Abtak Media Google News

ક્રિમીલેયરની મર્યાદામાં વધારો થતા વધુને વધુ લોકો આરક્ષણનો લાભ લઈ શકશે

સરકારે ઓબીસી આરક્ષણ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. આરક્ષણમાં ક્રિમી લેયરની મર્યાદા ૬ લાખથી વધારીને ૮ લાખ કરવામાં આવી છે. પરિણામે દર વર્ષે મોટી સંખ્યામાં ખાલી રહેતી આરક્ષીત બેઠકો ભરવામાં હવે સરળતા રહેશે. અનેક પરિવારો ૬ લાખની મર્યાદાના કારણે આરક્ષણનો લાભ લેવાથી વંચિત રહી જતા હતા. જો કે, હવે મર્યાદા ૮ લાખ કરવામાં આવતા વધુને વધુ પરિવારો આ લાભ લઈ શકશે.

ગત વર્ષે ઓબીસી કમીશને ઓબીસી અનામતમાં ક્રિમી લેયરની સીમા ૬ લાખથી વધારીને ૧૫ લાખ કરવાની ભલામણ કરી હતી. આયોગ પ્રમાણે અનામત આપ્યા બાદ બે દશક પછી પણ જોવા મળ્યું છે કે, ૨૭ ટકા અનામતમાંથી ૧૨ થી ૧૫ ટકા જ જગ્યાઓ ભરી શકાય છે. જેની પાછળનું મુખ્ય કારણ વાર્ષિક આવકની ઉંચી મર્યાદા જવાબદાર છે.

આ પહેલા વર્ષ ૨૦૧૩માં ઓબીસી અનામતમાં ક્રિમી લેયરની ૪.૫ લાખ રૂપિયાથી વધારીને ૬ લાખ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે ઓબીસી અનામતમાં ક્રિમી લેયરની સીમા ૬ લાખથી વધારી ૮ લાખ વાર્ષિક કરવાનો નિર્ણય લીધો હતો. જેને રાજય સરકારે અનુસર્યો છે. તા.૧લી સપ્ટેમ્બરથી નવું ઓબીસી ક્રિમી લેયર અમલમાં મુકાઈ જશે તેવી જાહેરાત પણ રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. વર્ષ ૧૯૯૬માં ક્રિમી લેયર માટે આવક મર્યાદા ૧ લાખ નક્કી કરાઈ હતી. એ પછી વર્ષ ૨૦૦૪માં રૂ.૨.૫ લાખ અને ૨૦૦૮માં રૂ.૪ થી ૫ લાખ કરવામાં આવી હતી.

બીજી તરફ સરકાર હવે ટોચ મર્યાદા ૮ લાખ કરી વધુને વધુ જાતી સમુદાયોને ફાયદો આપવાની તૈયારી કરી રહી છે. સરકારે દલીતોને શિષ્યવૃતિ સંબંધી નિયમોમાં પણ સુધારા કર્યા છે. અગાઉ સામાજિક ન્યાય મંત્રાલયે ક્રિમી લેયરની મર્યાદા રૂ.૮ લાખ કરવા મોદી સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકયો હતો. જેને સ્વીકારાયા બાદ ચાલુ મહિને કેબીનેટમાં મુકાયો હોવાનું જાણવા મળે છે. જો કે, રાજય સરકારે આ મામલે ત્વરીત પગલા લીધા છે. ચૂંટણી નજીક છે ત્યારે ઓબીસી મતો અંકે કરવા સરકારે ક્રિમી લેયરમાં વધુને વધુ સમુદાયને આવરી લેવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.