Abtak Media Google News

સ્વાસ્થ્ય અને કરકસરને ધ્યાનમાં રાખી કર્મચારી અને અધિકારીઓને સપ્તાહમાં એક દિવસ સાઈકલ લઈ ઓફિસે આવવા મ્યુનિ.કમિશનરની અપીલ

૧૫૦ ફૂટ રીંગ રોડ સાઈકલ ટ્રેક દબાણ મુક્ત કરવા એસ્ટેટ શાખાને આદેશ એનજીઓ સાથે કમિશનરે સાઈકલ પર લગાવ્યો ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રાઉન્ડ

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ હવેથી સપ્તાહમાં એક દિવસ એટલે કે દર શુક્રવારે સાઈકલ પર કોર્પોરેશન કચેરીએ આવશે. દરમિયાન સ્વાસ્થ્ય અને કરકસરને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના તમામ કર્મચારીઓને સપ્તાહમાં એક દિવસ સાઈકલ લઈને કચેરીએ આવવા માટે ઉદિત અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેકની બાજુમાં આવેલો સાઈકલ ટ્રેક દબાણ મુક્ત કરવા એસ્ટેટ શાખાને સર્વે કરી કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અગ્રવાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં તેઓએ શહેરની અલગ અલગ સેવાકીય સંસ્થાઓના આગેવાનો સાથે શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સાઈકલ પર ચક્કર લગાવ્યો હતો. અહીં બીઆરટીએસ ટ્રેકની બાજુમાં સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે જે આખા રાજકોટની જનતા માટે છે પરંતુ અહીંં સંજોગાવસાહત દબાણ ખડકાઈ ગયા હોવાના કારણે લોકો સાઈકલ ચલાવી શકતા નથી. દરમિયાન એસ્ટેટ શાખાને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સાયકલ ટ્રેક પરના દબાણ હટાવવા માટે સર્વે સહિતની કામગીરી કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે.

તેઓએ ઉમેર્યું હતું કે, સપ્તાહમાં એક દિવસ દર શુક્રવારે તેઓ પોતે મ્યુનિ.કમિશનર બંગલાથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી સાઈકલ લઈને આવશે. આગામી શુક્રવારથી આ નવો સીલસીલો શરૂ કરવામાં આવશે. બીજી તરફ તેઓએ કોર્પોરેશનના તમામ વર્ગના કર્મચારીઓને એવી હૃદયપૂવકની અપીલ કરી કે કરકસર અને સ્વાસ્થ્યની જાળવણી માટે સપ્તાહમાં એક દિવસ સાયકલ લઈને કચેરીએ આવવાની પરંપરા શરૂ કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કમિશનરો દ્વારા પણ કર્મચારીઓ અને અધિકારીઓ સપ્તાહમાં એક દિવસ સાઈકલ લઈને કચેરીએ આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેની અમલવારી ક્યારેય થતી નથી. હવે મ્યુનિ.કમિશનરે હૃદયપૂર્વકની અપીલ કરી છે જેનું પાલન કર્મચારીઓ કે અધિકારીઓ કરે છે કે કેમ તે સમય જ બતાવશે. ખુદ કમિશનર કેટલા શુક્રવારે સાઈકલ લઈને કચેરીએ આવે છે તે જોવાનું રહ્યું. ૧૧ કિ.મી.ના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ખાસ સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે પરંતુ લોકો અહીં સાયકલ ચલાવી શકે તેવી સ્થિતિમાં આ ટ્રેક રહ્યો નથી. સાઈકલ ટ્રેક પર ઠેર-ઠેર દબાણો ખડકાઈ ગયા છે. કાર મેળાવાળાના દબાણો ૩૬૦ દિવસ ટ્રેક પર રહે છે જેના પર એસ્ટેટ શાખાના ચાર હાથ હોય છે. કમિશનરના આદેશ બાદ થોડા દિવસ સાઈકલ ટ્રેક ચોક્કસ ખુલ્લો રહે છે પરંતુ જેવી ચેકિંગની કામગીરી ઓછી કરવામાં આવે કે સાઈકલ ટ્રેક ફરીથી દબાણગ્રસ્ત બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.