Abtak Media Google News

આંદોલનના નામે હિંસા ઉપર ઉતરી આવતા ગ્રુપ કે સંસ્થાના આગેવાનો ઉપર સુપ્રીમ કોર્ટે સકંજો કસ્યો

આંદોલન દરમિયાન જો જાનહાની કે મિલકતને નુકસાન થાય તો આંદોલનના નેતાને ૨૪ કલાકની અંદર પોલીસ સ્ટેશને હાજર રહેવું પડશે તેવું વડી અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું હતું.

ગઈકાલે મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર અને ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું હતું કે, આંદોલન ચલાવનાર ગ્રુપ અથવા સંસ્થા હિંસા ઉપર ઉતરી આવે અને સંપતિને નુકસાન પહોંચાડે તેવા કેસમાં જે-તે ગ્રુપ કે સંસ્થાના નેતાને ૨૪ કલાકની અંદર પોલીસ સ્ટેશને હાજર થવું પડશે અને તેમની પુછપરછ કરવામાં આવશે જો નેતા પોલીસ સ્ટેશને હાજર નહીં રહે તો તેની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં ધર્મ-જાતી, ગૌરક્ષા, ફિલ્મોનો વિરોધ અને રાજકીય વિચારધારા સહિતના મુદ્દે થયેલા આંદોલન હિંસાત્મક સ્વરૂપ ધારણ કરે છે અને ખાનગી તેમજ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવે છે. આવા કિસ્સામાં જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી તત્કાલ થઈ શકતી નથી.

જેથી વડી અદાલતનો આ ચુકાદો ખુબ જ મહત્વનો બની જાય છે. જો કોઈ ગ્રુપ અથવા સંસ્થા દ્વારા શરૂ થયેલું આંદોલન હિંસા આચરવા માંડે તો તે ગ્રુપ કે સંસ્થાનો આગેવાન હિંસા સબબ પોલીસ સ્ટેશનમાં ૨૪ કલાકમાં હાજર રહે તેવું જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.