Abtak Media Google News

નશો કરી વાહન ચલાવતા શખ્સો સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ: નાઈટ વિઝન સીસીટીવી કેમેરા, પ્રાઈવેટ સિકયુરીટી અને વાહન પાર્કિંગની વ્યવસ્થા હશે તેઓને જ ઉજવણીના આયોજનની મંજુરી મળશે

૨૦૧૮ને બાય..બાય.. અને ૨૦૧૯ને વેલકમ માટે ૩૧ ડિસેમ્બરની રાત્રે ઠેર-ઠેર યોજાતી ડાન્સ એન્ડ ડીનર પાર્ટી સામે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરી નશાખોરોને ઝડપવા ૭૭ જેટલા બ્રેથએનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવનાર હોવાનું પત્રકાર પરીષદમાં ડી.સી.પી.ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે.

૩૧ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકજામ ન થાય તે અંગેની તકેદારી રાખવા પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે. તમામ આયોજકોને પોલીસ સામે સંકલનથી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સુચનાઓ આપવામાં આવી છે.

આયોજન સ્થળે ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે દરેક આયોજકોએ જ‚રી પોતાનો સ્ટાફ રાખી પાર્કિંગની અલગ વ્યવસ્થા ઉભી કરવી તથા રસ્તા પર અડચણરૂપ પાર્કિંગ ન કરાવવું. એન્ટ્રી ગેઈટ પાસે આયોજકોએ જરૂરી પ્રાઈવેટ સિકયુરીટી રાખવી. દર વર્ષ કરતા થોડો વધુ સ્ટાફ રાખવો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. એન્ટ્રી ગેટ તથા અંદરના ભાગે અને જયા વાહન પાર્કિંગ હોય ત્યાં તેમજ કાર્યક્રમ સ્થળે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાડવા તેમજ લગાડેલ કેમેરાનું રેકોર્ડીંગનું બેકઅપ સંબંધીત પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને સી.ડી.બનાવી આયોજકોએ આપવાનું રહેશે.

દારૂ પીધેલા ઈસમોને અંદર પ્રવેશ ન આપવો જેની ખાસ કાળજી રાખવી. રાત્રીના ૧૨ વાગ્યે ફરજીયાત બંધ કરવું અને પોલીસને સહકાર આપવો. આયોજકો દ્વારા રાખવામાં આવેલ પ્રાઈવેટ સિકયુરીટીના સ્ટાફ તથા ફરજ પરના પોલીસ સ્ટાફે સંકલનમાં રહી કાયદો અને વ્યવસ્થા જાળવવી. પોલીસ તંત્ર દ્વારા નશાખોરોને પકડવા ૭૭ જેટલા બ્રેથએનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે. રોમીયોગીરી અને છેડતીના કિસ્સા પકડવા સારુ મહિલા પોલીસ દ્વારા ડેકોય ટ્રેપ ગોઠવવામાં આવશે. ૩૧ ડિસેમ્બર ઉજવણી થાય તે માટે પોલીસતંત્ર દ્વારા દરેક આયોજન સ્થળોએ સંપૂર્ણ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્તની પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા રાત્રીના મોડે સુધી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે. જેમાં ગાડીઓમાં બ્લેક ફિલ્મ તેમજ કેફી પ્રવાહી પીએને વાહન ચલાવતા વાહન ચાલકો વિરુઘ્ધ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ બાબતેની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરની ડીસીબી તેમજ એસઓજી બ્રાંચ તથા પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ અંગેનું આયોજન હાથ ધરવામાં આવશે. ફાર્મ હાઉસ તથા કલબ હાઉસ ખાતે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી અંગેનું આયોજન કરવાનું હોય તો પોલીસની પરવાનગી અવશ્ય લેવાની રહેશે અને જો કોઈપણ અનિચ્છનીય બનાવ બનવા પામે તો તેની તમામ જવાબદારી આયોજકની રહેશે તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.