Abtak Media Google News

મગફળીની ૩૫ કિલો ભરતીની જાહેરાતથી કિસાન સંઘ ઉગ્ર

ખેડુતોની પીઠ પાછળ ખંજર ભોંકતી સરકાર: મુખ્યમંત્રીની ૩૦ કિલો ભરતીની જાહેરાત પરંતુ યાર્ડમાં ૩૫ કિલો મગફળી ભરવાના પરિપત્રથી ખેડુતો અવઢવમાં, કારણ જણાવવા માંગ: વિવિધ મુદાના ત્રણમાથી એક પણ આવેદનનો પ્રતિસાદ

ન આપ્યો બહેરી-મૂંગી સરકારે: રૂ.૬૦૦થી ૮૦૦માં મગફળી વેચી લૂંટાતા ખેડૂતો; કિસાનોના હિતમાં નિર્ણય થાય તે માટે સંઘના હોદેદારો ‘અબતક’ની મુલાકાતે

યાર્ડમાં મગફળી વેચવા માટે ગુણીમાં ૩૦ કિલોની ભરતીમાં ફેરફાર કરી ૩૫ કિલોનો પરિપત્ર જાહેર કરતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ એક ઉમેરો થયો છે. આ વર્ષે આમ પણ ઓછા વરસાદના કારણે ઉપજ ઓછી આવી છે.

ત્યારે જ સરકારે આ પ્રકારની જાહેરાત કરી ખેડૂતની પીઠ પાછળ ખંજર ભોંકયું છે. ખેડુત વિરોધી નીતિ અપનાવતી સરકાર સામે કિસાન સંઘ ઉગ્ર બન્યો છે.કિસાનોને પોષણક્ષમ ભાવો આપવા, ભાવાંતર યોજના લાગુ કરવા અને ૩૫ને બદલે ૩૦ કિલોની ભરતી લેવી જેવા મુદે સરકારને ત્રણ ત્રણ વખત આવેદનો આપવા છતા બહેરી-મુંગી સરકારે એક પણ આવેદનનો પ્રતિસાદ આપ્યો નથી.

થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીએ મગફળીની ગુણી ૩૦ કિલોની ભરવા જણાવેલ પરંતુ આ વાતનો ઉલાળ્યો થયો હોય તેમ યાર્ડમાં ૩૫ કિલો ભરતીનો પરિપત્ર આપ્યો હોવાનું જણાવી ખેડૂતોને અવઢવમાં મૂકી દીધા છે.

આ અંગેનો જવાબ પણ કિસાન સંઘે માંગ્યો છે. અંતે કિસાન સંઘના હોદેદારોએ ‘અબતક’ની મુલાકાત દરમ્યાન જણાવ્યું છે કે જો આ મુદે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો ૧૭મી પછી ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવાશે.

નવા વર્ષમાં માર્કેટીંગ યાર્ડ ખુલતામાં જ મગફળી ભાવ ૬૦૦ થી ૮૦૦ રૂપીયા પ્રતિ મણ માર્કેટ યાર્ડમાં હરાજીમાં વેચાઈ રહી છે. અને ખેડુતો લૂંટાઈ રહ્યા છે. દિવાળી શરૂઆતમાં જ ખેડુતો જે લૂંટાઈ રહ્યા છે. તે ન લૂટાઈ તેના માટે સરકારને વારંવાર રજૂઆત કરેલ છે કે ટેકાના ભાવથી ઉપરની ખરીદીનો વટ હુકમ બાર પાડવો પણ સરકારને ખેડુતોને બચાવમાં જરા પણ રસ નથી.

ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની માર્ગદર્શિકા જે જાહેર કરેલ છે તેમાં સરકારે અગાઉ કરેલ જાહેરાતમાં મગફળી ૩૦ કિલો પ્રતિ ગૂણીની ખરીદી સ્વીકારેલ છે. અને જે ખરીદી અંગેની જે માર્ગદર્શક સૂચનાઓ આપેલ છે તેમાં સરકારે ૩૫ કિલો ભરતી નકકી કર્યાનું જાહેર કરેલ છે.

