Abtak Media Google News

૬૫ હજારથી વધુ દુકાનો પર સ્ટીકરો લગાવવાની કામગીરી આવતીકાલ સાંજ સુધીમાં પૂર્ણ કરાશે ત્યાં સુધી પ્રોપર્ટી ટેકસનાં નંબર મુજબ દુકાનો ખુલશે: એક નંબરનાં સ્ટીકરનો કલર પીળો અને બે નંબરનાં સ્ટીકરનો કલર બ્લુ રહેશે: ઉદિત અગ્રવાલ જાહેરાત

ગુજરાતમાં આજથી ભારે છુટછાટ સાથે ૧૪ દિવસનાં લોકડાઉન-૪ની અમલીવારી શરૂ થઈ જવા પામી છે. શહેરની મુખ્ય માર્કેટો, શોપીંગ કોમ્પ્લેક્ષ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ઓડ ઈવન મુજબ દુકાનો ખોલવાની જાહેરાત ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે મોડી સાંજે એવી ઘોષણા કરવામાં આવી હતી કે, પ્રોપર્ટી ટેકસનાં નંબર મુજબ એકી અને બેકી તારીખે દુકાનો ખુલશે જેનાથી આજે સવારથી વેપારીઓમાં ભારે અસમંજસની સ્થિતિ ઉભી થવા પામી છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આજે બપોરે પત્રકાર પરીષદમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, રાજકોટમાં ૬૫ હજાર દુકાનો પર ૧ નંબર અને ૨ નંબર એમ સ્ટીકર લગાવવામાં આવશે. જે દુકાન પર એક નંબરનું સ્ટીકર હશે તે ઓડ દિવસે અને જે દુકાન પર બે નંબરનું સ્ટીકર હશે તે ઈવન દિવસે ખુલશે. આજે સાંજથી સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આવતીકાલ સાંજ સુધીમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ જશે. જે દુકાનમાં સ્ટીકરો નહીં લાગ્યા હોય તેને હાલની વ્યવસ્થા મુજબ પ્રોપર્ટી ટેકસનાં નંબર મુજબ દુકાન ખોલવાની રહેશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકારની ગાઈડલાઈન મુજબ ગઈકાલે મહાપાલિકા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ઓડ ઈવન તારીખ મુજબ દુકાનો ખોલી શકાશે. આ માટે નવા પ્રોપર્ટી ટેકસમાં નંબર ધ્યાને લેવામાં આવશે. કેટલાક વેપારીઓ પાસે હજી પ્રોપર્ટી ટેકસ નંબર નથી આ ઉપરાંત મહાપાલિકાનો પ્રોપર્ટી ટેકસમાં અમુક બીલમાં છેલ્લા ત્રણ અંક ૦૦૦ આવતા હોવાનાં કારણે પુરી સમજણ પડતી ન હોવાથી વેપારીઓ સવારથી અસમંજસમાં મુકાઈ ગયા છે જે વાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે તમામ ૬૫ હજાર દુકાનો પર ઓડ ઈવન એટલે કે ૧ અને ૨ નંબરનાં સ્ટીકર લગાવવામાં આવશે. આ કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવશે અને સંભવત: આવતીકાલે સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. સ્ટીકર નહીં લગાવેલ હોય ત્યાં સુધી પ્રોપર્ટી ટેકસનાં નંબર ચાલશે. ઓડ નંબર એટલે કે ૧ નંબરનાં સ્ટીકરનો કલર પીળો જયારે ઈવન નંબર એટલે કે ૨ નંબરનાં સ્ટીકરનો કલર બ્લુ રહેશે. શહેરમાં નોન કન્ટેન્મેન્ટ એરીયામાં સવારે ૮ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જયારે ક્ધટેમેન્ટ એરીયામાં સવારે ૮ થી લઈ બપોરનાં ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. અગાઉ લોકડાઉન ૧, ૨ અને ૩માં જે રીતે જીવનજરૂરીયાતની વસ્તુઓની દુકાન જેવી કે કરિયાણાની દુકાન, દવાની દુકાન, ડેરી ફાર્મ વગેરે લોકડાઉન-૪માં સવારનાં ૭ થી રાતનાં ૭ વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. આ ઉપરાંત પરા વિસ્તારમાં જયાં દુકાનો આવેલી છે તેને ઓડ ઈવન નંબરની ફોર્મ્યુલાની અમલવારી કરવાની રહેશે નહીં તે રોજ પોતાની દુકાન ખુલ્લી રાખી શકશે પરંતુ તેને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતનાં નિયમોની કડક અમલવારી કરવાની રહેશે.

રાજકોટમાં ચાની દુકાનો ખોલવા પર પ્રતિબંધ: મ્યુનિ.કમિશનરની જાહેરાત

લોકડાઉન-૪માં રાજ્ય સરકાર દ્વારા ભારે છુટછાટ આપવામાં આવી છે. કન્ટેન્મેન્ટ એરીયામાં સવારે ૮ થી લઈ બપોરે ૩ વાગ્યા સુધીમાં જ્યારે નોન ક્ધટેઈનમેન્ટ એરીયામાં સવારે ૮ થી ૪ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની છુટછાટ આપવામાં આવી છે. આજે સવારે નવા નિયમ સાથે લોકડાઉન-૪ શરૂ થતાંની સાથે જ જાણે ૫૭ દિવસે આઝાદી મળી હોય તેમ લોકો મોટી સંખ્યામાં નિકળી પડ્યા હતા. દરમિયાન આજે બપોરે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, આગામી ૩૧મી મે સુધી રાજકોટમાં એક પણ ચાની દુકાન ખુલ્લી રાખવામાં આવશે નહીં. સાથો સાથ પાનના ગલ્લે પણ લોકોને પાન ખાવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. માત્ર પાન કે મસાલો લઈ દુકાન પરથી નિકળી જવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.