Abtak Media Google News

સોશિયલ મીડિયા ઉપર સાયબર સેલ, આઈટી નિષ્ણાંત અને ચૂંટણીપંચની બાજ નજર પરંતુ વોટ્સએપ માટે કોઈપણ ગાઈડ લાઈન નહીં

લોકસભા ૨૦૧૯ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે સૌપ્રથમ વખત સોશીયલ મીડિયા પર પણ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે ત્યારે ચૂંટણીના ઉમેદવારોએ કરેલી નાની એવી ભુલ પણ તેમની ઉમેદવારી રદ્દ કરાવી શકે છે. સોશીયલ મીડિયા ઉપર આ વર્ષે ચૂંટણીપંચની બાજ નજર રહેશે.

૧૧મી એપ્રીલથી શરૂ થનાર ચૂંટણીને લઈ રાજકીય પક્ષોને સોશીયલ મીડિયાને લઈ કેટલીક ગાઈડ લાઈન આપવામાં આવી છે. જેના ભાગરૂપે તમામ ઉમેદવારોએ સોશીયલ મીડિયા ઉપર ફેસબુક, ટ્વીટર અને યુ-ટયુબ ઉપર જો એકાઉન્ટ હોય તો તેમની માહિતી વ્યવસ્થિત પુરવાની રહેશે. ઉમેદવારી પદ નોંધાવતી વખતે પણ તેમને સોશીયલ મીડિયા એકાઉન્ટની વિગતો આપવાની રહેશે.

ડિજીટલ માધ્યમો ઉપરની કોઈપણ રાજનૈતિક જાહેરાતો પ્રિ-સર્ટીફાઈડ કરવામાં આવશે. સૌપ્રથમ વખત ચૂંટણીપંચે રાજનૈતિક, જાહેરાતો, પોસ્ટ અથવા તો મેસેજ અંગે ઓટોમેટીક વેરીફીકેશન મોનીટરીંગ સીસ્ટમ માટે ડિજીટલ માધ્યમોને કડક સુચના આપી છે. ઉમેદવારોએ સોશીયલ મીડિયા ઉપર કરેલી જાહેરાત અને ઈલેકશનને લગતા કોઈપણ કાર્યક્રમની તમામ વિગતો અને તેના ખર્ચની નોંધ કરાવવાની રહેશે.

રાજનૈતિક પક્ષોને કડક સુચના આપવામાં આવી છે કે તેઓ કેમ્પેઈન કરવાના હેતુથી સંરક્ષણ અધિકારીઓ કે પછી આર્મીના ફોટા, વીડિયો કે કોઈપણ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરી શકશે નહીં. સોશીયલ મીડિયા માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કડક પગલા લેવાશે અને ફરિયાદ પણ નોંધવામાં આવશે જેના માટે ચૂંટણી કમિશન દ્વારા ગ્રીવેન્સ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે.

સોશીયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની બિભત્સ ટીપ્પણી, ફેક ન્યુઝ અને અફવાઓ ફેલાવનારાઓનું આવી બનશે અને ફેસબુક, ગુગલ, ટ્વીટર અને યુ-ટયુબ તેની સામે કડક પગલા લેશે. સોશીયલ મીડિયાની તમામ ગતિવિધિઓનું મોનીટરીંગ આઈટી નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત સાયબર સેલ અને ચૂંટણીપંચ પણ તેનો સહકાર આપશે. જો કે, સોશીયલ મીડિયાના માધ્યમો ઉપર ચૂંટણીપંચે ચાંપતી નજર રાખવાનો નિર્ણય લીધો છે પરંતુ ભારતમાં સૌથી પ્રચ્ચલીત અને વધુ ઉપયોગમાં લેવાતું માધ્યમ વોટ્સએપ સોશીયલ મીડિયાના અંકુશોથી બાકાત છે કારણ કે તેને લઈ કોઈપણ પ્રકારની ગાઈડ લાઈન આપવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.