નર્મદામાં પુરતા નીર, ઉનાળામાં પાણીની તકલીફ નહીં પડે: નીતિન પટેલ

77

ઉનાળામાં લોકોને પુરતું પાણી મળી રહે તે માટે રાજય સરકાર અત્યારથી જ આયોજન કરી રહ્યું છે: નાયબ મુખ્યમંત્રી

ગત વર્ષે ઉનાળાની સીઝન પૂર્વે જ ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમમાં પાણીનું લેવલ ઘટી જવાના કારણે રાજયભરમાં પાણીની ભારે હાડમારી ઉભી થવા પામી હતી. જોકે કેન્દ્ર સરકાર ડેડ વોટર ઉપાડવાની મંજુરી આપતા ઉનાળો શાંતીથી પસાર થઈ ગયો હતો. આ વર્ષે ચોમાસાની સીઝનમાં અપુરતો વરસાદ પડયો છે ત્યારે ઉનાળામાં પાણીની મોકાણ સર્જાશે તેવી દહેશત લોકોમાં વ્યાપી જવા પામી છે. દરમિયાન આજે વડોદરા ખાતે એક કાર્યક્રમમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં પુરતુ પાણી ઉપલબ્ધ છે. ઉનાળામાં રાજયવાસીઓને પાણીની રતીભરની પણ તકલીફ નહીં પડે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ઉનાળાના દિવસોમાં રાજયના તમામ મહાનગરો, તાલુકાઓ, ગામડાઓને નર્મદાના પાણી આપવામાં આવે છે તેઓને જરૂરીયાત મુજબ પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાજય સરકાર દ્વારા અત્યારથી જ ગોઠવી દેવામાં આવી છે. આટલું જ નહીં સરદાર સરોવર ડેમમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે પાણીની કોઈ હાડમારી સર્જાશે નહીં.

Loading...