Abtak Media Google News

મતદાન જાગૃતિ કેળવવા ચૂંટણી પંચનો નવતર પ્રયોગ: જિલ્લા કલેકટર, ચૂંટણી અધિકારીઓને અપાયા સૂચનો

નવરાત્રિના તહેવારમાં મતદાર જાગૃતિ કેળવવા માટે ચૂંટણી પંચે નવતર પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રિના દરેક આયોજનોમાં આરતી પહેલાં મતદાર જાગૃતિ માટેનો ચૂંટણી ગરબો આરતી થાય તે પહેલાં ગાવામાં આવે તેવું આયોજન કરવા માટે તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારીઓને સુચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવરાત્રિ ઉજવણી સ્થળોએ એનાઉન્સમેન્ટ ઉપરાંત હોર્ડિંગ, બેનર, મતદાર જાગૃતિ ડેસ્ક મુકવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની સુચનાઓ પણ જારી કરવામાં આવી છે.

ગુજરાતના અધિક મુખ્ય ચૂંટણી અધિકારીના પત્રમાં જણાવાયું છે કે, ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને શિક્ષિત કરવા માટે જુદી જુદી પ્રવૃતિ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં નવરાત્રિની શરૂઆત તા. ૨૧ સપ્ટેમ્બરથી થનાર છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાર્ટી પ્લોટ તેમજ પરંપરાગત શેરી ગરબાને મતદાર જાગૃતિના માધ્યમ સાથે સાંકળી લઈ બહોળા જનસમુદાય સુધી મતદાર કેળવણીના પ્રયોગ થાય તેવા પ્રયાસો થાય તે જરૂરી છે.

શહેરી વિસ્તારોમાં પાર્ટી પ્લોટમાં દરેક સ્થળે હોર્ડિંગ, બેનર મુકવા. વધુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય તેવા સ્થળોએ મતદાર જાગૃતિ ડેસ્ક મુકવું. લેપટોપ અથવા કોમ્પ્યુટર સિસ્ટમ મુકી મતદાર નોંધણી, સુધારા વધારા અને કમી કરાવવા અંગેના ફોર્મ ઉપલબ્ધ રાખવા અને બૂથ લેવલ ઓફિસર અથવા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા કર્મચારીની નિયુક્તિ કરવી. આ ઉપરાંત એનાઉન્સમેન્ટ, ચૂંટણી ગીતો પણ સતત પ્રસારિત થાય તેવું આયોજન કરવું. મુખ્ય સ્ટેજ પરથી ચૂંટણી ગરબા અંગે બે-ત્રણ વખત અનાઉન્સમેન્ટ થાય તેવું આયોજન પણ કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.