Abtak Media Google News

પાક. મતદારોને ભારતીય નાગરીકત્વ મળતાં તેઓ લોકસભા ચૂંટણીમાં કરશે મતદાન

કચ્છમાં પ્રથમ વખત ૮૯ પાકિસ્તાની નાગરિકોને મત આપવાની તક મળી છે.આ પાક.મતદારોને ભારતીય નાગરિકત્વ મળતા તેઓ લોકસભા ચૂંટણી પ્રથમ વખત મતદાન કરશે.

દેશમાં પાકિસ્તાનની ચર્ચા વચ્ચે કચ્છમાં ૮૯ પૂર્વ પાકિસ્તાની નાગરિકોને પહેલીવાર મત આપવાની તક મળી છે.મૂળ પાકિસ્તાની પરંતુ વર્ષોથી હિજરત કરી કચ્છમાં વસવાટ કરી રહેલાં ૮૯ લોકોને ૩ વર્ષે ભારતીય નાગરિકત્વ મળ્યું છે ૨૦૧૬માં ૧૭, ૨૦૧૭ માં ૨૬ અને ૨૦૧૮માં ૪૬ પાકિસ્તાનીઓને ભારતીય નાગરિક્તા પ્રદાન કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટર સમક્ષ હજુ પણ ૨૩ અરજીઓ નિકાલ માટે પડતર પડી છે.ભારતીય નાગરિકત્વ મેળવનાર લોકો આધારકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, રાશનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટે હક્કદાર બને છે.કચ્છમાં વસવાટ કરનારાં ૮૯ પાકિસ્તાની લોકોને ૨૦૧૯માં પહેલીવાર પોતાના દિલ્લીના પ્રતિનિધીને ચૂંટવાની તક મળી છે.જે નોંધનીય બાબત કહી શકાય તેમ છે.

૧૯૭૧ના યુધ્ધ બાદ પાકિસ્તાનથી સ્થળાંતર કરીને કચ્છમાં વસવાટ કરનારાં સોઢા શરણાર્થીઓ હોય કે લોંગ ટર્મ વિઝા (કઝટ) પર કચ્છમાં દોઢ-દોઢ કે બબ્બે દાયકા સુધી વસવાટ કરનારાં પાકિસ્તાની નાગરિકો હોય, ભારતીય નાગરિક્તાના અભાવે નિરાશ્રિત જેવું જીવન જીવતા હતા. ભારતીય નાગરિક ના હોઈ તેઓ બેન્ક એકાઉન્ટ ખોલાવી શકતા નહોતા કે રાશનકાર્ડ મળતાં નહોતા. પાકિસ્તાનથી ત્રસ્ત થઈને ભારત આવ્યા બાદ આ હિજરતી પરિવારો અહીં અનેક રીતે હેરાન થતા હતા. જો કે, ૨૦૧૬માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેઝેટ પ્રસિધ્ધ કરી ભારતીય નાગરિક્તા પ્રદાન કરવાની નીતિ હળવી બનાવી તેની સત્તા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી હતી. કચ્છમાં ૮૯ લોકોને ભારતીય નાગરિક્તા મળી છે. પાકિસ્તાનમાં વસવાટ કરતાં હિંદુ લઘુમતી સમુદાયો સામે પ્રવર્તતું કટ્ટરતાનું વાતાવરણ, અસલામતી, રોજગાર વગેરે જેવા વિવિધ કારણોસર અનેક પરિવારે ભારતમાં આશરો મેળવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.