ઓ ભૈયા મેરે રાખી કે બંધનકો નીભાના ઓ ભૈયા મેરે છોટ બહેનકો ના ભૂલાના

એમ કહેતી બેનની રાખડી ભાઈના હાથે માત્ર શોભા માટે નથી હોતી, એ જાણી લેવું જ ઘટે, કારણ કે આજના બદલતા દેશકાળમાં આપણા સમાજની ઘણી બધી પ્રણાલિકાઓનાં મૂલ્યો બદલાઈ ગયાં છે.

રાખડીઓ સોના-રૂપાની હોય, કે હીરા-મોતીની હોય, કે નવા જમાનાની ફેશનની હોય, કે બ્રાહ્મણ-બ્રહ્મદેવ બળેવના તહેવારનાં સ્વરૂપે સુતર ઝરીના ફુમતાની હોય તે બધી ભલે હોય પરંતુ બેન તો તેમના બાંધવો માટે એક સરખી વહાલભીની કે સોના-રૂપીને હીરામોતી જેટલી મોંઘેરી અને મૂલ્યવાન જ હોવાની.

આપણે ત્યાં એવું પણ મનાય છે કે, ‘મા’ન હોય તેના બંધુઓ માટે તો બેન જ માની ગરજ સારે છે, પછી એ શ્રીમંત હોય કે ગરીબ હોય ! બંધુએ બાંધેલી રાખડી જો બારેય મહિના સુધી અક્ષત રહે તો તે સોનાની થઈ જાય, એવી કહેવતને રખે કોઈ નિરર્થક લેખે ! બેન જયારે ભાઈના હાથે રાખડી બાંધે છે ત્યારે સીતા -પાર્વતી અને દ્રૌપદીના ત્રિવિધ ‘સત’ સાથે બાંધે છે. એવું કુન્તી’એ ફલિત કર્યું હતુ. બેનની આંગળીઓ રાખડી બાંધતી વખતે કંકુ, ચોખાના ચાંદલાની મોંમા મીઠપની અને બંને હસ્તે ભાઈને વધાવવાની જે તૈયારી કરી છે તે એમાં સીતા પાર્વતીનાં માતૃત્વભીની રક્ષા અનુબંધિત થાય છે. બારેય મહિના સુધી રાખડી અક્ષત રહે તો સોનાની થઈ જાય એમ કહેવાનો અર્થ ભાઈનું આંગણું સુખસંપતિ અને સંતોષથી લીલુંછમ રહે અને હેતપ્રીતની સુવાસે મહેકતું રહે !

કશી જ અતિષયોકિતના ઉચાટ વિના આપણે એમ કહી શકીએ છીએ કે, આપણા દેશને આદર્શ માતાઓની જેટલી જરૂર છે. એટલી જ આદર્શ પુત્રો-પુત્રીઓની અને આદર્શ ભાઈ બહેનોની જરૂર છે.

રામાયણમાં ‘આદર્શ પરિવાર’નો નિર્દેશ છે. મનુષ્યો બધા જ આદર્શ હોય કે આદર્શ બની રહે તો એ ઉમદા સમાજની ગરજ સારી શકે.

જોકે બાળકો માટે બાળમંદિરો માટે આપણે સમય ફાળવી શકતા નથી એવો ઘાટ અત્યારે આપણે ત્યાં પ્રવર્તે છે.

આપણી શિક્ષણપ્રથા અંગે સૂક્ષ્મરીતે વિચાર્યા વગર આને લગતી આપણી ઉણપોના સારો ખ્યાલ આવવો મુશ્કેલ છે.

રાખડીઓ રક્ષાબંધનનો તહેવાર આદર્શ બેન બંધુઓથી માંડીને આદર્શ શિક્ષણ, આદર્શ ઉચ્ચ કેળવણી, આદર્શ, સામાજીક સમજણ અને જો ‘માં’ ન હોય તો બહેન માની ગરજ સારે જ એવા જ્ઞાનવિજ્ઞાનની, રાષ્ટ્રીય સંસ્કૃતિની રાષ્ટ્રીય સંસ્કારની રાષ્ટ્રીય ચારિત્ર્યની અને વતનપ્રેમની દિશાઓ ખોલી આપે છે.

રક્ષાબંધન-રાખડી બંધનનો તહેવાર આપણા દેશની વર્તમાન સ્થિતિ ગતિ જોતા રાષ્ટ્રીય એકતા અને સામાજીક ઐકયની વિલંબબિતા અનિવાર્યતાની લૂલબત્તી ધરે છે.

મનુભગવાને મનુસ્મૃતિમાં માનવીના જે ચાર વર્ણવ્યા છે તેમાં વિદ્યાના અને સન્મતિના સ્વામિ તરીકે બ્રાહ્મણને પ્રાધાન્ય આપ્યું છે.

આપણા દેશના બ્રાહ્મણો પણ અત્યારની પરિસ્થિતિમાં એમ માનવા પ્રેરાયા છે કે, બ્રાહ્મણત્વ જાગશે તો રાષ્ટ્ર જાગશે!…

આ બધું વિચાર્યા પછી એમ કહી શકાય છે કે, રાખડી રક્ષાબંધનનો તહેવાર આપણા હિન્દુ સમાજ માટે પરાપૂર્વથી ચાલ્યો આવતો મહત્વનો તહેવાર છે.

સાચા દિલથી સાચા હેતપ્રેમથી અને સાચી સમજણ પૂર્વક આપણો આખો સમાજ એ ઉજવે અને એ એકતાના અતૂટ તાંતણે બંધાય તે આપણાસમાજના હિતમાં છે. અને આપણા દેશ માટે એનો વ્યાપ વધે તે જોવાનું હિતાવહ છે.

Loading...