સરદાર સાહેબને અન્યાય કરવામાં નહેરુ – ગાંધી પરિવાર અને કોંગ્રેસે કોઈ કસર છોડી નથી: રાજુભાઈ ધ્રુવ

157
Statue Of Unity
Statue Of Unity

“સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભા ‘ભારત રત્ન’ એવોર્ડ કરતાં ઘણી જ ઊંચી…”

સરદાર પટેલના સૂચનો સ્વીકારાયા હોત તો ભારત યુરોપ, જાપાન અને દ.કોરિયાથી ઘણું આગળ હોત, કાશ્મીર સળગતું ના હોત…”

લોકમાતા નર્મદાના ખોળે ગુજરાતના મહાન સપુતની વિરાટ  પ્રતિમા એટલે સરદારની વિરાટ પ્રતિભાને યથોચિત્ત શ્રધ્ધાંજલિ

દેશના લોખંડી રાજપુરુષ, ગુજરાતના મહાન સપૂત અને દેશને એક તાંતણે બાંધવાનું અનન્ય કાર્ય કરનાર દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટરની, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને સાચા અર્થમાં તેમનું તર્પણ કરવાનું લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું સાકાર થયું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ સમયબદ્ધ રીતે પૂર્ણ કરાવવામાં લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાત-દિવસ એક કર્યા છે. આ રીતે ભારતીય જનતા પક્ષ અને તેના નેતૃત્વે નહેરુ-ગાંધી પરિવાર અને કોંગ્રેસ દ્વારા હંમેશા ઉપેક્ષિત રખાયેલી સરદાર સાહેબની પ્રતિભા અને રાષ્ટ્રસેવાને સાચા અર્થમાં આદર-સન્માન અને યથોચિત્ત શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે તેમ ભાજપ અગ્રણી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ-ઉપાધ્યક્ષ અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા શ્રી રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે. આવતીકાલે ૩૧મી ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૩મી જન્મજયંતીના અવસરે આપણે સહુ એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા જઇ રહ્યા છીએ ત્યારે  આ એક એવો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે જેમાં સરદાર પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને તેવાજ વિરાટ સ્મારક દ્વારા વડાપ્રધાન મોદીજી પોતાના સ્વપ્નરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું રાષ્ટ્રાર્પણ કરવા જી રહ્યા છે.

એક નિવેદનમાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, “મુગલોથી માંડીને બ્રિટિશરો સુધીના વિદેશી આતતાયી શાસકોના પગ તળે હજારો વર્ષની ગુલામી તેમજ અનેક ક્રૂર યાતનાઓ વેઠનાર ભારતની પ્રજાને વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી તરીકે અખંડ ભારતની ભેટ ધરનાર સરદાર પટેલના અતુલ્ય યોગદાનની કોંગ્રેસ પાર્ટી અને તેની તમામ સરકારોએ હંમેશા ઉપેક્ષા જ કરી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય કે સરદાર પટેલ હોય કોંગ્રેસે એક પરિવાર સિવાયના દરેક રાષ્ટ્રભક્તોને અન્યાય કરવાનું મહાપાપ કર્યું છે. જો જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષે સરદાર સાહેબની ઉપેક્ષા, અવગણના અને અવહેલના ન કરી હોત તો આજે ભારતે યુરોપના  દેશો, જાપાન તેમજ દક્ષિણ કોરિયાથી પણ ઘણી વધુ પ્રગતિ કરી હોત અને કાશ્મીરના સળગતા પ્રશ્નનું અસ્તિત્વ જ રહ્યું નહોત. સરદાર પટેલ નહેરુની ઈર્ષ્યા અને રાગદ્વેષભરી નીતિઓનો ભોગ બન્યા હતા અને તેમને ડગલે ને પગલે અપમાન સહન કરવું પડ્યું હતું. દેશના ભાગલા પડ્યા ત્યારે સરદાર પટેલે આગવી સૂઝ-બૂઝ અને રાજકીય કૂનેહ વાપરીને ૫૬૩ રજવાડાંઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને ભારતને મહાન રાષ્ટ્રનો ઘાટ આપ્યો હતો. જો ગાંધીજીએ ન્યાયોચિત રીતે નહેરુના બદલે સરદાર પટેલને વડાપ્રધાન બનવા દીધા હોત તો આજે દેશનો ઇતિહાસ અને રાષ્ટ્રની સુરત જુદાં જ હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી.”

