Abtak Media Google News

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં ટોલ ટેકસ ન ભરતા વિરૂઘ્ધ કડક પગલા ભરવા આદેશ

દેશના વિવિધ ટોલનાકા ઉપર વીઆઈપીના નામે રૌફ જાળી ટોલ ટેકસ ન ચુકવવામાં આવતો હોવાનો મુદ્દો ઉચ્ચ સ્તરે ગાજયો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં ટોલ પ્લાઝા પર મુકિત પાત્ર કેટેગરીનો કડક અમલ કરાવવા નકકી કરાયું છે અને નકકી કરાયેલા વાહનો સિવાયના કહેવાતા વીઆઈપી વાહનોને પણ ટોલમાંથી મુકિત ન આપવા સરકારે કડક આદેશ જારી કરતા હવે ટોલ ભરવામાં વીઆઈપી કલ્ચર દુર થશે.

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઈવે ઓથોરીટીને ટોલ ટેકસ વસુલાતમાં નુકસાન જઈ રહ્યું હોય વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી એક બેઠકમાં ટોલ પ્લાઝા પર વીઆઈપીના નામે ટોલ ટેકસ ન ચુકવાતો હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ તકે ઉચ્ચ સ્તરીય કમિટીએ ટોલનાકા પર મુકિતપાત્ર કેટેગરીનો ચુસ્તપણે અમલ કરાવવા નકકી કરી જે વાહનો વીઆઈપીના નામે ટોલ ટેકસ ન ભરતા હોય તેઓ વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે ઓથોરીટીના નિયમ મુજબ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશો, કેન્દ્રીય પ્રધાનો, મુખ્યપ્રધાન, સંરક્ષણના વડાઓ, સાંસદો અને ન્યાયમૂર્તિ સહિતના ૨૫ મહાનુભાવોને ટોલ ટેકસ ભરવામાં મુકિત આપવામાં આવી છે આ ઉપરાંત સંરક્ષણ અને અર્ધલશ્કરી દળોના વાહનો, પોલીસ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, એમ્બ્યુલન્સ અને અંતિમવિધિના વાહનોને ટોલ ટેકસમાંથી મુકિત આપવામાં આવી છે.

પરંતુ હાલમાં દેશના મોટાભાગના ટોલનાકાઓ ઉપર વીઆઈપી કલ્ચરના નામે ખોટી રીતે ઓળખ આપી ટોલ ટેકસ ન ચુકવવામાં આવતો હોવાથી ટોલનાકાના કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટરોએ આ બાબતે હાઈવે ઓથોરીટી સમક્ષ ખોટ જતી હોવાનો મુદ્દો ઉઠાવતા હાઈવે ઓથોરીટી દ્વારા સરકારમાં આ મુદ્દો મુકાયો હતો. જેને પગલે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય કમિટીએ ટોલ મુકિત જાહેર કરાયેલા વાહનોને ખાસ ટેગની ઓળખ આપવા પણ નકકી કરાયું હતું.

વધુમાં આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ગ્રામીણ માર્ગો, હાઉસીંગ સ્કીમ, રેલવે, એરપોર્ટ અને બંદરોની બાબતો અંગે સમીક્ષા કરી હતી અને છેલ્લા ૪ વર્ષમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.