કોરોના પછી મંદીની મહામારીમાંથી નીકળવા લોકોની ખરીદશક્તિ વધારવી તા’તી જરૂર

108

કપરી પરિસ્થિતિમાં એક સાથે અનેક આર્થિક મોરચે લડવાની સરકારની તૈયારી: કોરોના વાયરસના કારણે ડામાડોળ અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપવા પ્રયત્નો થશે

કોરોનાની મહામારી બાદ ભારતીય અર્થતંત્રને મંદી સામે ઝઝુમવું પડે તેવી ભીતિ છે. વર્તમાન સમયે ૨૧ દિવસના લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ છે. આવા સંજોગોમાં બજારમાં તરલતા જળવાય તેની તાતી જરૂર ઉભી થઈ છે. પરિણામે નાણા મંત્રાલય દ્વારા લોકોની ખરીદ શક્તિ વધારવાના કેટલાક પ્રયાસો વધુ તેજ બનાવવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા સરકારે લોકો વધુને વધુ ખર્ચ કરે તે માટે કેટલીક  તૈયારીઓ કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હવે લોકો ખર્ચ વધુ કરે તે માટે પ્લાન ઘડી રહ્યાં છે.

કોરોનાના કહેર વચ્ચે સરકારે વ્યાજદર ઘટાડી દીધા છે. છતાં પણ કોઈ લોન લેવા તૈયાર ન હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ફાયનાન્સીયલ સેકટરની હાલત કફોડી બની ગઈ છે. ફિશ્કલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એકટ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રાષ્ટ્રીય આપાતકાલની સ્થિતિમાં જ પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. હવે વ્યાજદર ઘટી ગયા છે. આવા સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રાઈમરી અથવા સેક્ધડરી માર્કેટમાંથી લોનના નિયમો હળવા કરવાની તૈયારી કરી છે. બજારમાં નાણાની તરલતા જળવાઈ રહે તે માટે રિઝર્વ બેંકનો આ પ્રયાસ લાંબાગાળે ફાયદાકારક નિવડી શકે છે.

હાલ દેશમાં જરૂરીયાતની વસ્તુઓ સીવાય અન્ય પ્રોડકટનું ઉત્પાદન થઈ રહ્યું નથી. પરિણામે આયાત-નિકાસ સદંતર બંધ છે. ભારતની સાથે વ્યાપાર સંધીમાં જોડાયેલા અન્ય દેશોને પણ કોરોનાના કારણે મરણતોલ આર્થિક ફટકો પડ્યો છે. આવા સંજોગોમાં ભારત સૌથી યુવા દેશ તો છે જ પરંતુ ભારતના યુવાનો સરકાર માટે એસેટની સાથો સાથ લાયબીલીટી પણ ગણી શકાય છે. આર્થિક ફટકા વચ્ચે યુવાનોને રોજગારી આપવી સરકાર માટે મોટો પડકાર છે. જો યુવાનોને સમયસર રોજગારી નહીં મળે તો દેશની સોશીયો ઈકો સીસ્ટમ ખોરવાઈ શકે છે. કોરોના વાયરસનો ખતરો ઓસરી ગયા બાદ પણ આર્થિક મહામારી થઈ શકે છે. દેશમાં લુંટફાટની ઘટનાઓ ઘટી શકે છે. આવા સંજોગોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અત્યારથી જ બજારમાં નાણાની તરલતા જળવાઈ રહે તેવા પ્રયત્નો કર્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લોકડાઉન દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત સેકટર ઉપર નજર રાખવામાં આવી રહી છે. કોરોનાના કારણે લોકડાઉન વચ્ચે સેવા ક્ષેત્ર, ઉડ્ડયન ક્ષેત્ર, પ્રોડકશન સેકટર સહિતનાને ગંભીર અસર પડી છે. આ અસરના કારણે અનેક લોગોની રોજગારી છીનવાઈ શકે છે. આગામી સમયમાં વધુ લોકો બેરોજગાર ન બને તેની તકેદારી પણ કેન્દ્ર સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારને એક સાથે અનેક મોરચે લડવાની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. દેશનું અર્થતંત્ર રુંધાય નહીં તે જરૂરી છે. લોકોના જીવ બચાવવાના છે. તેની સાથો સાથ બજારને પણ ધમધમતી રાખવાનાનો પડકાર સરકાર સામે આવીને ઉભો રહ્યો છે.

