાંથી રોટલો બનાવ્યો છે તેને તાવડી પર નાખ્યો છે. બાજુમાં જ નાનક્ડી પૌત્રી ભૂખના લીધે આળોટે છે. મહારાણી સાંત્વના આપે છે અને સાથોસાથ મંગાળામાં ફુંક પણ મારે છે. બળતણને સંકોરે છે. રોટલો જલ્દી શેકાઈ જાય તે માટે.

રાણા પ્રતાપ આખાય દ્રશ્યને ઝીણી આંખો કરીને જુએ છે. મનમાં થાય છે કે કયાં રાજ પરિવારની સાહ્યબી ને કયાં આ દારૂણ પરિસ્થિતિ છાતીફાટ નિસાસો નખાઈ જાય છે. નઘરોળ હકિકતને જોવાનું સહન ન થતા તેઓ આંખો બંધ કરી જાય છે. હજુ તો પાંચ પંદર પળનો સમય પસાર થયો હશે ત્યાં જ નાનકડી પૌત્રીની કારમી કાગારોળ કાને પડી અને રાણા પ્રતાપની આંખો ફટાક કરતીક ને ઉઘડી ગઈ !

મહારાણીએ ઘાસના બીજ ભેગા કરીને માંડ માંડ એક રોટલો ટીપ્યો હતો, પણ રોટલો શેકીને હજુ તો પૌત્રીની ક્ષુધા શમે, એ પહેલા જ ઝાંખરા આડે ટાંપીને બેઠેલો રાની બિલાડી છલાંગ મારીને રોટલો લઈ જાય છે. ભૂખની મારી નાનકડી છોકરી, હાથમાં આવેલ રોટલો આમ ઝૂંટવાઈ જતા ચીસો પાડવા લાગે છે.

રાણા પ્રતાપ જૂએ છે. તેનો આત્મ કકળીઉઠે છે. તેને થાય છે કે વટ, વચન અને વેરની વાત તો અમારી જેવા મોટેરા માટે છે. તેમાં આ નાની બાળકીનો શું વાંક? તેનો શુ ગુનો? આવા અનેક સવાલો રાણા પ્રતાપને ભાલાની માફક ભોંકાવા લાગ્યા. તેઓ એકદમ બેઠા થઈ ગયા અને લાચાર વદને પૌત્રીના કારૂણ્યને વધુ વખત જોઈ નહી શકે તેવી આશંકા સાથે મનોમન એક નિર્ણયને હાથ વગો કરીને ઉભા થઈ ગયા નિર્ણય લેતા પૂર્વે પોતાની પ્રતિજ્ઞાને યાદ કરી લીધી.

જયાં સુધી મારી માતૃભૂમિ ચિત્તોડને મોગલોનાં આધિપત્યમાંથી નહી છોડાવું ત્યાં સુધી હું રાજમહેલોની સુખ સગવડોનો ત્યાગ કરીને જમીન પર ઘાસની પથારી કરીને સઈ જઈશ . સોના ચાંદીના વાસણોમાં રાજવી ભોજન કરવાના બદલે જંગલના વૃક્ષના પાન પર કંદમૂળ ખાઈને જીવીશ. આ પ્રતિજ્ઞાને સાચી ઠેરવવા માંગતા હોય એવા સંજોગો સામે આવીને ઉભા રહ્યા હતા.

ચિત્તોડગઢની મૂકિત મળે તો સંગ્રામ ખેલતા ખેલતા વર્ષો વહાણા વહી ગયા હતા જગત બદલાઈ ગયું હતુ. આમ છતા રાણા પ્રતાપનું સ્વાભિમાન પરાક્રમ, શૌર્ય, અને એના ધૈર્યમાં સહજ પણ બદલાવ આવ્યો નહોતો. પણ વર્ષોના સંઘર્ષના કારણે ધન ખૂટી ગયું હતુ. આર્થિક સંકડામણ વચ્ચે સૈન્યનિભાવવું મુશ્કેલ હતુ. રાણા પ્રતાપની અટલ ટેકમાં પોતાના પુત્ર અમરસિંહની પુત્રીએ લાગણીની કરવત ફેરવી અને રાણાનું હૃદયચિરાઈ ગયું. પૌત્રીના લીધે પોતાની ટેકમાં સમાધાન કરીને દિલ્હીના શહેનશાહ અકબરને સંધીપત્ર લખવાનો નિર્ણય કર્યો.

