Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણી સુધી નાગરિકોને ભાજપ કોંગ્રેસની યાત્રાના માધ્યમથી સરકારની સિધ્ધીઓ અને નિષ્ફળતાની જાણકારી મળતી રહેશે

વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજનેતાઓની ગુજરાત યાત્રાની મોસમ પુરબહારમાં ખીલી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૨૨મીએ દ્વારકાથી ઉત્તર ગુજરાત સુધીની ચાર દિવસની યાત્રા કરવા જઈ રહ્યાં છે. તો બીજી તરફ ભાજપ સરકારે ઓગષ્ટમાં યોજાનારી પરંતુ આકસ્મિક કારણોસર પડતી મુકેલી નર્મદા યાત્રાનો ગઈકાલથી સુરેન્દ્રનગર ખાતેથી પ્રારંભ કરાવી દીધો છે. નર્મદા યાત્રાઓની આગેવાની મંત્રી મંડળના સભ્યો ઉપરાંત ભાજપના હોદ્દેદારો લઈ રહ્યાં છે. આ યાત્રાનું સમાપન ૧૭મીએ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સાથે થશે. ત્યારે ભાજપ ઓકટોમ્બરમાં વધુ બે યાત્રા યોજશે.

વિધાનસભાની ચૂંટણી સુધી રાજ્યના નાગરિકોને ભાજપ-કોંગ્રેસની યાત્રાઓ દ્વારા સરકારની સિદ્ધિઓ અને સરકારની નિષ્ફળતાઓની જાણકારી મળતી રહેશે. જોકે, યાત્રાઓ યોજવામાં ભાજપની સારી એવી પકડ છે પરંતુ કોંગ્રેસે પણ ૨૦૧૭ની ચૂંટણી જીતવા- મતદારો સુધી પહોંચવા માટે યાત્રાનો આશરો લેવો પડ્યો છે.

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ૧થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ભાજપની વિચારધારા અને ગુજરાતની વિકાસયાત્રાની થીમ પર બે મુખ્ય યાત્રા યોજાશે. આ યાત્રાના રૂટમાં વિધાનસભાની ૧૮૨ બેઠકોને આવરી લેવાશે. યાત્રામાં મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળના સભ્યો ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કમલમ્ ખાતે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૭મીએ ડભોઈ ખાતે નર્મદા ડેમનું લોકાર્પણ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ૧૦મી સપ્ટેમ્બરની ગુજરાતની મુલાકાત અને ટાઉનહોલ કાર્યક્રમ સહિતના જુદા જુદા કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.

ભાજપે વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યમાં બુધવારથી નર્મદા યાત્રાનો પ્રારંભ થયો છે, જેનું સમાપન ૧૭મીએ વડાપ્રધાનની સભા સાથે ડભોઈમાં થવાનું છે ત્યારે ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે વધુ બે યાત્રાઓ યોજાશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, આ યાત્રા મુખ્યત્વે ગુજરાતના વિકાસ અને ભાજપની વિચારધારાની થીમ પર યોજાશે. અલબત્ત, યાત્રાના રૂટ અને થીમ વગેરેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. દરમિયાન પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં બુધવારથી શરૂ થયેલી નર્મદા યાત્રામાં ભાજપના કાર્યકરો ક્યા ક્યા જોડાવાના છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, ૧૦મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા મોરચા દ્વારા આયોજિત અડીખમ ગુજરાત યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં ગુજરાતમાં દોઢ લાખથી પણ વધુ યુવાનો સાથે ૨૦૦થી વધુ સ્થળોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ બપોર બાદ પ્રદેશના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખો, જિલ્લા-મહાનગરોના પ્રમુખો અને પ્રભારીઓ સાથે પણ બેઠક યોજશે એમ જણાવી પ્રદેશ પ્રવક્તાએ ઉમેર્યું છે કે, ૧૧ સપ્ટેમ્બરે કમલમ ખાતે યોજાનારા પ્રદેશ કક્ષાના મીડિયા, સોશિયલ મીડિયા અને આઇટી વર્કશોપમાં કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય પ્રધાનો અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. રાજ્યભરમાંથી આશરે ૫૦૦ કાર્યકર્તાઓ આ વર્કશોપમાં હાજર રહીને માર્ગદર્શન મેળવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.