Abtak Media Google News

આપણા દેશના વર્તમાન રાજકારણની ગતિવિધિઓ આપણી આ માતૃભૂમિનાં ભવિષ્યની અને સવા અબજ નરનારીઓ ભવિષ્યની ઉજજવળ અને સુવર્ણયુગનુ દર્શન કરાવે એવી આશા જન્માવતી નથી.

આ નીચોડ કશાજ પૂર્વગ્રહ વગરનો, પક્ષાપક્ષીના વિવાદ વગરનો અને ભગતસિઘ, ખુદીરામ, સુભાષ બોઝ, ચંદ્રશેખર, પાંડે, ઝાંસીની રાણીથી માંડીને તિલક, મહાત્મા ગાંધી સુધીના અસંખ્ય શહીદોના બલિદાનની પુનિત સાક્ષીએ આજના રાજકીય રંગરાગ અને સત્તાકીય ગતિવિધિઓનાં પૃથકકરણ સાથે આ નીચોડ કાઢવામાં આવ્યો હોવાનો દાવો દેશના ચુનંદા રાજનીતિજ્ઞોએ કર્યો છે!

સંકુચિત અને નિજી સ્વાર્થથી ખરડાયેલી પક્ષાપક્ષીના અનિષ્ટે આજના હિન્દુસ્તાની, હિન્દુત્વની, હિન્દુઓની ઘોર ખોદી છે. અને વધુને વધુ ધનોતપનોતની ચેષ્ટાઓ ચાલુ રાખી છે.

આગામી સ્વાતંત્ર્ય દિને કાશ્મીરમાં આતંકવાદી-અલગતાવાદી પરિબળો અને સૈનિક દળો વચ્ચે ખરાખરીની લડાઈનો જે તખ્તો રચાયો છે. અને શ્રીનગરમાં ૨૮,૦૦૦ સશસ્ત્ર સૈનિકોને રાતોરાત વિમાન દ્વારા તૈનાત કરાયાં છે તે ભારતનાં જ એક અંગ સમા કાશ્મીર માટે અને આખા દેશ માટે અમંગળ એંધાણ સમા બની લાંબા સમયથી આતંકવાદી-ત્રાસવાદી જૂથોએ આપણો દેશનો પીછો પક્ડયો છે. અનેક દમદાટીઓ, ચેતવણીઓ, ધમકીઓ, ઉશ્કેરણીઓ છતાં તેમણે ભારતનાં સત્તાવાળાઓની બેફામ અવગણના કર્યા કરી છે. અને પાકિસ્તાન તરફી અડપલાં કર્યા જ કર્યા છે.
પાકિસ્તાન હવે સારી પેઠે ખોખલું અને નિર્વિર્ય બની ચૂકયું છે. તો પણ પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો અને તેનાં મોટાં માંથાઓ જેમના તેમ રહ્યા છે અને તક મળે કે તેનો સનસનીખેજ લાભ ઉઠાવી રહ્યા છે.

ભારતનાં ગૃહખાતાએ કદાચ પ્રથમ વખત જ આતંકીઓનાં સફાયાની આટલી જંગી તૈયારી કરી છે.

કાશ્મીરને ભારતનું સ્વર્ગ કે નંદનવન માનવામાં આવ્યું છે. અને એને ખેદાનમેદાન કે ‘લોહીલોહાણ’ કરી શકે એવા હિંસક ભડકાની સજજતા હમણા હમણા ખૂલલી થઈ છે.

ભારતનાં રાષ્ટ્રીય પર્વને ટાંકણે જ ત્રાસવાદી જૂથોની હિંસક ભાંગફોડ એવું માનવા પ્રેરે છે કે, આ ત્રાસવાદી જૂથોને કોઈક અજાણ્યા હાથ કાં તો મદદ કરી હ્યા છે. અથવા તો ઉશ્કેરી રહ્યા છે!

આ પ્રકારની લડાઈમાં રણભૂતિ ઉપરાંત વિશ્ર્વસ્તરના રાજદ્વારી સ્વરૂપના સ્તરે રાષ્ટ્ર સંઘના સ્તરે પણ લડવુંજ પડે છે. અને જુદાજુદા રાષ્ટ્રોને પોતાની બાજુએ રાખવાની કૂનેહ બતાવવી પડે છે. આવી લડાઈમાં કે પછી યુધ્ધમાં વિજય કે હાર જ નહિ પણ રાજદ્વારી મુત્સદ્દીગીરીમાં હારજીત પણ મહત્વના બનતા હોય છે.