અઢી અઢી દાયકાથી મોગલ સેનાને હંફાવનાર વીર રાજપૂત રાણા પ્રતાપ આમ સામેથી સંધી પત્ર મોકલાવે તે જાણીને અકબરને નવાઈ લાગી. પણ વધુ વિચાર કરવાને કોઈ કારણ નહોતુ. જે થયું તે સારૂ થયું એમ સમજીને દિલ્હી દરબારમાં જલસો યોજવામાં આવ્યો. આ જલસાનું કારણ સામંતપૃથ્વીરાજે જાણ્યું ત્યારે તેના દિલમાં દાઝ થવા લાગી એને થયુંં કે રાણા પ્રતાપ આવી સંધી કયારેયન કરે અને કરે તો સંધિને ફોક કરવી જોઈએ.

આવી દેશ દાઝ અને શૂરવીરતાની કથાઓ આપણા પુસ્તકોમાં મોજૂદ છે,જ આપણા દેશની નવી પેઢીને પ્રેરણા આપી શકે છે.

આપણા દેશમાં કેવી દેશદાઝ, શૂરવીરતા, બહાદૂરી અને ખુમારી વગેર બધુ દાખલા રૂપ હતુ તેનો ઈતિહાસ પુસ્તકોમાં સંઘરાયેલો છે. આપણા બાળકોને પુસ્તકો વાચવાની ટેવ પાડવી જ જોઈએ એનાં વિના સંસ્કૃતિ પુરૂષો શોધ્યા નહિ જડે !

માનવ વિકાસનું બિનહરીફ માધ્યમ પુસ્તકો છે. એટલે તો સારા પુસ્તકોને માનવનાં કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. માનવ જીવનમાં પુસ્તકો પ્રેરક, પ્રભાવક બની રહે છે. વિકાસની પ્રક્રિયામાં પુસ્તકોનો વિશેષ ફાળો છે. મનની વિકૃતિઓને ઉલેચવાનું કામ પુસ્તકો જ કરે છે. અભિજાત વ્યકિતત્વનો વિકાસ પુસ્તકો પર આધારિત છે. તેથી નાની વયથી જ બળકોને પુસ્તક પ્રેમી બનાવવા પ્રયત્નો જરૂરી છે. પણ આજે આમ થતુ નથી પ્રત્યેક બાળકો ગ્રંથાલય તરફ પુસ્તકો તરફ પ્રેમ કેળવી શકતા નથી. પર વિમુખ બનતા જાય છે. તેવા બાળકો અપૂર્ણ, અજ્ઞાન અને પછાત રહી જાય છે. સુટેવો, સંસ્કારોને સદગુણોના સિંચન માટે, અપેક્ષીત વિકાસ માટે અને એક તંદુરસ્ત નાગરીક ઘડતર માટે બાળકને પુસ્તક પ્રેમી બનાવવો એ જ સમની અપેક્ષા છે.

આપણા દેશની સંસ્કૃતિને આપણા રાજકારણીઓએ ચૂંથી નાખી છે. લાંચરૂશ્વતે અને ચારિત્ર્યહીનતાએ એને ખોખલી કરી નાખી છે. આડેધડ અને ગાંડા વિકાસે એને લોહીલોહાણ કરી છે. એને સજીવન કરવાનો એક ઉપાય દેશના કરોડો બાળકો કરોડો પુસ્તકો વાચવાની ટેવ પાડે એ છે સંસ્કૃતિપુરૂષો પેદા કરવાનું આ અનોખું ઔષધ છે.

પુસ્તકો કરતાં વધઉ સારા અને ઉપકારક મિત્ર કોઈ નથી હોતા એક ચિંતકે તો એમ જણાવ્યું છે કે મને એક પુસ્તક અને દીવો આપીને નાનકડી ઓરડીમાં મૂકી દો તો હું એમાં ઉંઘ વિના ખુશીથી આખી રાત વિતાવી શકીશ, અને કદાચ ઈશ્ર્વરનું સાનિધ્ય પણ પામીશ.

આપણા રાજકર્તાઓ, રાજપુરૂષો અને ગાદીપતિઓ નિજી સ્વાર્થ માટેની ભાષણખોરી પહેલા સારૂ પુસ્તક વાંચી જાય તો એ શુભશુકન મનાશે. આ ટેવ નવા મનુષ્યોનું સર્જન કરી આપશે અને સુવર્ણયુગનો માર્ગ ખૂલ્લો કરી આપશે.

૨૧મી સદી પછીની બધી જ સદીઓ ભારતની કરી લેવાની તથા ભારતને વિશ્વગૂરૂ બનાવવાની દિશામાં શુભ પ્રયાણનું પ્રથમ કદમ બની જશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.