Abtak Media Google News

શહેરમાં આવકવેરાને લઈ ફરિયાદનું ભારણ ઘણુ ઓછુ: અજયદાસ મહેરોત્રા

રાજકોટ શહેર આવક વેરા વિભાગ કચેરી ખાતે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરદાતાઓને પડતી તકલીફો અને મુશ્કેલીઓને ત્વરીત નિવારવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઓપન હાઉસ ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસ ગુજરાત અજયદાસ મહેરોત્રાની અધ્યક્ષતામાં યોજાયું હતું.

‘અબતક’ સાથેની વાતચીતમાં ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજયદાસ મહેરાત્રાએ વિગત આપતા જણાવ્યું હતું કે, ઓપન હાઉસમાં કરદાતાઓને ટીડીએસ અને રિફંડને લઈ તકલીફ અને સમસ્યા ઉદ્ભવીત થતી હોય છે જેનો ઉકેલ લાવવા માટે આવકવેરા વિભાગ પૂર્ણત: સજ્જ છે અને તે જ દિવસે તેનો નિકાલ થાય તે માટે આવકવેરા વિભાગ કાર્યરત રહેતુ હોય છે.

રાજકોટ શહેરમાં કરદાતાઓને પડતી મુશ્કેલીનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીમાં નહીંવત જેટલું છે. વાત કરવામાં આવે મોટા શહેરોની તો મોટા શહેરોમાં અધિકારીઓ પાસે અપુરતો સમય હોવાના કારણે તેઓ કરદાતાઓની તકલીફો અને સમસ્યાની નિવારી શકતા નથી. જેને કારણે કરદાતાઓમાં રોષનો માહોલ પણ જોવા મળતો હોય છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અધિકારીઓ અને કરદાતાઓ વચ્ચેનું અંતર પણ નાના શહેરોમાં ઓછુ હોય છે કારણ કે કોઈપણ તકલીફ કરદાતાઓને પડે તો તે ત્વરીત અધિકારીઓ સાથે મળી તેમની સમસ્યાનું નિવારણ કરી લેતા હોય છે.

જયારે મોટા શહેરોની વાત કરવામાં આવે તો અધિકારીઓ અને કરદાતાઓ વચ્ચેનું અંતર ખુબજ વધુ હોય છે જયાં કરદાતાઓ અધિકારીઓ સાથે રૂબરૂ મળી શકતા ન હોવાથી તેમની સમસ્યા યથાવત રહેતી હોય છે અને તેનું કોઈપણ પ્રકારે નિવારણ થઈ શકતું નથી.

પરંતુ રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો કરદાતાઓમાં સમજણ શક્તિ પણ ખૂબજ સારી છે અને રાજકોટમાં ખૂબજ નજીવા જેવા પ્રશ્નો ઓપન હાઉસમાં સામે આવતા હોય છે જેનું ત્વરીત નિવારણ પણ થઈ જતું હોય છે પરંતુ જો અમદાવાદ જેવા મોટા શહેરોની વાત કરવામાં આવે તો ઓપન હાઉસમાં ઢગલાબંધ તકલીફો અને સમસ્યાઓ સામે આવતી હોય છે. જેનું નિવારણ કરવું પણ એટલુ જ અઘરુ અને કપરુ બની જતુ હોય છે અને સમય પણ એટલો જ માંગી લે છે.

અંતમાં તેઓએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જયારે રાજકોટ ખાતે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે ત્યારે કરદાતાઓ પાસેથી નવા સુચનો પણ સામે આવતા હોય છે જેનાથી આવકવેરા વિભાગને તેનો પૂર્ણત: ફાયદો પણ થતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.