ભારત-પાકિસ્તાનનાં યુધ્ધો વખતે અને ભારત પર ચીનના દગાબાજી ભર્યા આક્રમણ વખતે આ વાતની અથવા રાજદ્વારી કુટિલતાના જયવિજયને લગતી પ્રતીતિ થઈ હતી. બીજા વિશ્ર્વ યુધ્ધ વખતે પણ રણક્ષેત્રનાં હારજીત પછીએ રાજદ્વારી મુત્સદ્દીગીરીનો અને રાજદ્વારી કુટિલતાનો જબરો જંગ ખેલાયો હતો અને હારેલા જીતેલા જૂથો વચ્ચે તીવ્રત ખેંચતાઈ સર્જાઈ હતી. આગામી તા.૧૫મી ઓગષ્ટના રોજ કે તે પહેલા કાશ્મીરનાં આતંકવાદીઓ તેમજ અલગતાવાદી પરિબળોને બેવડા વાળી દેવાના લશ્કરી વ્યૂહ અને રાજકીય દાવપેચનો કેવો અંત આવશે તે તરફ આપણા આખા દેશની જ નહિ, પરંતુ આખી દુનિયાની મીટ રહેશે.

આમ થવાનું કારણ એ છે કે, શ્રી મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં અમીત શાહ સર્વ પ્રથમ એવા ગૃહપ્રધાન છે કે જેમણે તેમની હમણા સુધીની રાજકીય કારકીર્દીમાં ચાર ચાંદ લાગી શકે એવી પૂરેપૂરી સજજતા અને રાજકીય ચાતુરી સાથેની બાથ ભરી છે.

ઓછામાં પૂરૂં આ બાબત કાશ્મીરની બહુ ગવાયેલી સમસ્યાને સાંકળે છે. કાશ્મીરને લગતા વિવાદને અને કાશ્મીરની સતત વણસતી રહેલી આંતરિક પરિસ્થિતિને બારીકાઈથી નિહાળતા બેશક એવો ખ્યાલ ઉપસે છે કે, કાશ્મીરની સમસ્યાભારતની પણ છે અને તે આંતરરાષ્ટ્રીય પણ છે. કાશ્મીરની આવી અટપટી અને ભૂલભૂલામણી સમી સમસ્યાને કાયમ માટે ઉકેલી આપે અને કાશ્મીરની પ્રજાને તથા દૂનિયાને દંગ કરી દે તો દેશના સફળ અને કુનેહબાજ ગૃહમંત્રીઓમાં શ્રી અમિત શાહનું નામ અંકિત થયા વિના રહે નહિ… ‘કાશ્મીરની સમસ્યા’ લોઢાના ચણા ચાવવા કરતાંય વધારે કસોટીજનક છે. આ સમસ્યા હિન્દુસ્તાનના ભાગલા થયા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું લગભગ ત્યારથી જન્મી છે.

ભાગલા પછી તરત પાકિસ્તાને કાશ્મીર ઉપર ત્રાટકીને તેના મોટાભાગનાં પ્રદેશને કબ્જેરી લેવાની ધૃષ્ટિતા કરી તે વખતથી શરૂ થઈ હતી. અને આટલા વર્ષો પછી પણ તે ચાલુ રહી છે. પાકિસ્તાન સાથે ભારતની શત્રુતાના કારણો પૈકીનું અકે કારણ કાશ્મીરની સમસ્યા જ છે. પાકિસ્તાનનું સર્જન સાંપ્રદાયિક ધોરણે થયું તે બાબતે પણ બંને દેશો વચ્ચે કટુતા અને કડવાશ ચાલુ રહ્યા છે. કોમવાદ અને ધર્માંધતાએ આ બંને દેશોની પ્રજાને નીકટ આવવા દીધી નથી. અને પડોશી રાજયો હોવા છતાં એમને સારા પડોશીઓ બનવા દીધા નથી.

