‘પુસ્તકીયુ ભારણ’ ઘટાડવા નવી એજયુકેશન પોલીસી ફાઈનલ !

102

ભાર વગરનું ભણતર કે ભણતર વિનાનો ભાર !

વર્ષ ૧૯૮૬થી ચાલી આવતી જુની શિક્ષણ પઘ્ધતિ રદ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ સરકારનું અહ્મ પગલું

પાઠયક્રમમાં ઘટાડો, સ્થાનિક ભાષાઓ પરનું પ્રભુત્વ અને સ્પોર્ટસ સહિતની ઈત્તર પ્રવૃતિઓ તરફ વધુ ધ્યાન દોરાશે

નવી શિક્ષણ પઘ્ધતિ અંતર્ગત ‘પ્રેકટીકલ જ્ઞાન’ ફરજિયાત થતા વિદ્યાર્થીઓને ‘ગોખણપટ્ટી’માંથી મુકિત મળશે

આજના સમયે શિક્ષણનું મહત્વ તો વઘ્યું છે પરંતુ ભણવું એ વિદ્યાર્થીઓ માટે જાણે એક બોજારૂપ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. હાલ, શાળાઓ કે કોલેજોમાં અભ્યાસક્રમ માત્ર પુસ્તકોમાંથી જ પુરો કરી દેવાય છે. ખરેખર જેની જરૂર છે એવું પ્રેકટીકલ જ્ઞાન વિદ્યાર્થીઓને પીરસાતું જ નથી. ભારતમાં આ જ પ્રકારની શિક્ષણ પઘ્ધતિ વિદ્યાર્થીઓના વિકાસની આડે અવરોધરૂપ બની છે. વિદ્યાર્થીઓને ભણતરનો ભાર લાગી રહ્યો છે ત્યારે આ પઘ્ધતિને નાબુદ કરી ‘ભાર વગરનું ભણતર’ કરવા સરકારે અહમ પગલુ ભર્યું છે અને નવી એજયુકેશન પોલીસી અમલી બનાવવા કમરકસી છે પરંતુ શું આ નવી શિક્ષણ પઘ્ધતિ શૈક્ષણિક ક્ષેત્રે સમતોલન જાળવી શકશે ? શું ખરેખર ભાર વગરનું ભણતર બનશે કે પછી ભણતર વિનાનો ભાર બની જશે.

કોઈપણ દેશ કે રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ તેના બાળકો અને યુવાધન ઉપર આધારિત હોય છે. આ યુવાધનની પ્રગતિ જ દેશની પ્રગતિ છે પરંતુ યુવાધન કયારે પ્રગતિશીલ બની શકે ? જયારે તેમની પાસે ઉચ્ચ શિક્ષણ હોય. આજના સમયે શિક્ષણનું મહત્વ વઘ્યું છે. ભણતરની દેખાદેખી વધી છે. જાણે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ હરિફાઈમાં ઉતર્યા હોય તેમ માત્ર ગોખણપટ્ટીથી જ ભણી રહ્યા છે. શાળાઓમાં પણ ગોખણપટ્ટી જ કરાવાતી હોય તેમ માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ અપાય છે. પુસ્તકનું રટણ કરી વિદ્યાર્થીઓ પાસ પણ થઈ જાય છે પરંતુ જયારે વિદ્યાર્થીઓ માર્કેટમાં આવે ત્યારે તે પાછળ ધકેલાય છે કારણકે તેમને પહેલેથી જ પુસ્તકીયુ જ્ઞાન જ અપાયું છે તેમને પ્રેકટીકલ કોઈ અનુભવ જ નથી.

મોટાભાગની શાળાઓમાં સ્પોર્ટસ કે ઈતર પ્રવૃતિઓ કરાવાતી નથી અને તેમાં પણ લાંબા પાઠયક્રમના કારણે વિદ્યાર્થીઓ પોતે ફ્રી ટાઈમમાં પણ પોતાને મનગમતી પ્રવૃતિઓ કરી શકતા નથી. આ જ કારણસર ભણતર પ્રત્યે અણગમો ફેલાયો છે અને આ ભણતર ભાર સમાન લાગી રહ્યું છે ત્યારે હવે, ૧૯૮૬થી અત્યાર સુધી ચાલતી આવતી શિક્ષણ પઘ્ધતિમાં ઘરખમ ફેરફારો કરી વિદ્યાર્થીઓનો ભાર ઓછો કરવા તેમજ રાષ્ટ્રનું એક મજબુત નિર્માણ કરવા તરફ કેન્દ્ર સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. ધ ન્યુ નેશનલ એજયુકેશન પોલીસી એનઈપીનો ડ્રાફટ તૈયાર થઈ ગયો છે જે આ માસના અંતમાં ૩૧ ઓકટોબર સુધીમાં કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરાવે તેવી શકયતા છે. આ નવી શૈક્ષણિક પઘ્ધતિમાં શાળાનો પાઠયક્રમ ઘટાડવો, ભારતની સ્થાનિક ભાષાઓ પર વિદ્યાર્થીઓની પકડ આવે, વિવિધ રમતો પ્રત્યે રૂચી જાગે અને પુસ્તકીયા જ્ઞાનની સાથે-સાથે પ્રેકટીકલ અનુભવ પણ કેળવે તે પર વિશેષ ભાર મુકાયો છે.

આ ડ્રાફટને ટુંક સમયમાં સંસદમાં રજુ કરાશે પરંતુ તે પહેલા માનવ સંશાધન વિકાસ મંત્રાલય આ ડ્રાફટનું અર્થઘટન કરી તેમાં સુધારા-વધારાની આવશ્યકતા હશે તો તેને પ્રાધાન્ય આપશે. સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ પઘ્ધતિ ૧૯૮૬માં અમલીમાં મુકાઈ હતી ત્યારબાદ ૧૯૯૨માં તેમાં સુધારા-વધારા કરાયા હતા ત્યારથી આજ સુધી વર્તમાન શિક્ષણ પઘ્ધતિ જ અમલમાં છે પરંતુ હવે આગામી ટુંક સમયમાં નવી શિક્ષણ પઘ્ધતિ ઘરખમ સુધારા-વધારાની સાથે અમલમાં મુકાશે.

આ ડ્રાફટ આગામી ૨૦ વર્ષને ધ્યાને રાખી તૈયાર કરાયો છે એટલે કે વર્ષ ૨૦૨૦ થી ૨૦૪૦ સુધી આ નવી શિક્ષણ પઘ્ધતિ જ લાગુ કરવાની સરકારની વિચારણા છે. શિક્ષણ ક્ષેત્રે ધરખમ સુધારા તો થશે પણ આ સુધારા ભણતરને ભાર વગરનું બનાવશે તો તે વિદ્યાર્થીઓ માટે એક હકારાત્મક પરીબળ ગણાશે પરંતુ જો આ નવી પઘ્ધતિ ભણતર વગરનો ભાર ઉભો કરશે તો તેની વિપરીત અસર પણ ઉપજી શકે છે એટલે કે જો આ ડ્રાફટના નિયમો વિદ્યાર્થીઓ માટે જરૂરી ભણતર કે પાઠયક્રમમાં પણ ઘટાડો કરી દેશે તો વિપરીત અસર પણ પડી શકે છે. આમ આ નવી પોલીસી દિશા, દશા કેવી રીતે બદલાવશે ? તે પણ એક મોટો પ્રશ્ર્ન છે.

Loading...