લોકોની ક્રેડિટ વધારવી

બેન્કિંગ સેકટર પ્રારંભીક તબક્કામાં લોકોને વધુમાં વધુ ક્રેડીટ આપશે. ક્રેડીટના કારણે લોકો મંદીના સમયમાં ખરીદી કરી શકશે. વર્તમાન સમયે કોરોના વાયરસના કારણે બજારો બંધ છે. ત્યારબાદ ધીમે ધીમે બજારોમાં ખરીદી ખુલશે. પરંતુ લોકો પાસે રોકડ નહીં હોય. આવી સ્થિતિમાં બેન્કિંગ સેકટર લોકોને ક્રેડીટ આપી વધુને વધુ ખરીદી કરાવશે. જેનાથી બજારની તરલતામાં પડેલો ગેપ પુરવામાં સફળતા મળશે. વર્તમાન અર્થતંત્ર ક્રેડીટ સીસ્ટમ આધારીત છે. જેથી આગામી સમયમાં વધુ ક્રેડીટ આપી બજારને ધમધમતી રાખવામાં આવશે. એપ્રીલ બાદ ક્રેડીટ સેકટરને વધુ બુસ્ટ આપવામાં આવશે.

ઉદ્યોગોના વ્યવહારોમાં તરલતા જાળવી રાખવી

કોરોના મહામારીના કારણે ઉદ્યોગો મંદ પડી ગયા છે. મહામારી બાદ સ્થિતિ અનુકુળ બનશે ત્યારે ઉદ્યોગો માટે લીકવીડીનો પ્રશ્ર્ન સૌથી મોટો હશે. બજારમાં બેન્કિંગ સેકટરના માધ્યમથી વધુને વધુ નાણા ઠાલવવામાં આવશે. ઉદ્યોગ જગતને પણ લીકવીડીનો પ્રશ્ર્ન નડે નહીં તે માટે બેંકો સરળતાથી ધિરાણ કરી શકે તેવા પ્રયત્નો થશે. વર્તમાન સમયે ફિશ્કલ ડિફીશીટના મુદ્દા કરતા ઉદ્યોગોમાં લીકવીડીટી જાળવી રાખવી સરકાર માટે મોટો પ્રશ્ર્ન છે. આરબીઆઈ આ મુદ્દે મહામારી બાદ થનારી અસર અંગે અભ્યાસ કરી રહી છે.

આરોગ્ય પાછળ થતાં ખર્ચમાં બચત

વર્તમાન સમયગાળામાં લોકો મોટા પ્રમાણમાં આરોગ્ય પાછળ ખર્ચો કરી રહ્યાં છે. મંદીનો માહોલ હોવા છતાં આરોગ્ય પાછળનો ખર્ચ તોતીંગ છે. જો લોકો દ્વારા થતો આ ખર્ચ બચાવવામાં આવે તો મહદઅંશે પ્રજા સમૃદ્ધ બની શકે. સરકાર વિવિધ યોજનાઓ થકી લોકોના ખર્ચ બચાવવા માંગે છે. ઈન્સોરન્સ સહિતની વ્યવસ્થાથી લોકોના ખિસ્સામાંથી આરોગ્યના કારણે સરી પડતા નાણાની બચત થઈ

શકે છે. હેલ્થને લગતા સેકટરમાં ભાવ બાંધણુ કરીને પણ સરકાર લોકોનો ખર્ચ ઘટાડી શકે છે. કોરોના વાયરસની મહામારી પૂર્ણ થયા બાદ લોકોનો ખર્ચ ઘટાડવા આરોગ્ય સેકટર મહત્વનું પાસુ બની જશે.

Loading...