Abtak Media Google News

કાલે હનુમાન જયંતિ: ભકતો ઘેર બેઠા કરશે કેસરી નંદનનું પૂજન

મંદિરોમાં ઉજવણી મુલત્વી: માત્ર પુજારી કરશે પૂજા-આરતી: બટુક ભોજન, મહાપ્રસાદ, ધુન-ભજન સહિતનાં તમામ ધાર્મિક કાર્યક્રમો રદ: કોરોના નામના રોગમાંથી ઉગારી વિશ્ર્વ કલ્યાણ કરવા ભાવિકો કરશે અંજની પુત્રને પ્રાર્થના

વિક્રમ શક સવંત મુજબ ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. આ પાવન મંગલમય દિવસે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવ પોતાના વાસ્તવિક રૂપમાં ભગવાન શ્રી રામની સેવા નહોતા કરી શકતા એટલા માટે ભગવાન શિવે મનુષ્ય સ્વરૂપ ધારણ કરી પોતાના ૧૧માં રૂદ્રના અવતારમાં હનુમાન મહારાજ બનીને જન્મ લીધો હતો. કહેવાય છે કે હનુમાનજી પોતાના ભકતોની પ્રાર્થના જલ્દી સાંભળે છે.

તેમના સ્મરણ માત્રથી સર્વે કષ્ટો દુર થાય છે. પ્રવર્તમાન સમયમાં ભકતો બળ અને બુદ્ધિની પ્રાપ્તી માટે મંગળવાર અને શનિવારે યથાશકિત પ્રમાણે બજરંગબલીનું પુજન-  અર્ચન કરે છે. વિશેષ કૃપા પ્રાપ્ત કરવા ભકતો હનુમાન જયંતિની વિશિષ્ટ રીતે ઉજવણી કરી મહાવીરને પ્રસન્ન કરે છે.

પ્રવર્તમાન સંજોગોમાં કોરોના વાયરસની મહામારી સામે સમગ્ર વિશ્ર્વ ઝઝુમી રહ્યું છે ત્યારે આવતીકાલે તા.૮ એપ્રિલને બુધવારના રોજ હનુમાન જયંતિની તમામ ઉજવણીઓ મુલત્વી રાખવામાં આવી છે. લોકડાઉનને પગલે મંદિરોને પણ તાળા લાગ્યા છે ત્યારે લોકો આ વર્ષે પોતાના ઘરે જ હનુમાન જયંતિની ઉજવણી કરશે. હનુમાન ભકતો કોરોનારૂપી રોગમાંથી મુકિત મેળવવા મહાબલીની વિશેષ પુજા-આરતી કરશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને ભારત વર્ષના હનુમાન મંદિરોએ કોઈપણ જાતની ઉજવણી નહીં થાય માત્ર પુજારી દ્વારા જ પુજન આરતી કરવામાં આવશે. ભકતોની ભકિતનો દીવો અખંડ રાખવા કેટલાક સ્થળોએથી હનુમાન મંદિરના લાઈવ દર્શન ટીવી ચેનલોના માધ્યમોથી કરી શકાશે.

Mantr

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.