નાત-જાતનો ભેદ મટી સમરસતા સર્જાય ત્યારે સાચો રાસોત્સવ કહેવાય: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

138

મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા સમૂહ રાસની રમઝટના વચ્ચે એસજીવીપી ગુરુકુલમાં ઉજવાયેલો દિવ્ય શરદોત્સવ

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસવીપી ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પાંચ હજાર ઉપરાંત ભાવિકોની હાજરીમાં ઠાકોરજીની ચાર આરતિ સાથે શરદપૂર્ણિમા મહોત્સવ આનંદ સાથે ઉજવાયો હતો

આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, રાસનો અર્થ થાય છે સમરસતા. ભગવાનનો રસ સર્વત્ર સમાનભાવે વર્ષે છે. રાસમાં વાજિંત્રો અલગ છે, લય સમાન છે. કંઠ અલગ છે, સૂર સમાન છે. પગ અલગ છે, તાલ સમાન છે. હાથ હજારો છે, પણ તાલી એક છે.

સમાજ કે ધર્મના ક્ષેત્રમાં વૈવિદ્ય ભલે હોય, પરંતુ એમાં લયબદ્ધતા હશે, સમાન સૂર હશે, તાલી અને તાલ એક હશે તો રસ પ્રગટશે, આનંદ અને ઉલ્લાસ પ્રગટશે.

સંપ્રદાયોની વૈવિધ્યતામાં સંવાદીતતાના સૂર પ્રગટે તો સમાજમાં આનંદ અને ઉલ્લાસની વર્ષા થાય. સમાજમાં નાત-જાતના ભેદ મટી જાય, સમરસતા સર્જાય ત્યારે સાચો રાસોત્સવ કહેવાય.

આ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે તો અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન છે. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે એકલા પધારતા નથી પણ મુક્તો સાથે પધારે છે. સહજાનંદ સ્વામી સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા.

અંતમાં મેમનગર ગુરુકુલના ખેલૈયાઓએ મણિયારો રાસ લીધો ત્યારે હજારો હરિભકતોએ તાલિઓના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું. અંતમાં દર્શનાર્થી હરિભકતોને પૌવાનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શરદોત્સવ માણવા વી.એસ. ગઢવી, ઢોલરીયા, ગગજીભાઈ સુતરિયા (પ્રમુખ, સરદારધામ), વિપુલભાઈ ગજેરા (ટ્રસ્ટી), ગોપાલભાઈ દવે, જગદીશભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...