Abtak Media Google News

બંધ દરવાજામાં રહેવું જ “શાણપણ !!

વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી કોરોના થવાનો ખતરો અનેકગણો વધી જાય છે

આગામી ઠંડીના દિવસોમાં કોવિડ-૧૯ વધુ ઘાતકી બનશે: પ્રદૂષણ અને કોરોના વચ્ચે લોકોનું સ્વાસ્થ્ય જાળવવું તંત્ર માટે પડકાર

ભારત સહિત સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. હાલ, કોરોનાના દરરોજના સરેરાશ કેસોમાં ઘટાડો તો થયો છે. પણ તેની તીવ્રતા હજુ ઓછી આંકી શકાય નહિ, આવનારા શિયાળાના દિવસોમાં કોરાના વધુ વ્યાપક વકરે તેવી ભીતી સેવાઇ રહી છે. ઠંડીના દિવસો તો ઠીક પણ હાલના સમયમાં વધતું જતું પ્રદુષણ કોરોનાને વધુ ભયાનક બનાવે તેવો ખતરો તોળાઇ રહ્યો છે. પ્રદુષણની સાથે હવામાં ભળેલ કોરોના વધુ જીવલેણ સાબીત થઇ શકે છે. આથી વધતા જતાં પ્રદુષણ અને કોરોનાથી બચવા બંધ દરવાજામાં જ રહેવું આપણું સાણપણ  અને ડહાપણ ગણાશે.

કોરોના વાઇરસ તો છેલ્લા આઠ મહિનાથી આપણને કનડગત કરી રહ્યો છે પણ પ્રદુષણનો વર્ષો જુની આપણે પ્રશ્ર્ન છે. હવે, આ બંને પરિબળ ભેગા થઇ આપણો જીવ લઇ લેવા સક્ષમ થયાં છે. આથી સાવચેતી રાખવી ખુબ જ જરૂરી બની ગયું છે. તાજેતરમાં યુએસના અભ્યાસકર્તાઓ દ્વારા આ અંગ એક અહેવાલ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. તેમાં ધટસ્ફોટ થયો છે કે વાતાવરણમાં રહેલા ઝેરી દ્રવ્યો કોરોના કરતાં પણ વધુ ખતરનાક છે. વધતું જતું પ્રદુષણ માનવજીવન સહિત સમગ્ર સજીવો માટે એક ચિંતાજનક વિષય છે.

પ્રદુષણોમાં પણ હવા પ્રદુષણ અતિ ગંભીર મુદ્દો બની રહ્યું છે. જેની પાછળનું મૂળભુત કારણ ઔઘોગિક એકમો અને વાહનોમાંથી છુટકો જીવલેણ ધુમાડો છે., જેના દ્વારા વાતાવરણમાં ભળતો કાર્બન ડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ અને નાઇટ્રોજન ડાયઓકસાઇડ જેવા ઝેરી વાયુ હવામાં ભળે છે. આ પ્રમાણ દિવસેને દિવસે વધતું જઇ રહ્યું છે. તેમાં પણ હાલના સમયે કોરોના વાયરસ ભળતા મુદ્દો અતિ ભયાનક બન્યો છે. જે માનવીના મૃત્યુને નોતરી શકે છે, જો કે, લોકડાઉનના કારણે વાહન વ્યવહાર તેમજ ઔઘોગિક એકમો બંધ રહેતા આ પ્રદુષણના સ્તરમાં નોંધનીય ઘટાડો નોંધાયો હતો. પરંતુ ફરી ધીરે ધીરે તમામ ક્ષેત્રે ઉત્પાદન અને ઔઘોગિક પ્રવૃતિ શરુ થતાં પ્રદુષણનો મુદ્દો ફરીએ જ સ્થિતિએ આવીને ઉભો રહી ગયો છે.

ધ ઇનોવેશન જર્નલના નિષ્ણાંતો દ્વારા જણાવાયું છે કે, હવા પ્રદુષણના સંપર્કમાં આવતા કોરોના થવાનો ખતરો વધી જાય છે. હવા પ્રદુષણ ખાસ કરીને શ્ર્વાસને લગતી ગંભીર બિમારીઓને નોતરે છે. અને કોરોના પણ ફેફસામાં કબ્જો જમાવી શ્વસન તંત્રને નુકશાન પહોચાડે છે. તેવામાં હવા પ્રદુષણ સાથેનો વધુ સંપર્ક કોરોનાને નોતરે છે. આથી ઘરની ચાર દિવાલો વચ્ચે જ રહેવું સુરક્ષીત છે. એમાં પણ આગામી દિવસોમાં ઠંડીનું આગમન થતાં કોરોના વધુ પ્રસરે તેવી ભીતી સેવાઇ રહી છે. આ અંગે રાજકોટના કલેકટર રેમ્પા મોહને પણ તાજેતરમાં નિવેદન આપ્યું હતુ અને જણાવ્યું હતું કે, આગામી નવેમ્બર-ડીસેમ્બર માસમાં કોરોનાના કેસની સંખ્યા ફરી ઉંચાઇ પકડી શકે તેમ છે. આથી તેમણે તંત્રની સાબદા રહેવા સુચનો કર્યા હતા.

ઠંડીના આગમનની સાથે જ કોરોનાના કેસોનું પણ આગમન વધી જશે!! પરંતુ આ માટે સાવચેતીની સાથે સાથે વ્યવસ્થાપનની પણ જરુર છે. શું વધતા જતા કોરોનાના કેસને ઠંડીના દિવસોમાં નિયંત્રિત કરવો સરળ રહેશે?? નહીં, આમ કરવું એક મોટા પડકારરૂપ સમાન સાબિત થશે. કોરોનાને તો મ્હાત આપવાની જ છે પણ આ સાથે પ્રદુષણ નિયંત્રણ માટેના પ્રયાસો પણ કરવાના છે અને આ બે મોટા પ્રશ્નોની વચ્ચે લોકોના સ્વાસ્થ્યનું પણ ઘ્યાન રાખવાનું છે. જે તંત્ર માટે ખરેખર આકરુ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.