Abtak Media Google News

અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલા સંદર્ભે ભાજપ સરકારની આકરી ઝાટકણી: કલમ ૩૭૦ નાબુદ કરવા માંગણી

અમરનાથ યાત્રિકો પર થયેલ હુમલા મુદ્દે આતંકવાદીઓ વિરુઘ્ધ કડક પગલા ભરવાની માંગ સાથે મોરબી વિશ્ર્વ હિન્દુ પરિષદનાં સેક્રેટરી નિર્મિત કકકડે વડાપ્રધાન મોદીને વર્ષ ૨૦૧૪નો હિન્દુવાદી ચુંટણી ઢંઢેરો યાદ કરવો. મોદી સરકાર આતંકવાદ સામે પગલા ભરવામાં નિષ્ફળ નિવડી હોય. નૈતિકતાના ધોરણે રાજીનામું આપે તેવી માંગણી સાથે ઈ-મેઈલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદ મોરબી એકમના સેક્રેટરી નિર્મિત કકકડે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ કરી જણાવ્યું હતું કે તા.૧૦ જુલાઈના રોજ અમરનાથ યાત્રિકો પર થયેલો આતંકવાદી હુમલો માત્ર યાત્રિકો પરનો હુમલો નથી. સમગ્ર હિન્દુસ્તાન પર હુમલા સમાન છે. આ સંજોગોમાં વડાપ્રધાન મોદીને ૨૦૧૪ની લોકસભા ચુંટણી સમથર્નો હિન્દુવાદી ચુંટણી ઢંઢેરો યાદ કરાવતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારે મત માંગવા માટે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવા, રામમંદિર નિર્માણ કરવું, ગૌહત્યા રોકવા મજબુત કાયદો, કાશ્મીરી પંડિતોના પુન:વસન અને સરહદપારથી થતા આતંકવાદ સામે લડવાનું વચન આપ્યું હતું પરંતુ સતામાં આવ્યા બાદ મોદી સરકારે હિન્દુવાદી એજન્ડાને સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલી દેતા કાશ્મીર સમસ્યા જૈસે થે છે.

વધુમાં હવે મોદી સરકારની ઢીલી નીતિને કારણે પાકિસ્તાનની સાથે સાથે ચીન દ્વારા દેશ પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી વિશ્ર્વ હિન્દુ પરીષદના સેક્રેટરી નિર્મિત કકકડે વડાપ્રધાન મોદીને આપકી અદાલતમાં તેમણે આપેલા ઈન્ટરવ્યુની યાદ અપાવતા જણાવ્યું હતું કે આપે જ કહ્યું હતુંકે, આતંકવાદને પોષતા દેશને એજ ભાષામાં જ જવાબ આપવો જોઈએ. દુશ્મન દેશ આપણા એક શહિદને મારે તો આપણે તેના ૧૦ સૈનિકોને મારવા જોઈએ પરંતુ વડાપ્રધાન મોદી આવા પગલા ભરી શકયા નથી.

અમરનાથ યાત્રિકો પરનો હુમલો માફ કરી શકાય તેમ નથી. ભારતે તેનો બદલો લેવો જોઈએ તેમ જણાવી કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ પર મોદી સરકારની નીતિ અંગે ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે ભાજપે કાશ્મીરમાં પીડીપી સામે સતા ભાગીદારી કરી છે જયાં રોજ પાકિસ્તાની ધ્વજ જાહેરમાં લહેરાવવામાં આવી રહ્યા છે તે શું સુચવે છે ?

વડાપ્રધાન મોદીને લખાયેલા પત્રમાં માત્ર વિહિપ નેતાની જ વ્યથા નથી સમગ્ર દેશવાસીઓના દિલો-દિમાગમાં છવાયેલી વ્યથાને હિંમતપૂર્વક રજુ કરી વિશ્ર્વ હિન્દુ પરિષદના સેક્રેટરી નિર્મિત કકકડે અંતમાં જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રિકો પરના હુમલા બાદ સરકાર હવે સફાળી જાગે અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી હિન્દુવાદી સરકાર હોવાનો અહેસાસ કરાવે અથવા તો નૈતિકતાના ધોરણે રાજીનામું આપવા માંગ કરવામાં આવી છે.

અંતમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકાર તાકીદે ૨૦૧૪નાં બોકસમાં ચુંટણી ઢંઢેરામાં આવેલા વચનો પૂર્ણ કરે અને જો આમ કરવા સક્ષમ ન હોય તો પછી આગામી ચુંટણીમાં ભાજપ હિન્દુવાદી ચુંટણી ઢંઢેરાથી દૂર રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.