Abtak Media Google News
અનેક કૌભાંડોથી ખદબદતી માંગરોળ નગરપાલિકાના લોલંલોલ વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નગરપાલિકાની વોટર સપ્લાય ઓફીસનું ટી.વી. રીપેરીંગ કરવાના બહાને લઈ ગયા બાદ આઠ માસ સુધી પરત ન કરતા નગરપાલિકાના જ સદસ્ય વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો દાખલ થયો છે. ભાજપના નગરસેવકની અરજી બાદ સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ થયો હતો.
      આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ:- નગરપાલિકાએ વષઁ ૨૦૦૯માં ૧૮,૯૦૦/-ના ખચેઁ ૨૩ ઈંચનું એલ.સી.ડી. ખરીધુ હતું. જે સિરાજ રોડ પર આવેલ પાણીના ટાંકાની કંપાઉન્ડ ઓફીસમાં  રાખવામાં આવ્યું હતું. પરંતુ આ ટી.વી. છેલ્લા કેટલાક સમયથી ગાયબ હોવાનું પાલિકાના ભાજપના સદસ્ય કિશનભાઈ પરમારના ધ્યાને આવ્યું હતું. પ્રજાના પૈસાથી ખરીદવામાં આવેલ આ ટી.વી.નો નગરપાલિકાના જ એક સદસ્ય ઘરે અંગત ઉપયોગ કરતા હોવાની પણ લોકોમાં ચચાઁ ઉઠી હતી. જેના આધારે તેઓએ  તપાસ કરી જવાબદાર સામે ગુનો નોંધવા પોલીસમાં અરજી આપી હતી.
     આ સબંધે પી.એસ.આઈ. નાંણાવટીએ તપાસ હાથ ધરી  વોટર સપ્લાય હાઉસના કમઁચારીનું નિવેદન લીધું હતું. જેમાં આઠ માસ પહેલા નગરપાલિકા સદસ્ય ફારૂક હસન ચુડલી રીપેર કરી પરત મુકી જવાનો વિશ્વાસ આપી ટી.વી લઈ ગયા બાદ પરત મુકી ન ગયા હોવાનું ખુલ્યુ હતું. પોલીસે આઈ.પી.સી. ૪૦૬,૪૨૦ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવા અને મુદામાલ કબ્જે લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.