આદેશ: આરોગ્ય કર્મીઓ ફરજ પર હાજર નહિ થાય તો થશે કાર્યવાહી !!

આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર મક્કમ: રસીકરણ કાર્યક્રમ ટાણે જ હડતાલ શરૂ કરાતા આરોગ્ય વિભાગ ખફા

આરોગ્ય કર્મચારીઓ તેઓના પડતર પ્રશ્ને હડતાલ ઉપર ઉતર્યા છે. સામે રસીકરણ કાર્યક્રમ ટાણે જ હડતાલ શરૂ થતા આરોગ્ય વિભાગ પણ ખફા થયું છે. આરોગ્ય કમિશનરે જાહેર કરી દીધું છે કે જો આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર નહિ થાય તો તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા કોવિડ-૧૯ રસીકરણના મહાઅભિયાન અંતર્ગત ગુજરાતમાં તબકકાવાર હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન કાર્યકર અને વયોવૃધ્ધ વ્યકિતઓને વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આમ આ તમામ આરોગ્યલક્ષી કામગીરી નિયમિત સતત સુચારૂ રીતે થાય તે માટે આરોગ્યના તમામ ડોકટર્સ, કર્મચારીઓ પોતાની ફરજ બજાવે તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને લઈ આ સ્થિતિ વચ્ચે અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આદેશ કર્યાં છે. જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું છે કે મુજબ વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓ અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરે તો, દર્દીઓને સારવાર આપવામાં તેમજ રસીકરણમાં મોટી મુશ્કેલીઓ ઉભી થઇ શકે તેમ છે.

આથી સામાન્ય પ્રજાને તેમજ દર્દીઓને કોઇ હાલાકી ન ભોગવવી પડે તે માટે જે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. તેઓની સેવાઓ લેવી જરૂરી હોઈ એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ હેઠળ મળેલ સત્તાની રૂએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને તાત્કાલીક ફરજ પર હાજર થવા જરૂરી હુકમ કરવામાં આવ્યા છે. જો, હજુ કર્મચારીઓ ફરજ પર હાજર થશે નહીં તો કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

Loading...