આવા ખરા રાષ્ટ્રનેતાઓને હાંસિયામાં ભુલાવી દેવાના કોંગ્રેસનાં ભયંકર પાપોના પ્રજાકીય પ્રાયશ્ચિત થાય અને રાષ્ટ્રનિર્માણમાં મહાન દેશભકતોના યોગદાન અંગે સમગ્ર વિશ્વને સાચી જાણકારી મળી રહે તે માટે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નક્કર પગલાં લેવાનો જે સંકલ્પ કર્યો તેના પ્રથમ ચરણરૂપે સરદાર પટેલના વિરાટ કાર્યોને ઉજાગર કરતી વિશાળ પ્રતિમા ‘સ્ટેચ્યું ઓફ યુનિટી’ લોકમાતા નર્મદાના ખોળે ઉન્નત સ્વરૂપે શોભી રહી છે. દેશની એકતા,  અખંડિતતાને તોડવા માગતા રાષ્ટ્રવિરોધી તત્વોને એકાત્મ બનીને નિષ્ફળ બનાવવાની પ્રેરણા સહુ દેશવાસીઓને સતત મળતી રહે તેવી ભાવના અને ઉદ્દેશથી જ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ થયું છે.

દેશના ૫૬૩ રજવાડાં અંદરોઅંદર લડી મરતા અને તેને કારણે રોજે રોજ ભયમાં જીવતી પ્રજાને સલામત, સુરક્ષિત અને ખુમારીભરી જિંદગી બક્ષવાનું જે કાર્ય સરદાર સાહેબ કરી શક્યા તેવું બેજોડ, બેનમુન કામ કરી શકવાની કોઈ ક્ષમતા નેહરુ દેખાડી શક્યા નહોતા. નેહરુએ એક જ રાજ્યનો પ્રશ્ન હાથમાં લીધો અને તે ભારત માટે કાયમી શિરદર્દ બની ગયો તેનો ઈતિહાસ સાક્ષી છે. દુનિયાની સૌથી પ્રાચીન સાંસ્કૃતિક એકતા, ભવ્ય ઇતિહાસ અને અનન્ય વિરાસત આજની પેઢીમાં ઉજાગર જ ન થાય અને માત્ર નેહરુ-ગાંધી પરિવારનાં જ ગુણગાન ગવાય તેવો કારસો નેહરુ અને કોંગ્રેસે રચ્યો હતો. માત્ર નેહરુ પરિવારને જ મહત્વ આપીને ગાંધીજી સાથે પણ અન્યાય કરવામાં આવ્યો હતો અને સરદાર સાહેબને સંપૂર્ણપણે ભુલાવી દેવાના ઇરાદાપૂર્વક પ્રયત્ન સાત સાત દાયકાથી કોંગ્રેસે કર્યા છે.

કોંગ્રેસના કહેવાથી જ તેના મળતિયા એવા કેટલાંક ઇતિહાસકારોએ રજવાડાઓના વિલિનીકરણ વખતે સરદારે લીધેલા કડક પગલાઓને તે રાજ્યોના સ્વનિર્ણયના હક્કની વિરુદ્ઘ ગણાવી તેને વખોડ્યા હતા. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ બાદ શાળાઓમાં જે ઈતિહાસ ભણાવવાનું શરૂ થયું તેમાં પણ માત્ર નહેરુ અને તેમના પરિવારનાં જ ગુણગાન વધુ ગવાય, એક જ પરિવાર માટે નવી પેઢીને અહોભાવ જાગે અને ભારતના સાચા ઈતિહાસ તેમજ સ્વાતંત્ર્ય ચળવળમાં ખરા અર્થમાં લોહી વહાવનાર રાષ્ટ્રવીરોની અત્યંત પ્રેરક અને રાષ્ટ્રભક્તિ સભર ગાથાઓની જાણકારીથી નવી પેઢી વંચિત રહે તેવી અનેક પેરવીઓ નહેરુ-ગાંધી પરિવાર અને કોંગ્રેસે કરી છે અને એટલે જ સરદાર સાહેબની વિરાટ પ્રતિમા ઊભી કરવાના મોદીજીના કાર્યની કોંગ્રેસ અને તેના મળતીયાઓ મનફાવે તેવી ટીકા કરી રહ્યા છે.”

