જૂનાગઢના બિસ્માર માર્ગોને રિપેર કરવા એનસીપી કાર્યકરો તગારા-પાવડા લઇને નીકળી પડ્યા

“ગુજરાત મોડેલની વાતો કરનાર ભાજપની સરકાર સાવ ખાડે ગઇ છે”: રેશમા પટેલ

ખાડે ગયેલા જૂનાગઢના ખખડધજ રસ્તાઓને રિપેર કરવા ગઇકાલે એનસીપીના કાર્યકરો તગારા પાવડા લઈને રસ્તા રીપેર કરવા નીકળી પડ્યા હતા અને રસ્તા બનાવવામાં નિષ્ફળ ગયેલ ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકા, મેયર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર આક્રોશ સાથે હાય, હાયના નારા લગાવતા એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ સહિતના અગ્રણીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.

ગઇકાલે શુક્રવારે જુનાગઢ ગાંધી ચોક ખાતે એનસીપીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલની આગેવાની હેઠળ એન.સી.પી. શહેર પ્રમુખ રણમલ સિસોદિયા, જિલ્લા પ્રમુખ હરેશ ડોબરીયા સહિતના પાર્ટીના અગ્રણીઓ, કાર્યકરો પાવડા, તગારા લઈને જૂનાગઢના ખાડે ગયેલા રસ્તાઓ રીપેર કરવા માટે નીકળ્યા હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી રસ્તા રીપેર કરવામાં નિષ્ફળ ગયેલ જૂનાગઢ મનપાના મેયર તથા ભાજપના રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી હાય-હાયના નારા લગાવવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે એનસીપીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ સહિતના એનસીપીના હોદ્દેદારો અને કાર્યકરોની અટક કરી હતી.

આ બાબતે રેશમા પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત મોડેલની વાતો કરનાર ભાજપની સરકાર સાવ ખાડે ગઈ છે, જૂનાગઢ સહિત જિલ્લાના ખાડે ગયેલ રસ્તા હોય કે મહામારી કોરોના ને નાથવાની કામગીરી, ક્યાંય ભાજપ સરકાર નક્કર કામગીરી કરી રહી નથી જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે ભાજપના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નિષ્ફળ ગયેલ સરકારની જિમ્મેદારી સમજી, ખુરશી ખાલી કરી, રાજીનામું આપી દેવું જોઇએ, તેવી આ તકે માંગ કરી હતી.

Loading...