Abtak Media Google News

બીસીસીઆઇએ ત્રણેય રાષ્ટ્રીય પસંદગીકારોની ફી વધારવાની સાથે-સાથે અમ્પાયરો, સ્કોર અને વીડિયો વિશ્લેષકોની ફી પણ બે ગણી કરવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઇની સબા કરીમની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સંચાલન કમિટીએ આ નિર્ણય કર્યો છે. જો કે રણજી ખેલાડી કરતા અમ્પાયરને એક દિવસના પૈસા વધારે મળશે તેની સામે પૂર્વ સચિવ નિરંજન શાહે ટિક્કા કરી છે

નિરંજન શાહે જણાવ્યું છે કે ખેલાડી કરતા અમ્પાયરને પૈસા વધારે આપવાની વાત વધારે પડતી છે ખેલાડીઓને તો હવે સીઝન દીઠ બે મેચ ઓછા રમવા મળે છે ત્યારે તેના પૈસા અમ્પાયર કરતા ઓછા રાખવાનો નિર્ણય વ્યાજબી નથી.

છ વર્ષ બાદ અમ્પાયરો, સ્કોરરો અને વીડિયો વિશ્લેષકોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વધેલી ફી બાદ હવે અમ્પાયરોને પ્રથમ શ્રેણી, ત્રણ દિવસીય અથવા વન ડે મેચ માટે પ્રતિદિન રૂ. ૨૦,૦૦૦ના બદલે રૂ. ૪૦,૦૦૦ મળશે. જ્યારે ટી-૨૦ મેચ માટે રૂ. ૧૦,૦૦૦ના સ્થાને રૂ. ૨૦,૦૦૦ મળશે.

મેચ રેફરીને પ્રથમ શ્રેણી અને વન ડે મેચ માટે રૂ. ૩૦,૦૦૦, જ્યારે ટી-૨૦ મેચ માટે રૂ. ૧૫,૦૦૦ મહેનતાણું ચૂકવાશે. સ્કોરરને હવે રૂ. ૫,૦૦૦ના બદલે પ્રતિદિન રૂ. ૧૦,૦૦૦ મળશે, જ્યારે વીડિયો વિશ્લેષકને લાંબા ફોર્મેટ માટે પ્રતિદિન રૂ. ૧૫,૦૦૦ અને ટી-૨૦ મેચ માટે રૂ. ૭,૫૦૦ની ફી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.