“પરંતુ, સૂરજ છાબડે ઢાંક્યો ઢંકાતો નથી. અખંડ રાષ્ટ્રના સર્જન માટે સરદાર સાહેબનું પ્રદાન આખરે પ્રજા સમક્ષ સૂર્યપ્રકાશની માફક ઉજાગર થયું તેથી કોંગ્રેસ અને તેના મળતિયા એવા દંભી બિન-સાંપ્રદાયિક તત્વોના પેટમાં તેલ રેડાયું છે અને એટલે જ  મોદીજી અને ભાજપની ટીકા કરી રહ્યા છે. સરદારને હિંદુ મુસ્લિમના સબંધો વિષે નિખાલસતાથી બોલવા તેમજ ભારતનું એકીકરણ કરતી વખતે સૈન્યબળ વાપરવા માટે ઘણા ભારતીયોએ બિરદાવ્યા હતા. તેમના પ્રખર નેતૃત્વ, વ્યવહાર-પટુતા  દીર્ઘદ્રષ્ટિભરી કાબેલીયત એટલી પ્રખર હતી કે, સ્વતંત્રતા સંગ્રામમાં આર્કિબાલ્ડ વૅવેલ, ક્રિપ્સ, પૅથીક લૉરેન્સ તથા માઉન્ટબેટન જેવા સરદારના વિરોધીઓએ પણ તેમને વખાણ્યા હતાં અને ખેલદિલી દાખવી હતી. આવી ખેલદિલી નેહરુ, ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ દાખવી શક્યા નહિ કેમકે, સરદારની પ્રતિભાથી તેઓ અત્યંત જલતા હતાં. ઘણા ઇતિહાસકારો તેમજ તેમના પ્રશંસકો જેમકે, રાજેન્દ્ર પ્રસાદ તેમજ ઉદ્યોગપતિ જે. આર. ડી. તાતાએ એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, સરદાર ભારત માટે નહેરુ કરતાં વધુ સારા વડાપ્રધાન સાબિત થયા હોત. નહેરુના ટીકાકારો તેમજ સરદારના પ્રશંસકો નહેરુ દ્વારા કાશ્મીર અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તેમજ ગોવાના સૈન્યબળ દ્વારા વિલિનીકરણને લગતી સરદારની ભલામણો નહેરુએ બહુ મોડેથી સ્વીકાર્યાના દાખલા આપે છે. મુક્ત-વ્યાપારની ભલામણ કરવાવાળાઓ નહેરુની સમાજવાદી નીતિઓની ઓછપ સામે સરદારની માલિકીય હક્કની તરફેણ તેમજ અમુલ સહકારી યોજનાને સરદારે આપેલી દોરવણીનો ઉલ્લેખ કરે છે એ હકીકતો ઇતિહાસના પાનાઓ પર સુવર્ણાક્ષરે નોંધાયેલી છે.”

શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, “સરદાર સાહેબે દેશના લોકોને ગાંધીજી સાથે જોડ્યા, આઝાદીના આંદોલન સાથે જોડ્યા, કિસાનોને સત્યાગ્રહ સાથે જોડ્યા અને સ્વરાજયથી પ્રસાશનતંત્રને સુરાજ્યની સ્થાપના માટે સુશાસન સાથે જોડવાનું અભિયાન ઉપાડ્યું હતું. આવા સરદાર સાહેબ પ્રત્યે આદર પ્રદર્શિત કરવા અને આવનારી અનેક પેઢીઓને સરદારના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મળતી રહે તે હેતુથી નરેન્દ્રભાઈ મોદીજીએ સરદારશ્રીનું અજોડ સ્મારક બનાવવાનો દઢ સંકલ્પ કર્યો હતો જે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. એક અને  અખંડ ભારતના શિલ્પકાર  સરદાર સાહેબના મહાન કાર્ય અને ઇતિહાસને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરવા મોદીજીએ ૨૦૧૩માં  વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનો શિલાન્યાસ કર્યો એટલું જ નહીં, હરેક પ્રદેશના લોકોનું ભાવનાત્મક જોડાણ સરદાર સાહેબ સાથે સાધ્યું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એ  ‘રાઈટ જોબ ફોર રાઈટ ટાઈમ’ કહી શકાય તેવું અનન્ય કાર્ય છે.”

સરદાર સાહેબની આવી ભવ્ય પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે કેટલાક ઐતિહાસિક તથ્યો ભારતીય નાગરિકોએ જાણવા જોઈએ. સૌ પ્રથમ તો સરદારની આગેવાનીમાં સુગઠિત થયેલા આજના અખંડ ભારત જેવડું ભારત પૂર્વે ક્યારેય એક છત્ર નીચે ન હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, મહાન અશોક કે અન્ય કોઈપણ શાસકના રાજ્યો વિસ્તારની દ્રષ્ટિએ આજના ભારત કરતાં નાના જ હતા. તેના સીમાડા પૂર્વ-પશ્ચિમે ગમે તેટલા વિસ્તાર્યા હોય પણ હાલના ભારતનો દરેક પ્રદેશ તેમાં સમાવિષ્ટ થતો ના હતો. ઘણા લોકો સરદાર સાહેબને ભારતના બિસ્માર્ક એવી ઉપમા આપે છે પરંતુ, તે યોગ્ય નથી. બિસ્માર્કે ફક્ત વિવિધ જર્મનભાષી રાજયોનું એકત્રીકરણ કરીને જર્મન સામ્રાજ્યની રચના કરેલી. જ્યારે સરદાર સાહેબે તો વિવિધ ધર્મ, રંગ, ભાષા, પરંપરાઓ ધરાવતી પ્રજાઓ અને અનેકવિધ માનસિકતા ધરાવનાર રાજા-રજવાડાઓના ૫૬૩ રાજ્યોને એક સૂત્રે બાંધીને બિસ્માર્ક કરતાં અનેકગણું મોટું, અત્યંત કઠીન અને લગભગ અશક્ય કાર્ય કરી બતાવ્યું હતું.

