Abtak Media Google News

નવસારી જિલ્લાના મરોલીમાં કસ્તુરબા સેવાશ્રમ ખાતે સ્વરાંજલીની સાથે સાથે શહીદોને મૌનાંજલી અપાઈ

મહાત્મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ મહિલા સત્યાગ્રહી અને કર્મયોગી પૂ. કસ્તૂરબાની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લાના મરોલી સ્થિત ઐતિહાસિક કસ્તૂરબા સેવાશ્રમ ખાતે ‘માતૃવંદના સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો. શરૂઆતમાં કસ્તૂરબા વણાટશાળા તરીકે ઓળખાતી આ સંસ્થાનું ખાત-મુહૂર્ત ૧૯૩૦માં મહાત્મા ગાંધી હસ્તે થયું હતું.

શિક્ષણ, આરોગ્ય અને રોજગારલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત આ સંસ્થાના સ્થાપક પ્રમુખ-ટ્રસ્ટી ભારતના લોહ પુરુષ સરદાર વલ્લ્ભભાઈ પટેલ હતા. આથી ૧૫૦મી ગાંધી-જયંતી વર્ષ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, કસ્તૂરબા સેવાશ્રમ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજિત આ પ્રેરક કાર્યક્રમનું સવિશેષ મહત્વ રહ્યું.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને કસ્તૂરબા સેવાશ્રમના સેવાભાવી મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાસિયા, નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનંજયભાઈ ભટ્ટ અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કાંતિભાઈ પટેલ, મરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રણજિતસિંહ વાસિયા, જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાહુલભાઈ પટેલ, કસ્તૂરબા સેવાશ્રમના સંનિષ્ઠ-યુવા નિયામક પ્રતાપભાઈ પરમાર, ઉદ્યોગ-જગતમાંથી એન. વી. નાવડીયા અને રણજિતભાઈ શાહ, અગ્રણીઓ દિલીપભાઈ રાયકા, ચંદ્રકાંતભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં શાળાનાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમને મન મૂકીને માણ્યો.

મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે સ્વરાંજલિ અર્પણ કરી.  મહાત્મા ગાંધી, કસ્તૂરબા, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ મીઠુબેન પીટીટ (માઈજી) અને કલ્યાણજીભાઈ મહેતા (કાકા)ને ભાવાંજલિ અર્પણ થઈ.

જમ્મુ-કાશ્મીરનાં પુલનામામાં થયેલ હુમલામાં માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહૂતિ આપનાર સીઆરપીએફના વીર શહીદ જવાનોને સામૂહિક મૌનાંજલિ અર્પણ થઈ. ગાંધીજીને અતિ પ્રિય એવું ભક્તકવિ નરસિંહ મહેતા કૃત ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, મૂળ પ્રભાતી ઢાળમાં અભેસિંહભાઈએ રજૂ કરીને કાર્યક્રમનો આરંભ કર્યો.

ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ભેટ્યે ઝૂલે છે તલવાર, ચારણ-ક્ધયા, શિવાજીનું હાલરડું, સૂના સમદરની પાળે, રક્ત ટપકતી સો સો ઝોળી જેવી ઝવેરચંદ મેઘાણી રચિત અમર રચનાઓ રજૂ થઈ. વિદ્યાર્થીઓની લાગણીને માન આપીને અભેસિંહભાઈએ મોર બની થનગાટ કરે રજૂ કર્યું. આજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત અતિ લોકપ્રિય ગીત કસુંબીનો રંગ રજૂ કરીને સ્વરાંજલિ કાર્યક્રમને વિરામ આપ્યો.  અભેસિંહ રાઠોડ અને પિનાકી મેઘાણીનું ખાદીની શાલ અને સૂતરની આંટીથી ઐતિહાસિક કસ્તૂરબા સેવાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાસિયાએ અભિવાદન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.