રાજકોટ જિલ્લા  મહિલા અને બાળ અધિકારીની કચેરીની પ્રેરક કામગીરી

જિલ્લાના ૧૧ તાલુકામાં ૪૦૦થી વધુ ગુડ્ડા-ગુડ્ડી બોર્ડનું કરાયું વિતરણ

દીકરો-દીકરી એક સમાન ના સુત્રને ચરિતાર્થ કરવા માટે રાજકોટ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા લોકજાગૃતિના અનેક કાર્યો કરવામાં આવે છે.

જે પૈકી દીકરીના જન્મદરમાં વધારો  કરવા અને દીકરી જન્મને પ્રોત્સાહન આપવા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ’ગુડ્ડા-ગુડ્ડી બોર્ડ’ વિતરણ અને ’દીકરી વધામણા કીટ’ આપવામાં આવે છે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ જે  ગામ ઓછો દીકરી જન્મદર ધરાવે છે, ત્યાં દીકરી જન્મદરને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા ગ્રામ પંચાયતમાં ’ગુડ્ડા-ગુડ્ડી બોર્ડ’ આપવામાં આવે છે. આ  બોર્ડને ગ્રામ પંચાયતમાં લગાવીને ગામમાં દીકરાના જન્મદર સામે દીકરીના જન્મદરના પ્રમાણની વિગતો દર્શાવવામાં આવે છે.

રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં  ૪૦૦થી વધુ ’ગુડ્ડા-ગુડ્ડી બોર્ડ’નું વિતરણ  કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટમાં ૭૩, ઉપલેટામાં ૨૫, વીંછીયામાં ૩૧, કોટડાસાંગાણીમાં ૩૩, જસદણમાં ૪૨, લોધીકામાં ૩૦, જામકંડોરણામાં ૩૨, જેતપુરમાં ૩૨, ધોરાજીમાં ૧૮, પડધરીમાં ૩૯ અને ગોંડલમાં ૬૫ ’ગુડ્ડા-ગુડ્ડી બોર્ડ’નું વિતરણ કરવામાં આવ્યું છે, તેમ મહિલા  શક્તિ કેન્દ્રના જિલ્લા કો-ઓર્ડીનેટર અસ્મિતાબેન ગઢિયા અને જેવીનાબેન માણાવદરિયાએ જણાવ્યું હતું.

Loading...