એશિયાની મહાસત્તા બનવાના સપના સાથે ચીને ભારત પ્રત્યે સામ્રાજયવાદી અને ટાંટીયા ખેંચની નીતિ જ અપનાવી છે. પંડિત જવાહરલાલ નહેરૂએ તેમની બિનજોડાણની એટલે તે વખતની મહાસત્તાઓ અમેરિકા કે સોવિયેત સંઘ એમ બંને રાષ્ટ્રો સાથે નહિ જોડાવાની વિદેશનીતિ અપનાવી હતી અને તટસ્થ રાષ્ટ્રોનો એક ત્રીજો સંઘ ઉભો કયો હતો. તે વખતે ચીનના નેતાઓ માઓ ત્સે તુંગ અને ચાઉ એનલાઈની અન્ય દેશોનાં વડાઓ સાથે ઓળખાણ કરાવીને ચીનની સાથે મિત્રતા સાધી હતી, જે ‘હિન્દી ચીનીભાઈ-ભાઈના નારાઓ સુધી પહોચી હતી. દલાઈલામાને ચીનની મરજી વિરૂધ્ધ ભારતમાં રાજકીય આશ્રય આપવા માટે ચીની નેતાઓ નારાજ થયા હતા અને એક તબકકે ભારત ઉપર દગાબાજી ભર્યું આક્રમણ કરીને બળજબરીથી ભારતનો ઘણો બધો મુલક પડાવી લેતાં કહેવાતી ગાઢ મૈત્રીનો અંત આણ્યો હતો. તે પછી તેણે પાકિસ્તાનને પોતાનું મિત્ર બનાવીને ત્યાં પગપેસારો કયો હતો. સરહદ મંત્રણાના ઓઠા હેઠળ ચીને ભારતની સાથે મૈત્રીનો ખેલ ખેલ્યો હતો અને પાકિસ્તાનને જાતજાતની સહાય આપીને ભારત વિરૂધ્ધ પાકિસ્તાન સાથે મૈત્રી સાધી હતી ચીને ભારતીય કબ્જા હેઠળના કાશ્મીરનો લશ્કરી રીતે વ્યૂહાત્મક ગણાતો પ્રદેશ ખરીદીને તેના ઉપર પોતાનો કબ્જો કરી લીધો છે.

ચીન અત્યારે ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી રહ્યું છે. અને તે બંન્ને બાજુ ઢોલકી બજાવે છે ! કાશ્મીરમાં પોતાનું લશ્કરી થાણુ બનાવીને પાકિસ્તાન તથા ભારતને દબાણમાં રાખવાની તેની નેમ છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અંતર્ગત ભાગ છે એવા ભારતના દાવા સાથે સંમત નહિ થઈને તેને તકરારી પ્રદેશ ગણાવ્યો છે. અને ચીનના નકશામાં પણ તેને તકરારી પ્રદેશ તરીકે અંકિત કરેલ છે. આમ કાશ્મીરને હડકવાયું અને ભારત વિરોધી બનાવવામાં ચીનની જ રાજરમત છે ભારતે કાશ્મીરને પોતાનું બનાવી રાખવા તેના વિકાસ અર્થે અબજો રૂપિયા ખર્ચ્યા છે અને હજુ ખર્ચે છે ભારત જેવા ગરીબ દેશને આવો બોજ વેઠયા કરવાનું ભારતને પોસાય તેમ નથી. ભારત-પાકિસ્તાન અમે બંને દેશો આ પ્રશ્ર્નને પોતાની રાજકીયપ્રતિષ્ઠાનો અને લશ્કરી રીતે વ્યૂંહાત્મક પણ માને છે. હાલમાં તે ‘ભારેલા અગ્નિ’ સમો બન્યો છે. અને મોદી સરકાર માટે પડકાર સમો બન્યો છે.

તા.૧૫મી ઓગષ્ટનો દિવસ સ્વાતંત્ર્ય દિન છે એની શાનદાર ઉજવણીને ટાંકણે અને દિલ્હીમાં ઐતિહાસીક લાલ કિલ્લાના કાંગરેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ લહેરાવીને પરંપરા મુજબ રાષ્ટ્રને સંબોધન કરે તે પહેલા કાશ્મીરને આતંકવાદ મૂકત કરવાની કસુંબલ સજજતા એમ માનવા પ્રેરે છે કે, જો ગૃહપ્રધાન શ્રી અમિત શાહ તેમની રણનીતિમાં સફળ થશે તો તે ભારતીય તવારિખમાં એક સોનેરી પ્રકરણ તરીકે આલેખાશે અને સવા અબજ આબાલવૃધ્ધ નરનારીઓ આ અવસરને દેશની રળિયામણી ઘડી તરીકે ઉજવશે!

આમ કરવા જતા કાશ્મીરમાં અને પાકિસ્તાનમાં તેના કેવા પ્રત્યાઘાતો સર્જાશે એ પણ આતુરતાપૂર્વક જોવાનું રહેશે! સ્વાતંત્ર્ય દિને અને ગૃહખાતા તથા લશ્કરને લગતા ખાતા એક બાજુ, તથા સંભવિત પ્રજાકીય રોષ આક્રોશ બીજી બાજુ એમ બે વચ્ચેનો હિંસા ન ફાટી નીકળે તો એ અસાધારણ સિધ્ધિ ગણાશે અથવા પરાજયની સીમા લેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.