દેશમાં નહેરુથી માંડીને મનમોહનસિંઘ સુધીની તમામ કોંગ્રેસી સરકારોએ આપણા આવા મહાન સરદારને સતત ઉપેક્ષ્યા છે. જોકે, એક જ પરિવારની ગુલામી કરનાર કોંગ્રેસ પક્ષ પાસેથી બીજી અપેક્ષા રાખવી પણ વ્યર્થ છે. ભારતીય જનતા પાર્ટી સદૈવ સાચા રાજપુરુષોનું સન્માન કરવામાં આગળ રહી છે. જાણકારોને ખ્યાલ જ હશે કે સરદાર પટેલને ભારત-રત્ન વડે સન્માનિત કરવાનો સૌપ્રથમ આગ્રહપૂર્વકનો પ્રયત્ન અટલ બિહારી બાજપાઈજીએ જ કરેલો અને તત્કાલિન વડાપ્રધાન ચંદ્રશેખરે અટલજીના આગ્રહને માન આપીને સરદાર સાહેબને મરણોત્તર ‘ભારતરત્ન’ ખિતાબ અર્પણ કર્યો હતો. આજે કેટલાક વાંકદેખા લોકો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણમાં નાણાના બગાડની વાતો કરે છે પરંતુ, તેઓ ભૂલી જાય છે કે, જો સરદાર ન હોત તો આઝાદી બાદ દેશ આંતરવિગ્રહની આગમાં રાખ થઈ ગયો હોત. આજે એ કહેવામાં પણ કોઈ સંકોચ નથી કે, ગાંધીજીની ભૂલોને અટકાવવાની હિંમત રાખનાર એકમાત્ર સરદારના સમર્પણ અને રાષ્ટ્રનિર્માણમાં તેઓના મહાન પ્રદાનની સામે આ વિરાટ સ્મારક પણ કદાચ વામન જ ગણાય.

“સરદાર સાહેબે દેશને જોડવાનું કામ કર્યું છે જેને હવે કોઈ તોડી નહીં શકે. જો સરદાર સાહેબ ન હોત તો આજે ભારત નો નકશો જુદો હોત. ગુજરાતના એક અનોખા સપુતને ગૌરવ અપાવવા માટે, ગુજરાતના બીજા એક પનોતા પુત્રનાં મનોરથ અને આગેવાનીમાં સાકાર થયેલું આ ભગીરથ અભિયાન ગુજરાત માટે બેવડા ગૌરવ અને તમામ દેશવાસીઓ માટે અત્યંત ખૂશીની બાબત છે. માત્ર ગુજરાત જ નહીં પશ્ચિમ ભારતના મહત્વના પ્રવાસન સ્થળો તરીકે વિકસવા જઈ રહેલું ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિશ્વફલક પર સરદાર, નર્મદા અને ગુજરાતને ઓળખ અપાવશે. આ પ્રોજેક્ટને કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે. આજુબાજુના વિસ્તારોમાં મોટાપાયે રોજગારીની અનેકવિધ નવી તકો ઊભી થશે. સ્થાનિકોનું જીવનધોરણ ઊંચુ આવશે.”

ભારત એકતા અને એકાત્મતાની અનન્ય ભાવનાવાળું રાષ્ટ્ર બની રહે એ માટેના દ્રઢ આગ્રહી,  ‛અખંડભારત’ના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબનો મજબૂત લોકશાહી રાષ્ટ્ર ભારતના સર્જનમાં સિંહફાળો છે. એમનું આ યોગદાન આવનારી પેઢીઓ જાણે, સમજે અને પ્રેરણા પામે તેવા હેતુથી આકાર પામેલો મોદીજીનો આ ‘ડ્રીમ પ્રોજેક્ટ’ ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એ સરદાર સાહેબને અપાયેલી યથોચિત, અવિસ્મરણીય અને અભૂતપૂર્વ શ્રદ્ધાંજલિ સમાન બની રહેશે તેમ શ્રી રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું છે.

Loading...