Abtak Media Google News

પેન ડાઉન, માસ સીએલના કાર્યક્રમ આપ્યા બાદ પગારપંચની વિસંગતતા સહિતની માંગણી મુદે એલાન

ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર આજે ૧૫ મી ફેબ્રુઆરીના રોજથી સુરેન્દ્રનગર જિલ્લાના ૭૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે. કાળી પટ્ટી, પેન ડાઉન, માસ સીએલ જેવા કાર્યક્રમો બાદ પ્રશ્નો હલ ન થતા આરોગ્ય કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.

સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પગારમાં વિસંગતતા, ગ્રેડ પેરૂ ખાલી જગ્યાઓ બઢતી દ્વારા ભરવી, ફાર્માસીસ્ટ સંવર્ગમાં વપરાતા કમ્પાઉન્ડ શબ્દ બાબતનો સુધારો કરવો સહિતના અન્ય પડતર પ્રશ્નો બાબતે છેલ્લા ઘણા સમયથી સરકાર સામે આંદોલનાત્મક લડત લડી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અરવિંદભાઇ માલવણીયાના જણાવાયા મુજબ મહાસંઘના આદેશ મુજબ કાળી પટ્ટી ધારણ કરવી, પેન ડાઉન, માસ સીએલ સહિતના કાર્યક્રમો કરવા છતાં નિંભર સરકાર મચક આપતી નથી. આથી ના છૂટકે મહાસંઘના આદેશ મુજબ સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલમાં જનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૭૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓ જોડાશે.

જિલ્લા પંચાયત કચેરી ખાતે સમગ્ર જિલ્લાના કર્મચારીઓ એકઠા થઇ પ્રદર્શન પણ કરશે. જયારે આ અંગે ચોટીલા તાલુકા આરોગ્ય કર્મચારી કે.ટી.પરમારે જણાવ્યું કે, તાલુકાના ૬૬ કર્મચારીઓ પણ ૧૫મીથી હડતાળમાં જોડાનાર છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીને હડતાળનો રિપોટ આપી દેવાયો છે. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ આયોજનો કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.