Abtak Media Google News

જુસબ સાંધ હથિયાર કોની પાસેથી મેળવતો, આશરો કયાં મળતો અને આર્થિક મદદ કોણ કરતું રિમાન્ડ રિપોર્ટમાં સીઆઇડીની રજૂઆત

એટીએસ મહિલા ટીમ પાસેથી ‘ન્હોર વિનાની સીઆઇડી (ક્રાઇમ) અને જુસબનો કબ્જો મેળવી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા

ધોરાજી તાલુકાના ભાડેર ગામે ખેતીની જમીનના પ્રશ્ને પટેલ અને મુસ્લિમ પ્રૌઢની થયેલી હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ છેલ્લા નવેક માસથી વોન્ટેડ જુસબ સાંધને ઝડપી લેવા રાજયભરની પોલીસ ટીમ ધંધે લાગી હતી ત્યારે એટીએસની મહિલા ટીમે બોટાદ પંથકમાં જુસબ અલ્લરખાને ઝડપી લેવાનું ઓપરેશન પાર પાડીને કાબીલેદાદ કામગીરીની સાથે સીઆઇડી અને એટીએસની આબરૂ બચાવી લીધી છે. પોલીસમેનની હત્યા સહિત અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા જુસબ અલ્લારખાનો ન્હોર વિનાની ગણાતી સીઆઇડી ક્રાઇમના સ્ટાફે કબ્જો સંભાળી ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે દસ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.

ભાડેર ગામના મુસા સાંધ અને જીવણ સાંગાણીની થયેલી હત્યા પ્રકરણે સમગ્ર રાજયમાં ચકચાર જગાડી છે. અને રાજયના પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ જુબસને ઝડપી લેવા એટીએસ સહિતના પોલીસદળની જુદી જુદી ટીમને કામે લગાડી હતી.

જો કે એટીએસની ટીમ દ્વારા કરાયેલા ઓપરેશન દરમિયાન મુખ્ય સુત્રધાર જુબસ અલ્લારખા સાંધ એટીએસની ટીમ પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો ત્યારે એટીએસના સ્ટાફે એક થેલી ભરીને કારતુસ મળી આવ્યા હતા તેમજ વિદેશી બનાવટના હથિયાર મળી આવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી હતી. પોલીસે કારતુસ અને હથિયાર મળ્યાનો ઇન્કાર કરી પોતાની આબરૂ બચાવવા પ્રયાસ કર્યો હતો.

બોટાદ જિલ્લાના દેવધરી વિસ્તારના ડુંગરામાં છુપાયેલા જુસબ સાંધને એટીએસની મહિલા ટીમે ઉંઘતો ઝડપી લીધો હતો.

જુસબ અલ્લારખા સાંધ બગોદરા પાસેના ભોગાવો ખાતે પોલીસે ઝડપી લેવા દરોડો પાડયો ત્યારે પોલીસમેન માંડણભાઇ હાથી પર છરીથી હુમલો કરી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. તેમજ જૂનાગઢના મહંતની હત્યામાં સંડોવાયેલા જુસબ સાંધે પોતાના કાકા મુસાભાઇની હત્યાનો બદલો લેવા જીવણભાઇ સાંગાણીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફાયરિંગ, હત્યા, ખંડણી અને મારામારી તેમજ હથિયાર ૨૩ જેટલા ગુનામાં સંડોવી હોવાનું અને તેને રાજકોટ, અમદાવાદ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ગુનાખોરી આચરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જુસબ સાંધને ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે સીઆઇડી ક્રાઇમના સ્ટાફે ધોરાજી કોર્ટમાં રજુ કરી પોલીસ દ્વારા રિમાન્ડ અરજીમાં જુસબ સાંધ ઓગેનાઇઝ ક્રિમીનલ હોવાનું અને તેની પાસે ૫૦૦ જેટલા શખ્સોની ગેંગ હોવાનું જણાવ્યું છે. જુસબ સાંધ વિરૂધ્ધ કોઇ પુરાવા આપવા તૈયાર નથી, જામીમ પર છુટીને ભાગી જવાની ટેવધરાવતા જુસબ માદક પદાર્થની હેરાફેરી સહિતના ગુનામાં સંડોવણી હોવાનું અને તેની સંડોવાયેલા અન્ય પાંચ જેટલા શખ્સોના નામ ખુલતા તેને ઝડપી લેવા રિમાન્ડની જરૂર હોવાનું જણાવ્યું હતું તેમજ તેની પાસે હથિયાર કયાંથી અને વોન્ટેડ હતો ત્યાં સુધી આશરો કોને આપ્યો તેમજ આર્થિક મદદ કોણ કરતું તેમજ વોન્ટેડ દરમિયાન કોના કોના સંપર્કમાં હતો તે અંગેની તપાસ કરવાની બાકી હોવાનું જણાવ્યું હતું. અદાલતે દસ દિવસના રિમાન્ડ મંજુંર કર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.