આ રીતે ૩૦કિલો ભરતીની જાહેરાત કરી અને ૩૫ કિલોની અમલવારી કયાં કારણોસર ફેરફાર કરેલ છે તે અંગે ખેડુતો વિચારમાં પડી ગયા છે સરકારે પણ આ અગે કયાં કારણોસર ફેરફાર કરેલ છે. તેના કારણોક જાહેર કરેલ નથી.

ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ જીલ્લામાં સરકારને કલેકટર મારફતે ગત તા.૮.૧૦.૧૮ના રોજ રાજકોટ જીલ્લાનાં ૩૦૦૦ થી ૩૫૦૦ ખેડુતો ભેગા મળી અને રેલીના સ્વ‚પમાં આવેદન આપેલ હતુ તે આવેદન પત્રમાં પણ ભાવાંતરની તેમજ ૩૦ કિલોની ભરતીની માંગણી કરેલ હતી.

તેમજ ૧૫-૧૦-૧૮ના રોજ ગુજરાતના દરેક તાલુકાની અંદર મામલતદારોને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. છતા પણ સરકારે ખેડુતોની માંગણી પર ધ્યાન આપેલ નથી એવું સ્પષ્ટ થાય છે. કે સરકાર ખેડુતોના કામમાં રસ લેવા માંગતી નથી. ઉપરના આવેદનપત્રોમાં યોગ્ય પ્રતિભાવ ન મળતા રાજકોટ જીલ્લાના દરેક તાલુકામાં મામલતદારોને પણ તા.૧-૧૧-૧૮ના રોજ ફરીથી આવેદન પત્ર આપેલ હતુ.

તેમ છતા ખેડુતોની માંગણી પ્રત્યે સરકાર નકારાત્મક વલણ દાખવે છે. ભાવાંતર યોજના રાજયમાં દાખલ કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા વખતોવખત રજૂઆત કરવામાં આવી આ ઉપરાંત માર્કેટીંગ યાર્ડના વેપારીઓ દ્વારા પણ ભાવાંતર યોજના દાખલ કરવા માટે હડતાલ પાડેલી સરકારે ભાવાંતર યોજના ગુજરાતમાં અમલમાં મૂકવાથી ખેડુતોને નુકશાન જાય છે. તેવું જાહેર કર્યું પરંતુ તેને કેવી રીતે ખેડુતોના હિતમાં નથી તે અંગેના કોઈ કારણો જાહેર કરેલ નથી. આ વાત ખેડુતોને કોઈ પણ સંજોગમાં ગળે ઉતરતી નથી.

સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીની જાહેરાત મોડી કરવી, બિન જરૂરી ડોકયુમેન્ટ માંગવા જે સરકાર પાસે છે, પાણી પત્ર બાબતથી ખેડુતોને હેરાન કરવા, ફોર્મ ભરવામાં ખેડુતોને લાઈનમાં ઉભા રાખવા, ૩૦ કિલો વાળી ૩૫ કિલોની ભરતી, ઉતારાની ટકાવારી ઘટાડવા, આ બધા કારણોથી એવું સાબિત થાય છે કે, સરકારને મગફળી ખરીદવામાં રસ નથી.

આ વ્યવસ્થાની ઝડપથી સુધારવામાં નહિ આવે તો મજબુર થઈ ને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ ‘અબતક’ની મુલાકાતે આવેલા કિસાન સંઘના જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, મંત્રી ઘનશ્યામભાઈ કોટડીયા, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાની, મનોજભાઈ ડોબરીયા, કિશોરભાઈ સગપરીયા, બચુભાઈ ધામી, રાજુભાઈ લીંબાસીયા, અશોકભાઈ મોલીયા, રામભાઈ માલધારી, ઠાકરશીભાઈ પીપળીયા, પ્રકાશભાઈ પીપળીયા શકિતસિંહ જાડેજા વગેરરેએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.